સંક્ષિપ્ત સમાચાર (આફ્રિકા)

Wednesday 29th September 2021 02:35 EDT
 

માલીમાં લશ્કર તરફી રેલીમાં હજારો લોકોએ ફ્રાન્સને વખોડ્યું

માલીના પાટનગર બામકોમાં લગભગ ત્રણ હજાર લોકોએ દેશના લશ્કરી શાસકોના સમર્થનમાં અને સાહેલ સ્ટેટમાં વિદેશી હસ્તક્ષેપના વિરોધમાં દેખાવો યોજ્યા હતા. લશ્કરના કર્નલ આસીમી ગોઈટાને રશિયાની ખાનગી કંપની વેંગર સાથેનું સંભવિત ડીલ ન કરવા માટે યુરોપિયન સત્તા તરફથી થઈ રહેલા દબાણના મામલે આ વિરોધ દેખાવો યોજાયા હતા. લોકોએ લશ્કર તરફી પ્લેકાર્ડ સાથે માલીના ધ્વજ ફરકાવ્યા હતા. વેંગરના ૧,૦૦૦ અર્ધલશ્કરી સૈનિકોને ભાડે રાખવાના ડીલ વિશેના અહેવાલો બહાર આવતા ભૂતપૂર્વ કોલોનિયલ સત્તા ફ્રાન્સે તેની સામે ચેતવણી આપી હતી.

રવાન્ડામાં ૨૦૨૫ની વર્લ્ડ સાઈકલિંગ ચેમ્પિયનશીપ યોજાશે

૨૦૨૫ની વર્લ્ડ રોડ સાઈકલિંગ ચેમ્પિયનશીપ પહેલી વખત આફ્રિકાના રવાન્ડામાં યોજાશે તેમ રવાન્ડન સાઈકલિંગ ફેડરેશને જણાવ્યું હતું.બેલ્જિયનના લેઉવેનમાં યોજાયેલી ઈન્ટરનેશનલ સાઈકલિંગ યુનિયન (UCI) કોંગ્રેસ દ્વારા આ નિર્ણયને બહાલી આપવામાં આવી હતી. આફ્રિકામાં આ પ્રથમ વખત યોજાનારી વર્લ્ડ સાઈકલિંગ ચેમ્પિયનશીપના આયોજન માટે રવાન્ડા (કિગલી) અને મોરોક્કો (ટેંજીયર) એમ બે અરજદાર સ્પર્ધામાં હતા. UCIના મેનેજમેન્ટે સ્પષ્ટ તરફેણ કરીને કિગલીના બીડને મંજૂરી આપી હતી. હવે પછી આ સ્પર્ધા ૨૦૨૨માં ઓસ્ટ્રેલિયાના વોલોનગોંગમાં, ૨૦૨૩માં સ્કોટલેન્ડ અને ૨૦૨૪માં સ્વીત્ઝર્લેન્ડમાં યોજાશે.

જર્મન નરસંહાર ડીલ મામલે નામિબિયાની સંસદમાં વિવાદ

નામિબિયાના નેશનલ યુનિટી ડેમોક્રેટિક ઓર્ગેનાઈઝેશન (NUDO) ના પ્રેસિડેન્ટ એસ્થર મુઈન્જુઆંગે જણાવ્યું હતું કે વિપક્ષો અને અસર પામેલા પક્ષો જેનોસાઈડ ડીલને નકારી કાઢે છે કારણ કે અસરગ્રસ્ત કોમ્યુનિટીઝના વંશજોને વળતર પર સીધું ધ્યાન કેન્દ્રીત કરવાને બદલે શ્રેણીબદ્ધ વિકાસ પ્રોજેક્ટ્સ અને પહેલ મારફતે વળતર આપવાની વાત છે. કોલોનિયલ ઓક્યુપેશન દરમિયાન હત્યાકાંડ કર્યો હોવાને સમર્થન આપતા જર્મનીના કરાર પર ચર્ચા થવાની હતી તે વખતે નામિબિયામાં સંસદ બહાર સેંકડો લોકોએ દેખાવો કર્યા હતા. મુખ્યત્વે વિપક્ષી કાર્યકરો સહિત ૪૦૦ લોકોએ પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરતા વિન્ડહોકમાં આવેલા સંસદભવન તરફ કૂચ કરી હતી.   

સંક્ષિપ્ત સમાચાર (આફ્રિકા)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter