લંડનઃ રોસ્તમ અઝિઝીના તારીફા ગ્રુપે તાન્ઝાનિયા, કેન્યા અને યુગાન્ડામાં અગ્રણી અખબારોની માલિકી ધરાવતા નેશન મીડિયા ગ્રુપમાં 54 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે. નેશન મીડિયા ગ્રુપ આગાખાન ફંડથી સંચાલિત વાણી સ્વતંત્રતા માટે જાણીતું જૂથ છે.
તાન્ઝાનિયાની સત્તાધારી ચામા ચા માપિન્દુઝી પાર્ટી સાથે ઘરોબો ધરાવતા અઝિઝીએ જણાવ્યું હતું કે, તેઓ ગ્રુપને ડિજિટલ યુગમાં લઇ જવા માટે રોકાણ કરશે. અમે રિજિયનના યુવાઓને ટાર્ગેટ કરવા માગીએ છીએ.
તેમણે જણાવ્યું હતું કે, મીડિયા ગ્રુપમાં કેટલાક બદલાવ જરૂરી છે. અમે સમાજના તમામ વર્ગને કેન્દ્રમાં રાખીને કામ કરતા મીડિયા ગ્રુપ તરીકે પરિવર્તિત કરવા માગીએ છીએ.
જોકે હજુ આ કરારને મંજૂરી પ્રાપ્ત થઇ નથી. પરંતુ કેટલાક વરિષ્ઠ પત્રકારો આ ટેકઓવર પર ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે. તેમને ભય છે કે અઝિઝી ઇસ્માઇલી મુસ્લિમોના સ્વર્ગસ્થ આધ્યાત્મિક નેતા પ્રિન્સ કરીમ અલ-હુસેનીના મૂલ્યો ધરાવતા નથી. લોકતાંત્રિક મૂલ્યોની જાળવણીના ઉદ્દેશ્યથી આગાખાન ગ્રુપ દ્વારા 1959માં નેશન મીડિયા ગ્રુપનો પ્રારંભ કરાયો હતો.


