લંડન અને દુબઈ ફ્લાઈટ્સ શરૂ કરવા યુગાન્ડા એરલાઈન્સની તૈયારી

Tuesday 16th March 2021 15:55 EDT
 

કમ્પાલાઃ આગામી મે મહિનામાં લંડન અને દુબઈમાં લેન્ડિંગના સ્લોટ સુનિશ્ચિત કર્યા પછી આ બન્ને શહેરોની ફ્લાઈટ્સની શરૂઆતની શક્યતા સાથે યુગાન્ડા એરલાઈન્સ તેના વિમાનોની સફાઈ કરી રહી છે. એરલાઈન્સને અઠવાડિયામાં હિથરોની પાંચ ડાયરેક્ટ ફ્લાઈટ તેમજ દુબઈની છ ફ્લાઈટ ફાળવવામાં આવી છે. જોકે, એરલાઈનના માર્કેટિંગ ડિરેક્ટર રોજર વમારાએ જણાવ્યું હતું કે વ્યાપાર ધંધાની સ્થિતિની સમીક્ષા કર્યા પછી ફ્લાઈટની સંખ્યા નક્કી કરવામાં આવશે.

આ સ્લોટ ખાસ તો ૨૮મી માર્ચથી શરૂ થતાં ૨૦૨૧ના સમર શિડ્યુલ માટે છે. પરંતુ, તેની શરૂઆતની તારીખો તો યુકે નોન- એસેન્શિયલ ટ્રાવેલ પરના નિયંત્રણો ક્યારે ઉઠાવે છે અને યુગાન્ડા સિવિલ એવિએશન ઓથોરિટી દ્વારા એરલાઈનના કાફલાને કેટલી ઝડપથી સર્ટિફિકેટ મળે છે તેના પર આધારિત છે. આ પ્રક્રિયા પાંચ તબક્કાની છે અને યુગાન્ડા એરલાઈન્સ તેમાં ત્રીજા તબક્કા પર છે.

યુગાન્ડા સિવિલ એવિએશન ઓથોરિટીના પબ્લિક રિલેશન્સ મેનેજર વિઆની લુગ્યાએ જણાવ્યું કે નવા વિમાનનો સમાવેશ કરવા માટે એરલાઈને તેનું એર ઓપરેટર્સ સર્ટિફિકેટ અપડેટ કરાવવું જરૂરી છે.

આ રૂટ પર યુગાન્ડા એરલાઈન્સની એન્ટ્રી યુગાન્ડાથી યુકે તરફ માત્ર નોન-સ્ટોપ કનેક્શન જ આપશે. આ રૂટ પર નવ ઈન્ટરનેશનલ એરલાઈન્સ ઓપરેટ કરે છે અને તે એન્ટેબીથી જાય છે. એરલાઈન નેટવર્ક ન્યૂઝ એન્ડ એનાલિસિસના જણાવ્યા મુજબ ૨૦૧૯માં એન્ટેબી અને લંડન વચ્ચે દરરોજ સરેરાશ ૨૩૦ મુસાફરો પ્રવાસ કરતા હતા.

યુગાન્ડા એરલાઈન્સ તેની ફ્લાઈટ્સ રાત્રે ઉપાડશે જ્યારે હિથ્રોથી ફ્લાઈટ્સ સવારે ઉપડશે. યુગાન્ડા એરલાઈન્સ ટૂંક સમયમાં લુસાકા અને જોહાનિસબર્ગની સેવા શરૂ કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter