યુગાન્ડામાં સમલૈંગિકતાવિરોધી કાયદાને સમર્થન પછી દાતાઓ ભંડોળ આપશે?

Tuesday 23rd April 2024 01:40 EDT
 
 

કમ્પાલાઃ યુગાન્ડાની સર્વોચ્ચ બંધારણીય કોર્ટે બીજી એપ્રિલે એન્ટિ-હોમોસેક્સ્યુઆલિટી એક્ટ (AHA)ને માન્ય ઠરાવ્યા પછી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની હાલત શું થશે તે પ્રશ્નો સર્જાઈ રહ્યા છે. દેશને મળતી વૈશ્વિક સહાય પર કાપ મૂકાશે તો દેશના વિકાસનું શું તે પણ પ્રશ્ન છે. યુગાન્ડાની સરકાર પર દબાણ વધારવા યુગાન્ડાના સમલૈંગિક અને માનવ અધિકારોના કર્મશીલોએ આંતરરાષ્ટ્રીય કોમ્યુનિટીને અનુરોધ કર્યો છે. સહાય આપતા દેશો યુગાન્ડાને સહાય આપવા સામે વધુ નિયંત્રણો જાહેર કરે તેવી માગણી પણ રખાઈ છે.

વ્હાઈટ હાઉસે AHAનો અમલ કરાશે તો સંભવિત આર્થિક પરિણામોની ચેતવણી આપી છે. યુએસના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર જેક સુલિવાને યુગાન્ડાની સુપ્રીમ કોર્ટના ચુકાદાને નિરાશાજનક ગણાવતા કહ્યું હતું કે તે માનવ અધિકારોને નુકસાનકારી છે અને તમામ યુગાન્ડાવાસીઓની આર્થિક સમૃદ્ધિને મુશ્કેલીમાં મૂકનારો છે. બાઈડેન વહીવટીતંત્ર યુગાન્ડા સરકાર સાથે અમેરિકાના સંબંધોના તમામ પાસાઓ પર યુગાન્ડાના એન્ટિ-હોમોસેક્સ્યુઆલિટી એક્ટની અસરોનું વિશદ્ મૂલ્યાંકન કરી રહેલ છે. યુગાન્ડાના અધિકારીઓ સામે પ્રતિબંધ અને વિઝા નિયંત્રણો સહિતના પગલાં લેવાયાં છે. યુરોપિયન પાર્લામેન્ટે પણ 10 એપ્રિલે યુગાન્ડાના બિલને વખોડતું મતદાન કર્યું હતું અને કમ્પાલા સાથેના સંબંધોને અસર પડશે તેવી ચેતવણી સાથે ઈયુ દેશોને પ્રમુખ મુસેવેની પર કાયદાનો અમલ નહિ કરવાનું દબાણ કરવા જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે સંસ્થાનવાદી કાળમાં પણ યુગાન્ડામાં સમલૈંગિકતા ગેરકાયદે જ હતી. LGBTQIA+વિરોધી કાયદામાં બાળકો અને અન્ય અસુરક્ષિત લોકો સાથે જોખમી સમલૈંગિક સંબંધો બદલ મોતની સજા તેમજ આવો પ્રયાસ કરનારાને 14 વર્ષની જેલની જોગવાઈ છે. દરમિયાન, આફ્રિકાના 54 દેશોમાંથી 22 દેશોમાં જ હોમોસેક્સ્યુઆલિટીને કાયદાથી સમર્થન ધરાવે છે. કેટલાક દેશોમાં કેદની સજાની જ્યારે, મૌરિશિઆના, નાઈજિરિયા, સોમાલિયા અને સાઉથ સુદાનમાં મોતની સજાની જોગવાઈ છે. સાઉથ આફ્રિકા એક માત્ર આફ્રિકન દેશ છે જ્યાં 2006માં સમલૈંગિક લગ્નોને કાનૂની પરવાનગી અપાઈ હતી. બીજી તરફ, સમલૈંગિકતાવિરોધી યુગાન્ડન સાંસદોએ જણાવ્યું હતું કે સહાયમાં કાપની ધારણા હતી જ અને તેઓ સમાન વિચારસરણી ધરાવતા દેશો સાથે સંબંધો વધારવાની હિમાયત કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter