લો બોલો, ચોર આખી સ્કૂલ જ ચોરી ગયાઃ ઈંટો પણ બાકી ના રાખી!

Saturday 19th November 2022 06:42 EST
 
 

નવી દિલ્હીઃ સામાન્ય રીતે ચોરી થાય તો કોઈ વસ્તુની થાય કે કોઈ સાધનની થાય, પણ સાઉથ આફ્રિકામાં થયેલી ચોરીમાં તો તસ્કરો ચોરો આખેઆખી સ્કૂલ ચોરી ગયા છે. સમ ખાવા પૂરતી ઇંટ પણ રહી નથી. ખાલી તે સ્કૂલનું તળિયું જ રહ્યું છે.
આ કિસ્સો સાઉથ આફ્રિકામાં કેપટાઉન ખાતે આવેલી યુઇટઝિગ સેકન્ડરી સ્કૂલનો છે. તસ્કરો આ સ્કૂલના બ્લેકબોર્ડ, બલ્બ-પંખા, ખુરશી, એક-એક ઇંટ, બારી, છતની ટાઇલ્સ, ટોઇલેટને પણ ચોરી ગયા. તેમણે સ્વાભાવિક રીતે ચોરી કરીને આ સામાનને વેંચી નાંખીનો રોકડી કરી લીધી છે.
2019 માં આ સ્કૂલને કોઇક કારણસર અભ્યાસ માટે બંધ કરી દેવામાં આવી હતી. તેના બાકીના વિદ્યાર્થીઓને બીજી સ્કૂલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. તેના પછી ચોરોની નજર આ સ્કૂલના ખાલી બિલ્ડિંગ પર પડી. તેમણે ફક્ત છ મહિનાની અંદર આખી સ્કૂલ ચોરી લીધી. હવે બિલ્ડિંગની ફક્ત ફર્શ બચી છે.
સોશિયલ મીડિયા પર આ મામલો સામે આવ્યા પછી ફરીથી ચર્ચામાં આવ્યો હતો. સ્થાનિકોનો દાવો છે કે આ સ્કૂલમાં ભવ્ય એન્ટ્રી ગેટ, હોલ, પાંચ ક્લાસરૂમ, બે ટોઇલેટ હતા. આ ઉપરાંત ફર્નિચર, વીજળીનો સામાન અને બીજા જરૂરી સામાન પણ હતો. જોકે ચોરોએ એક-એક કરીને બધો સામાન ચોરી કર્યો. તેઓ આટલેથી જ ન અટકતા આ બિલ્ડિંગની એક-એક ઇંટ ઉખાડી ગયા. તેના પછી હવે આ બિલ્ડિંગનું ફક્ત તળિયું બચ્યું છે. લોકોનું માનવું છે કે ચોરીનું આ કામ નશાખોરોના ગિરોહનું હોઈ શકે છે. તેઓ સ્કૂલ બંધ થયા પછી તેની આસપાસ જમા થતા હતા. સ્થાનિક રહેવાસીનું કહેવું છે કે હવે જ્યાં એક સમયે શાનદાર ઇમારત હતી ત્યાં હવે ફર્શ સિવાય કશું બચ્યું નથી. ફક્ત સુમસામ ખુલ્લી જગ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter