યુગાન્ડામાં શ્રીલંકાવાળી, મોંઘવારીના વિરોધમાં જનતા સડકો પર

જનઆંદોલનના 8 નેતાની ધરપકડ, વિપક્ષના નેતા જેલભેગા

Wednesday 20th July 2022 05:46 EDT
 
 

કમ્પાલા - સમગ્ર વિશ્વમાં ફુગાવાનો દર માઝા મૂકી રહ્યો છે. શ્રીલંકામાં મોંઘવારીથી ત્રસ્ત જનતાએ સરકારને ઉખેડી ફેંકી છે તો આફ્રિકાના યુગાન્ડામાં પણ જનતા મોંઘવારીના વિરોધમાં સડકો પર ઉતરવા લાગી છે. કમ્પાલાથી 80 કિમી દૂર આવેલા જિન્જા શહેરમાં મોંઘવારી વિરોધી દેખાવકારોએ રસ્તા પર ચક્કાજામ કરી ટાયરો સળગાવ્યા હતા.

પોલીસ પ્રવક્તા જેમ્સ મુમ્બીએ જણાવ્યું હતું કે, હિંસા ભડકાવવાના આરોપસર આઠ નેતાઓની ધરપકડ કરાઇ છે. પોલીસે હિંસા આચરી રહેલા ટોળાને વિખેરવા માટે ટિયરગેસના શેલ છોડ્યાં હતાં. એક વેપારી સોલોમન વાન્દીબાએ જણાવ્યું હતું કે, અમે આ પ્રકારના આંદોલનને સમર્થન આપીએ છીએ. લોકોને રાત્રે ભૂખ્યા સૂઇ જવાની ફરજ પડી રહી છે. સરકારે તાત્કાલિક મોંઘવારી ઘટાડવાના પગલાં લેવા જોઇએ. લગભગ સાડા ચાર કરોડની વસતી ધરાવતો યુગાન્ડા કોરોના મહામારી બાદ હવે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના દુષ્પરિણામો વેઠી રહ્યો છે. યુક્રેન યુદ્ધના કારણે સમગ્ર વિશ્વમાં ઇંધણો અને ખાદ્યાન્નના ભાવોમાં તોતિંગ વધારો થયો છે. યુગાન્ડામાં ફેબ્રુઆરી મહિનાથી પેટ્રોલની કિંમત બમણી થઇ ગઇ છે જ્યારે અંતરિયાળ વિસ્તારોમાં તો ભાવ તેનાથી પણ વધુ છે. 1986થી યુગાન્ડામાં સત્તા ચલાવી રહેલા પ્રમુખ યોવેરી મુસેવિની કરવેરા ઘટાડવાને બદલે લોકોને કરકસર કરવાની સલાહ આપી રહ્યાં છે. જનતા કરવેરામાં ઘટાડા અને સરકારી સહાયની માગ કરી રહી છે. મોંઘવારીના વિરોધમાં વિવિધ આંદોલનનું નેતૃત્વ કરનારા વિપક્ષના નેતા કિઝ્ઝા બેસિગ્યેને જૂન મહિનામાં બીજીવાર જેલભેગા કરી દેવાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter