કિબાલે: યુગાન્ડાના કિબાલે નેશનલ પાર્કમાં વસતા વિશ્વના સૌથી મોટા અને અત્યાર સુધી એકજૂથ ગણાતા ચિમ્પાન્ઝી સમૂહમાં ભંગાણ પડ્યું છે. સંશોધકોના મતે, છેલ્લા આઠ વર્ષથી આ સમૂહ બે જૂથોમાં વહેંચાઈને લોહિયાળ સંઘર્ષમાં ઉતર્યો છે, જેમાં અત્યાર સુધીમાં 24 ચિમ્પાન્ઝીઓની કરપીણ હત્યા કરવામાં આવી છે.
અમેરિકાની યુનિવર્સિટી ઓફ ટેક્સાસના નૃવંશશાસ્ત્રી અને આ અભ્યાસના મુખ્ય લેખક આરોન સેન્ડેલે આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જે ચિમ્પાન્ઝી એક સમયે એકબીજાના હાથ પકડીને ફરતા હતા, તેઓ હવે એકબીજાના જીવ લેવા પર ઉતરી આવ્યા છે. સંશોધન મુજબ વર્ષ 2018 થી શરૂ થયેલા આ હિંસક સંઘર્ષમાં 17 નવજાત બચ્ચાઓ અને 7 પુખ્ત નર ચિમ્પાન્ઝીના મોત નોંધાયા છે. જોકે, વૈજ્ઞાનિકોનું માનવું છે કે વાસ્તવિક આંકડો આનાથી ઘણો વધારે હોઈ શકે છે.
એક અંદાજ અનુસાર વર્ષ 2015માં પ્રથમ વખત આ સમૂહમાં તિરાડ જોવા મળી હતી. લગભગ 200 સભ્યો ધરાવતું આ જૂથ પશ્ચિમ અને મધ્ય એમ બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. સાયન્સ જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસમાં હિંસા પાછળના સંભવિત કારણો દર્શાવવામાં આવ્યાં છે.
આરોન સેન્ડેલના જણાવ્યા અનુસાર, ચિમ્પાન્ઝીઓ અત્યંત ટેરિટોરિયલ પ્રાણી છે. તેઓ અન્ય જૂથો પ્રત્યે આક્રમક વલણ ધરાવે છે. લાંબા સમય સુધી ચાલતી હિંસા માનવ ઇતિહાસમાં પ્રારંભિક યુદ્ધો અને સંઘર્ષો કેવી રીતે વિકસ્યા હશે તે સમજવામાં વૈજ્ઞાનિકોને મદદરૂપ થઈ શકે છે.


