ટાન્ઝાનિયાના ઈસ્માઈલ અઝીઝી સાથે એક આશ્ચર્યજનક ઘટના બની છે. ‘એફીમેક્સ’ની એક ડોક્યુમેન્ટરી અનુસાર, ઇસ્માઇલ અઝીઝી છ વાર મૃત્યુ પામ્યા છે, પરંતુ તે દરેક વખતે ફરીથી જીવતા થયા છે. ઈસ્માઈલ પહેલી વાર કાર્યસ્થળ પર કામ કરતી વખતે મૃત્યુ પામ્યા હતા. આ પછી, ઈસ્માઈલનો પરિવાર મૃતદેહ લઈને કબ્રસ્તાન પહોંચ્યો અને દફનાવવાની તૈયારીઓ ચાલી રહી હતી. ત્યારે જ ઇસ્માઈલ કફનમાંથી બહાર આવ્યા અને ચાલવા લાગ્યા.
ઇસ્માઇલ બીજી વાર મેલેરિયાને કારણે મૃત જાહેર થયા હતા. આ વખતે પણ દફનાવવાની તૈયારીઓ ચાલી રહી હતી અને કફનમાં લપેટી પણ દેવામાં આવ્યા હતા અને તે પછી ફરીથી તેઓ કફનમાંથી બહાર આવ્યા. આ રીતે જીવન અને મૃત્યુનો આ સિલસિલો કુલ છ વખત ચાલ્યો.
એક તબક્કે તો તેમના પડોશીઓએ એમ માની લીધું હતું કે ઇસ્માઇલ ભૂત અથવા તો પ્રેત છે. આ કારણે તેમનું મકાન સળગાવી દેવામાં આવ્યું હતું. આશ્ચર્યજનક બાબત એ છે કે જ્યારે તેઓ ઘરની અંદર હાજર હતા, ત્યારે આગ લગાડવામાં આવી હતી, પરંતુ ઇસ્માઇલ છઠ્ઠી વાર પણ બચી ગયા. હવે મુશ્કેલી એ છે કે તેઓ સામાન્ય લોકોની જેમ જીવન જીવી શકતા નથી. ઇસ્માઇલ પોતાનું જૂનું ઘર છોડીને એકદમ દૂર એક સૂમસામ જગ્યાએ રહેવા લાગ્યા છે.


