સંક્ષિપ્ત સમાચાર (આફ્રિકા)

Tuesday 14th September 2021 17:38 EDT
 

• આઈવરીના ભૂતપૂર્વ વડા પ્રધાન કોનન બેનીનું નિધન

આઈવરીના ભૂતપૂર્વ વડા પ્રધાન ચાર્લ્સ કોનન બેનીનું કોવિડ -૧૯ સંક્રમણને લીધે પેરિસ હોસ્પિટલમાં ૭૮ વર્ષની વયે મૃત્યુ થયું હતું. યુએનના ઠરાવ હેઠળ તેમણે ૨૦૦૫થી ૨૦૦૭ સુધી વડા પ્રધાનપદ સંભાળ્યું હતું. આઈવરી કોસ્ટમાં કોવિડ સંક્રમણ લાગ્યા પછી તેઓ પેરિસના પરાંવિસ્તાર ન્યૂલી - સર – સેઈનની અમેરિકન હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. હાલ દેશવટો ભોગવી રહેલા બીજા ભૂતપૂર્વ વડા પ્રધાન ગુઈલેમ સોરોએ જણાવ્યું હતું કે તેમણે આઈવરીના રાજકારણ વિશેની મારી સમજ બદલી નાખી હતી.

• બળવાને પગલે આફ્રિન યુનિયને ગીનીને સસ્પેન્ડ કર્યું

ગીનીમાં સ્પેશિયલ ફોર્સીસે સત્તા કબજે કરીને પ્રેસિડેન્ટ આલ્ફા કોન્ડેની ધરપકડ કરી હતી. આ લશ્કરી બળવા પછી આફ્રિકન યુનિયન (AU) એ ગીનીને સંઘમાંથી સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી. સંઘે ટ્વિટર પર જણાવ્યું હતું કે તે AU ની તમામ પ્રવૃત્તિઓ અને નિર્ણય લેનારી સંસ્થાઓમાંથી ગીનીને સસ્પેન્ડ કરે છે.AUએ લશ્કરી બળવાને વખોડી કાઢ્યો હતો અને કોન્ડેને છોડી મૂકવા અનુરોધ કર્યો હતો. આ અગાઉ ઈકોનોમિક કોમ્યુનિટી ઓફ વેસ્ટ આફ્રિકન સ્ટેટ્સ (ECOWAS) એ પણ ગીનીને સસ્પેન્ડ કર્યું હતું. 

• કેમરૂનમાં ચાર અલગતાવાદીઓને મૃત્યુદંડની સજા

કેમરૂનના અશાંત એંગ્લોફોન પ્રાંતમાં સ્કૂલના સાત બાળકોની હત્યા કરવા બદલ  
ચાર શકમંદ અલગતાવાદીઓને દેહાંતદંડની સજા ફરમાવાઈ હોવાનું સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું. તાજેતરમાં મિલિટરી કોર્ટે ફાયરિંગ સ્ક્વોડ દ્વારા તેમને જાહેરમાં મૃત્યુની સજાનો આદેશ આપ્યો હતો. ગયા વર્ષે ઓક્ટોબરમાં કુમ્બામાં આવેલી સ્કૂલ પર સશસ્ત્ર માણસોએ ગોળીબારમાં નવથી બાર વર્ષની વયના સાત બાળકોની હત્યા કરી હતી. ચાર લોકોને પાટનગર બુઆમાં મિલિટરી ટ્રિબ્યુનલે આતંકવાદ અને બાળકો પ્રત્યે ક્રૂરતાના કૃત્યો બદલ સજા ફરમાવી હતી.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter