વિપક્ષી ઉમેદવાર બાસિરોઉ ડીઓમાયે ફાયે સેનેગલના નવા પ્રમુખ

Tuesday 02nd April 2024 13:16 EDT
 
 

ડકારઃ સેનેગલમાં રવિવાર 24 માર્ચે યોજાએલી પ્રમુખપદની ચૂંટણીમાં વિરોધપક્ષના ઉમેદવાર બાસિરોઉ ડીઓમાયે ડીઆખાર ફાયે વિજેતા બન્યા છે. 44 વર્ષના બાસિરોઉ દેશના સૌથી યુવાન પ્રમુખ બનશે. સેનેગલની બંધારણીય કાઉન્સિલે બાસિરોઉના વિજયને બહાલી આપી છે અને સંભવતઃ બીજી એપ્રિલે દેશના પાંચમાં પ્રેસિડેન્ટ તરીકે શપથ લેશે.

સેનેગલના ઈલેક્શન કમિશને જણાવ્યું હતું કે વિપક્ષી ઉમેદવાર બાસિરોઉને 54ટકાથી વધુ મત મળ્યા હતા જ્યારે શાસક ગઠબંધનના ઉમેદવાર આમાડોઉ બાને માત્ર 35ટકા મત મળ્યા હતા. પરિણામ સામે કોઈ ઉમેદવારે વિરોધ નોંધાવ્યો નથી. ફાયેને 11 મહિનાના જેલવાસ પછી થોડા દિવસ અગાઉ જ મુક્ત કરાયા હતા.

ઈલેક્શન કમિશને પ્રોવિઝનલ પરિણામ જાહેર કરવા સાથે જ 12 વર્ષના શાસન પછી વિદાય લઈ રહેલા પ્રમુખ મેકી સાલેએ બાસિરોઉ ડીઓમાયે ફાયેને અભિનંદન પાઠવ્યા હતા. શાસક ગઠબંધન તથા અન્ય ઉમેદવારોએ પણ પરાજય સ્વીકારી નવા બનનારા પ્રમુખને અભિનંદન આપ્યા હતા. સેનેગલને છ દાયકાથી વધુ વર્ષ અગાઉ આઝાદી મળ્યા પછી લોકશાહી રીતે આ ચોથું સત્તાપરિવર્તન છે. લોકપ્રિય વિપક્ષી નેતા ઔસમાને સાન્કોને ગત વર્ષે જેલભેગા કરાયા પછી પ્રમુખપદની ચૂંટણીમાં અરાજકતા ફેલાવાની શક્યતા જોવાતી હતી પરંતુ, મતદાન ઘણું શાંતિપૂર્વક થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter