રાઈલા ઓડિંગાના ગઠબંધનમાં તિરાડઃ પ્રમુખપદની ચૂંટણીમાં રસાકસી જામશે

Wednesday 25th May 2022 06:53 EDT
 
 

નાઈરોબીઃ કેન્યામાં 9 ઓગસ્ટે પ્રમુખપદની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાઈલા ઓડિંગા અને વિલિયમ રુટો વચ્ચે ભારે હરીફાઈ જામશે તેમ મનાય છે. આ પરિસ્થિતિમાં અઝિમિઓ લા ઉમોજા (Azimio La Umoja) ગઠબંધનના પ્રમુખપદના ઉમેદવાર ઓડિંગાએ એક સાથી કાલોન્ઝો મુસીઓકાને ગુમાવ્યા છે. મુસીઓકાએ વાઈપર પાર્ટી તરફથી દેશના પ્રમુખપદના ઉમેદવાર બનવાનું સ્વીકારી લીધું છે. બીજી તરફ, ઓડિંગાએ ઉપપ્રમુખપદના સાથી ઉમેદવાર તરીકે પૂર્વ મિનિસ્ટર માર્થા કારુઆના નામની જાહેરાત કરી દીધી છે.

પ્રમુખપદની ચૂંટણીમાં 46 ઉમેદવારો મેદાનમાં છે. જો કાલોન્ઝો મુસીઓકાની ઉમેદવારીને સમર્થન મળશે તો મોટા ભાગે ત્રિકોણીય જંગ ખેલાશે. મુસીઓકા 2013 અને 2017માં રાઈલા ઓડિંગાના સાથી ઉમેદવાર હતા. કેન્યન પ્રમુખ ઉહુરુ કેન્યાટાની જ્યુબિલી પાર્ટી, ઓડિંગાની ઓરેન્જ ડેમોક્રેટિક મૂવમેન્ટ તેમજ અન્ય ડઝન રાજકીય જૂથોના બનેલા અઝિમિઓ લા ઉમોજા ગઠબંધને ઓડિંગા અને કારુઆની ઉમેદવારીને સમર્થન આપ્યું છે. પ્રેસિડેન્ટ કેન્યાટા બે ટર્મ પછી ફરીથી ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે તેમ નથી, પરંતુ તેઓ પૂર્વ વડાપ્રધાન રાઈલા ઓડિંગાને પીઠબળ આપે છે તેની સામે તેમના ડેપ્યુટી વિલિયમ રુટોને નારાજગી છે.

કેન્યામાં 9 ઓગસ્ટે સામાન્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે જેમાં કુલ 7000 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જોકે, પ્રમુખપદની ચૂંટણીમાં વિક્રમજનક આંકડો એટલે કે 46 અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભર્યું છે. રાષ્ટ્રપતિપદના ઉમેદવારોમાં નાઝલિન ઓમર, નિક્સન કુકુબો, મુથિઓરા કરિઆરાનો સમાવેશ થાય છે. ચૂંટણીના કુલ 7000 ઉમેદવારોમાં 106 ગવર્નર, 147 સેનેટર, 110 મહિલા પ્રતિનિધિ, 958 સંસદસભ્ય અને 5845 કાઉન્ટી વિધાનસભાના સભ્યોનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિપદ માટેના નવા ઉમેદવારોમાં મુખ્યત્વે ગોસ્પેલ આર્ટિસ્ટ રુબેન કીગેમ, પ્રિસ્બેટેરિયન ચર્ચ ઓફ ઇસ્ટ આફ્રિકાના પૂર્વ મોડરેટર ડેવિડ ગિથી તથા ગ્રીટા મુથોનીનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter