કમ્પાલાઃ યુગાન્ડાના પ્રમુખ મુસેવેનીના વિજયને પડકારતી પ્રમુખપદના પૂર્વ ઉમેદવાર બોબી વાઈનની મૂળ પિટિશનમાં સુધારાવધારા અને નવા કારણો ઉમેરવા માટેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દેતા વાઈનને આંચકો લાગ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે ઈલેક્શન કમિશન દ્વારા પ્રમુખપદની ચૂંટણીના પરિણામો જાહેર કરે તેના ૧૫ દિવસમાં અરજદારે તે ચૂંટણીને પડકારવાની હોય છે. અહીં આ પિટિશનમાં સુધારાનો મુદ્દો તે સમયમર્યાદા વીતી ગયા પછીનો છે.
બોબી વાઈન અને મુસેવેનીના વકીલોએ કરેલી રજૂઆતો પછી કોર્ટે તે અરજી પર પોતાનો ચુકાદો સંભળાવવા કોર્ટ થોડા સમય માટે મુલતવી રાખી હતી. તે દિવસે બપોરે ૪ વાગ્યે કોર્ટ ફરી કોર્ટ શરૂ થતાં જસ્ટિસ સ્ટેલા આરાચ અમોકોએ સર્વાનુમતે લેવાયેલો ચુકાદો વાંચી સંભળાવ્યો હતો. તેમાં વાઈને જે મુદ્દા ઉઠાવ્યા હતા અથવા તો તેઓ જે મુદ્દાઓનો તેમની અરજીમાં સમાવેશ કરવા માંગતા હતા તે પિટિશનમાં સામેલ હોવાના આધારે વાઈનની અરજી ફગાવી દેવામાં આવી હતી.
ન્યાયમૂર્તિઓએ મેડાર્ડ લુબેગા સ્સેગ્ગોનાના નેતૃત્વ હેઠળની વાઈનની લીગલ ટીમને મૂળ પિટિશનમાં ઉઠાવેલા મુદ્દા પુરવાર કરવા એફિડેવીટ સાથે પુરાવા રજૂ કરવાની સલાહ આપી હતી. પેનલના અન્ય જસ્ટિસ ચીફ જસ્ટિસ આલ્ફોન્સે હતા. ન્યાયમૂર્તિઓએ જણાવ્યું હતું કે વાઈનની સુધારા સાથેની પિટિશનમાં પ્રમુખપદની સ્પર્ધામાં મુસેવેનીની ઉમેદવારી ગેરકાયદેસર રીતે થઈ હતી તેવો સંકેત આપતી જે દલીલ રજૂ કરવા માગે છે તેને તેઓ મંજૂરી આપી શકે નહીં.
વાઈને દલીલ કરી હતી કે મુસેવેની સરકારના વડા, કમાન્ડર ઇન ચીફ છે અને નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના અધ્યક્ષ હોવાથી પ્રમુખપદની ચૂંટણી માટે તેમની ઉમેદવારી ગેરકાયદેસર હતી. વાઈનની લીગલ ટીમે દલીલ કરી હતી કે બંધારણની કલમ ૧૦૨ (૨) (બી) અને ૨૧૯ હેઠળ આવા હોદ્દા ઉપર ચાલુ રહેલી વ્યક્તિને પ્રમુખપદની ચૂંટણી લડવા પર મનાઈ છે.