કમ્પાલાઃ યુગાન્ડામાં સૌથી લાંબા શાસન સાથે 80 વર્ષીય પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેની તેમની સત્તાના લગભગ 40 વર્ષના કાર્યકાળને લંબાવવા મક્કમ છે. શાસક પાર્ટી નેશનલ રેસઝિસ્ટન્સ મૂવમેન્ટ (NRM)એ જાન્યૂઆરી 2026માં થનારી પ્રમૂખપદની ચૂંટણી માટે મૂસેવેનીની ઉમેદવારીને જાહેર કરી દીધી છે.
બળવાખોર નેતા તરીકે 1986માં સત્તા હાંસલ કરનારા મુસેવેનીએ કડક હાથે યુગાન્ડા પર શાસન કર્યું છે. તેઓ સત્તા પર રહી શકે તે માટે વય અને હોદ્દાની મુદતની મર્યાદા દૂર કરવા બે વખત બંધારણમાં સુધારા પણ કરવામાં આવ્યા છે. મુસેવેનીએ કહ્યું હતું કે તેઓ યુગાન્ડામાં સ્થિરતા અને પ્રગતિ લાવ્યા છે. આગામી પાંચ વર્ષમાં યુગાન્ડાને 500 બિલિયન ડોલર ઈકોનોમી તરીકે વિકસાવવા માટે ફરી ચૂંટણી લડી રહ્યા હોવાનો દાવો પ્રમુખ મુસેવેનીએ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે આગામી ચૂંટણીમાં પોપ સ્ટારમાંથી રાજકારણી બનેલા બોબી વાઈન (રોબર્ટ ક્યાગુલાન્યી) પણ તેમની પાર્ટી નેશનલ યુનિટી પ્લેટફોર્મ તરફથી મુસેવેની વિરુદ્ધ ઉમેદવારી કરવા સજ્જ છે. અન્ય વિપક્ષી નેતા કિઝા બેસિગ્યેને નવેમ્બર મહિનાથી દેશદ્રોહના આરોપસર જેલમાં ગોંધી દેવાયા છે.