યુગાન્ડામાં શરણાર્થીઓનો બોજ ઉઠાવવા યુએનને અનુરોધ

Friday 30th October 2020 12:02 EDT
 

કમ્પાલાઃ યુગાન્ડા પાર્લામેન્ટના સ્પીકર રેબેકા કડાગાએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સમુદાયની અપૂરતી સહાય વચ્ચે યુગાન્ડામાં જે ઝડપે શરણાર્થીઓ આવે છે તે જોતાં યુગાન્ડા ભારે દેવાની પરિસ્થિતિમાં મૂકાઈ જશે. તેમણે ઉમેર્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે મોટા પ્રમાણમાં શરણાર્થીઓની જવાબદારી યુગાન્ડા પર નાખી દીધી છે તેનાથી તેઓ નારાજ છે. યુગાન્ડામાં ૨૦૧૭માં મોટા પાયે યોજાયેલી સમિટમાં કમ્પાલામાં ઉપસ્થિત આંતરરાષ્ટ્રીય સમુદાયે યુગાન્ડાને ૨ બિલિયન ડોલરની સહાયનું વચન આપ્યું હતું પરંતુ, અંતે તેમણે માત્ર ૩૫૦ મિલિયન ડોલર જ મોકલ્યા હતા.

કડાગાએ ૨૮ ઓક્ટોબરે યોજાયેલી બેઠકમાં કહ્યું કે યુગાન્ડાના કુદરતી સ્રોતોમાં ઘટાડો થઈ રહ્યો છે અને માળખાકીય સુવિધાઓ પર વધતાં દબાણથી સરકારને ખર્ચ થાય છે તેનો બોજ ઉઠાવવો પડે છે. તેમણે ઉમેર્યું કે સંયુક્ત રાષ્ટ્રોએ યુગાન્ડામાં આવેલા ૧.૪ મિલિયન શરણાર્થીઓની સંપૂર્ણ જવાબદારી લેવી જોઈએ કારણકે શરણાર્થીઓ યુએનના છે. યુગાન્ડા તો તેમનું માત્ર યજમાન છે.

સ્ટેટ મિનિસ્ટર ફોર લોકલ ગવર્નમેન્ટ જેનીફર નામુયાંગુએ જણાવ્યું કે યુમ્બે અને ઓબોંગી માટે તેમનું મંત્રાલય ચિંતિત છે કારણકે ત્યાં યુગાન્ડાના નાગરિકો કરતાં શરણાર્થીઓની સંખ્યા વધારે છે અને તેમના વચ્ચે સંઘર્ષ થાય છે. કબાલે મ્યુનિસિપાલિટી સાંસદ અજા બેર્યાયાન્ગાએ જણાવ્યું કે નાગરિકો અને શરણાર્થીઓ વચ્ચે સંઘર્ષનું કારણ એ છે કે સરકાર તેમને બદલે શરણાર્થીઓનું જ વધુ ધ્યાન રાખતી હોવાનું નાગરિકોને લાગે છે. તેમણે ઉમેર્યું કે નાગરિકો માટેના સ્રોતો પરનું દબાણ ઘટાડવાના હેતુસર શરણાર્થીઓ માટે ફંડ એકત્ર કરવાની વ્યવસ્થા અંગેના કાયદામાં સુધારા માટે સંસદે વિચારવું જ જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter