પ્રિટોરિયાઃ કેન્યા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વેપાર વધારવા અને દ્વિપક્ષીય સમાનતાઓ દૂર કરવાના હેતુ સાથે તેના વિશે સલાહ આપતી ટેકનિકલ ટીમની રચના કરવા બંને દેશ સંમત થયા હતા. દક્ષિણ આફ્રિકાની બે દિવસની સત્તાવાર મુલાકાતે ગયેલા કેન્યાના પ્રમુખ ઉહુરુ કેન્યાટા અને દક્ષિણ આફ્રિકાના તેમના સમકક્ષ સિરિલ રામાફોસા વચ્ચે પ્રિટોરિયામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. મુલાકાત દરમિયાન કેન્યાટા અને રામાફોસા વચ્ચે ટ્રાન્સપોર્ટ, હેલ્થ, રાજદ્વારી સલાહ મસલત અને ટ્રેનિંગ તેમજ ટુરિઝમ અને માઈગ્રેશન ક્ષેત્રે એમ.ઓ.યુ સહિત આઠ કરારો પર હસ્તાક્ષર થયા હતા અન્ય સમજૂતીમાં બાયલેટરલ એર સર્વિસ એગ્રીમેન્ટ તેમજ સરકારી પ્રિન્ટિંગ કામ અને ગેરકાયદે પ્રવેશ મેળવનારા તથા જેમને પ્રવેશનો ઇનકાર કરાયો હતો તેમને પાછા મોકલવા વિશે એમ.ઓ.યુ થયા હતા.
કેન્યાટાએ દક્ષિણ આફ્રિકાના પબ્લિક એન્ટરપ્રાઈઝ મિનિસ્ટર પ્રવિણ ગોરધન સાથે પ્રિટોરિયામાં ટ્રાન્સનેટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની મુલાકાત લીધી હતી. પ્રવિણભાઈ ગોરધને જણાવ્યું કે આ મુલાકાત કેન્યા અને દક્ષિણ આફ્રિકાના સંબંધોને નવી ઉંચાઈએ લઈ જવા અને વાણિજ્યિક તથા વ્યાપારી સંબંધોને મજબૂત બનાવવાની પ્રમુખ કેન્યાટાના દ્રઢ સંકલ્પને દર્શાવે છે. પ્રમુખ કેન્યાટા અને પ્રમુખ રામાફોસાએ આફ્રિકાના સંઘર્ષગ્રસ્ત પ્રદેશોમાં શાંતિ સ્થાપવા સહયોગ વધારવા અનુરોધ કર્યો હતો.
અગાઉ પત્રકારોને સંબોધતા કેન્યાટાએ જણાવ્યું હતું કે આ ટીમ દુનિયાના બાકીના જે દેશોમાંથી દક્ષિણ આફ્રિકા જે માલસામાનની આયાત કરે છે તેની સમીક્ષા કરશે અને દક્ષિણ આફ્રિકા તે માલસામાન કેન્યાથી મંગાવી શકે અને કેન્યાને મોકલી શકે તેવી વસ્તુઓ નક્કી કરશે. કેન્યાટાએ ઉમેર્યું હતું કે સબ સહારન આફ્રિકામાં વેપાર ક્ષેત્રના અગ્રણીઓમાં દક્ષિણ આફ્રિકા એક હોવા છતાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં વેપાર અને મૂડીરોકાણ પાયાના સ્તંભ રહ્યા છે. ૨૦૨૦માં દક્ષિણ આફ્રિકામાં કેન્યાની નિકાસ લગભગ ૩૩ મિલિયન ડોલર જ્યારે દક્ષિણ આફ્રિકાથી કેન્યાની આયાત ૪૩૦ મિલિયન ડોલર રહી હતી.
કેન્યામાં મૂડીરોકાણની બાબતે દક્ષિણ આફ્રિકા વિદેશી મૂડી રોકાણનો એક મુખ્ય સ્રોત રહ્યું છે ૨૦૧૬ અને ૨૦૧૯ વચ્ચે કેન્યામાં દક્ષિણ આફ્રિકાનું મૂડીરોકાણ ૨.૨ બિલિયન ડોલરથી વધીને ૩.૧ બિલિયન ડોલર થયું હતું. કેન્યાટાએ જણાવ્યું હતું કે દક્ષિણ આફ્રિકા સાથે મળીને કેન્યા કામ કરી રહ્યું છે અને ઉત્પાદન ક્ષમતા તથા ઇનોવેશન વધારીને તે અસમાનતાને દૂર કરવા માટે પ્રતિબદ્ધ છે.