વિશ્વની સૌપ્રથમ ફોરેન્સિક યુનિવર્સિટીનું ભારત બહારના કેમ્પસનું યુગાન્ડામાં ઉદ્દઘાટન

Tuesday 18th April 2023 15:56 EDT
 
 

કમ્પાલાઃ વિશ્વની સૌપ્રથમ અને એકમાત્ર ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) એ યુગાન્ડામાં પોતાના સૌપ્રથમ ભારત બહારના કેમ્પસની સ્થાપના કરીને એક ઇતિહાસ રચ્યો છે. ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે 12 એપ્રિલે જિન્જા, યુગાન્ડામાં નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ના કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. ભારત અને યુગાન્ડા વચ્ચે ભારતની બહાર NFSUનું સૌપ્રથમ કેમ્પસ સ્થાપવા માટે દ્વિપક્ષીય સમજૂતી કરાર (MoU) પર ડો. એસ. જયશંકર અને યુગાન્ડાના સંરક્ષણ અને વેટરન અફેર્સ મંત્રી વિન્સેન્ટ સેમ્પિજાએ હસ્તાક્ષર કર્યાં હતા. આ ઉદ્ઘાટન સમારોહ દરમિયાન યુગાન્ડાના નાયબ વડાપ્રધાન લુકિયા ઈસાંગા નાકાદામા, વિદેશપ્રધાન જનરલ ઓડોંગો, સંરક્ષણ મંત્રી વિન્સેન્ટ સેમ્પિજા, NFSUના સ્થાપક કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

યુગાન્ડાના નાયબ વડાપ્રધાન લુકિયા ઇસાંગા નાકાદામાએ યુગાન્ડામાં NFSUના કેમ્પસનો પ્રારંભ કરવા બદલ ભારત સરકાર અને ખાસ કરીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. યુગાન્ડામાં NFSUની સ્થાપનાથી વિવિધ પ્રકારના ગુનાઓની તપાસ અને શોધમાં વૈજ્ઞાનિક સહાય પ્રાપ્ત થશે. NFSUનું યુગાન્ડા કેમ્પસ 30 એકર જમીનમાં ફેલાયેલું હશે.

ભારતના વિદેશમંત્રી, ડો.. એસ. જયશંકરે ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ભારત-યુગાન્ડાના સંબંધો માટે આજનો દિવસ ગૌરવપૂર્ણ છે. NFSU ભારતની સૌપ્રથમ સરકારી યુનિવર્સિટી બની છે, જેના કેમ્પસની વિદેશમાં સ્થાપના થઈ હોય.

નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ના કુલપતિ ડો. જે.એમ. વ્યાસે જણાવ્યું હતું કે વિશ્વની પ્રથમ અને એકમાત્ર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીએ ભારતની બહાર સૌપ્રથમ કેમ્પસની સ્થાપના કરીને એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. NFSU યુગાન્ડાના વિદ્યાર્થીઓ, લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સાથે સંકળાયેલા અધિકારીઓ માટે ફોરેન્સિક સાયન્સ અને સંલગ્ન વિષયોનું શિક્ષણ પ્રદાન કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter