સંક્ષિપ્ત સમાચાર..આફ્રિકા.

Wednesday 12th May 2021 07:40 EDT
 

• સાઉથ આફ્રિકામાં નવા ઝૂલુ કિંગની પસંદગીમાં વિવાદઃ

ગયા શુક્રવારે રાત્રે સાઉથ આફ્રિકામાં નવા ઝૂલુ કિંગની પસંદગી કરાઈ હતી. શાહી પરિવારના અન્ય સભ્યોએ પ્રિન્સ મિસુઝુલુ ઝુલુના રાજા બનવા અંગે પ્રશ્રો ઉઠાવ્યા હતા. માર્ચમાં કિંગ ગુડવીલ ઝ્વેલીથીનીના મૃત્યુ પછી નવા રાજા અંગે વિવાદ સર્જાયો છે.ઝ્વેલીથીનીએ તેમની છ પત્નીમાંથી એક મન્તફોમ્બી શીયીવે દ્લામિની ઝુલુની રિજન્ટ ઓફ ધ ઝુલુ કિંગ્ડમ તરીકે પસંદ કરી હતી. પરંતુ, આ હોદ્દે એક મહિનો રહ્યા પછી ગયા અઠવાડિયે દ્લામિની ઝુલુનું મૃત્યુ થયું હતું. તેમણે પોતાના વીલમાં સૌથી મોટા પુત્ર પ્રિન્સ મિસુઝુલુને નવા કિંગ જાહેર કર્યા હતા. પરંતુ, બીજા પ્રિન્સે તેની સામે વાંધો ઉઠાવીને કિંગના નામની જાહેરાતની પ્રક્રિયામાં વિક્ષેપ ઉભો કર્યો હતો.

• નાઈલ વિવાદ અંગે કોંગો પ્રમુખે સુદાન અને ઈજીપ્તની મુલાકાત લીધીઃ

કોંગોના પ્રમુખ અને આફ્રિકન સંઘના હાલના વડા ફેલીક્સ ત્શીસેકેદી નાઈલ નદીની મુખ્ય શાખા પર ઈથિયોપિયા દ્વારા વિવાદાસ્પદ ડેમ વિશે ફરી વાટાઘાટો શરૂ કરવાના આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક પ્રયાસો વચ્ચે તાજેતરમાં ઈજીપ્ત અને સુદાનના અધિકારીઓને મળ્યા હતા. સુદાનના વિદેશ પ્રધાન મરીયમ અલ-મહદીએ જણાવ્યું કે કોંગોના પ્રમુખે ડેમના વિવાદ અંગે પડેલી મડાગાંઠને ઉકેલવા પહેલની ઓફર કરી છે. તેમણે ઉમેર્યું કે સુદાનની ઓથોરિટીઝ આ પહેલની વિગતોનો અભ્યાસ કરશે. આ પછી ફેલીક્સ ત્શીસેકેદી કેરો ગયા હતા અને ઈજીપ્તના પ્રમુખ અબ્દેલ – ફત્તહ અલ – સિસ્સીને મળ્યા હતા.

• ANCના સેક્રેટરી જનરલ એસ મગાશુલે પક્ષમાંથી સસ્પેન્ડઃ

સાઉથ આફ્રિકાના ઐતિહાસિક શાસક પક્ષ ANCએ તેના સેક્રેટરી જનરલ એસ મગાશુલેને ભ્રષ્ટાચારના આરોપસર પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા. આફ્રિકન નેશનલ કોંગ્રેસના ડેપ્યૂટી સેક્રેટરી જનરલ જેસી દુરાતે પત્ર પાઠવીને આ નિર્ણય પક્ષના હિતમાં લેવાયાનું જણાવ્યું હતું. પરંતુ, ANCની નવી ભ્રષ્ટાચાર વિરોધી નીતિને લીધે દૂર કરાયેલા મગાશુલેએ ખાતરી આપી હતી કે તેઓ ક્યાંય જશે નહીં. હોદ્દો છોડવાને બદલે તેમણે સેક્રેટરી જનરલ તરીકેની પોતાની સત્તાનો ઉપયોગ કરીને સીરિલ રામાફોસાને પ્રમુખપદેથી હંગામી ધોરણે ઉતરી જવા અનુરોધ કર્યો હતો.

• ઝામ્બિયામાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીની વિપક્ષની માગઃ

ઝામ્બિયાના મુખ્ય વિપક્ષે સરકારની ટીકા કરી હતી કે કોરોના વાઈરસ મહામારી દરમિયાન ઝામ્બિયા આફ્રિકાનું ડિફોલ્ટ કરનારું સૌથી મોટું અર્થતંત્ર બન્યા પછી દેવાંની સમસ્યાનો સામનો કેવી રીતે કરવો તેનો સરકારને કોઈ ખ્યાલ નથી. ઝામ્બિયામાં આગામી ઓગસ્ટમાં પ્રમુખપદની અને પાર્લામેન્ટની ચૂંટણી યોજાવાની છે. ૧૭ મિલિયનની વસ્તી ધરાવતા દેશ પર લગભગ ૧૨ બિલિયન ડોલરનું વિદેશી દેવું છે. તેમાંથી અડધું દેવું પ્રાઈવેટ ક્રેડિટર્સનું છે. ઓક્ટોબરમાં ઝામ્બિયા ૪૨.૫ મિલિયન ડોલરનું વ્યાજ ચૂકવવાની આખરી સમયમર્યાદા ચૂકી ગયું હતું.

• DR કોંગોનો હિંસાગ્રસ્ત પૂર્વ પ્રાંત સ્ટેટ ઓફ સીજ જાહેરઃ

DR કોંગોએ હિંસાગ્રસ્ત પૂર્વ પ્રાંતમાં સ્ટેટ ઓફ સીજ જાહેર કર્યું હતું. છેલ્લાં થોડા મહિનામાં હુમલામાં થયેલા વધારાને લીધે લ્તુરી અને નોર્થ કિવુ પ્રાંતમાં સેકંડો લોકો માર્યા ગયા હતા અને ઘણાં વિસ્થાપિત થયા હતા.કોંગોના પ્રમુખ ફેલીક્સ ત્શીસેકેદીએ તાજેતરમાં પેરિસમાં ફ્રાન્સના પ્રમુખ ઈમાનુએલ મેક્રોંની મુલાકાત લઈ પોતાના વતનમાં સશસ્ત્ર જૂથના મુદ્દે તેમને ચેતવ્યા હતા. તેમણે કહ્યું કે તેઓ આ જૂથોનો સફાયો કરવા માગે છે અને તેમાં ફ્રાન્સનો સહયોગ માગે છે.

• ICC દ્વારા યુગાન્ડાના બળવાખોર નેતા ઓંગ્વનને ૨૫ વર્ષની કેદઃ

યુગાન્ડાના સૈનિકમાંથી લોર્ડ્સ રેઝિસસ્ટન્સ આર્મી (LRA)ના કમાન્ડર બનેલા ૪૫ વર્ષીય ડોમિનિક ઓંગ્વનને ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) વોર ક્રાઈમ્સ અને માનવતાવિરોધી ગુના બદલ ૨૫ વર્ષની જેલની સજા ફરમાવી હતી. ગયા ફેબ્રુઆરીમાં બળજબરીપૂર્વક સગર્ભા બનાવવા સહિતના ૬૧ કાઉન્ટમાં દોષી ઠેરવાયો હતો. સગર્ભા બનાવવાનો કેસ અગાઉ હેગ સ્થિત ICC સમક્ષ આવ્યો ન હતો. જજ બર્ટ્રામ સ્કમીટે ઓંગ્વનને હત્યા, દુષ્કર્મ, જાતીય ગુલામી અને બાળ સૈનિકોની ફરજિયાત ભરતી તથા અન્ય આરોપોમાં દોષી ઠેરવ્યો હતો. LRAના કમાન્ડર તરીકે ઓંગ્વને ૨૦૦૦ની શરૂઆતમાં રેફ્યુજી કેમ્પ પર હુમલાના આદેશ આપ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter