સંક્ષિપ્ત સમાચાર - આફ્રિકા

Tuesday 15th September 2020 15:05 EDT
 

• ત્રણ આફ્રિકન WTOના ટોચના હોદ્દાની સ્પર્ધામાં

વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)ના ચીફ રોબર્ટો એઝેવેડોએ ગત ૩૧ ઓગસ્ટે હોદ્દા પરથી રાજીનામુ આપ્યા પછી આ સંસ્થા સુકાની વિના વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહી છે. આ હોદ્દા માટે આફ્રિકા ખંડના ત્રણ ઉમેદવારો, કેન્યાના અમીના મોહમદ, નાઈજિરિયાના ન્ગોઝી ઓકોન્ઝો-ઈવેઆલા અને ઈજિપ્તના અબ્દેલ – હમીદ મમદુ સહિત આઠ લોકો સ્પર્ધામાં છે. આ ત્રણમાંથી પ્રથમ બેમાંથી એક ઉમેદવારની પણ પસંદગી થાય તો તે WTOનો ટોચનો હોદ્દો સંભાળનાર પ્રથમ આફ્રિકન જ નહિ, પણ આ હોદ્દો સંભાળનારા પ્રથમ મહિલા બનશે. અન્ય ઉમેદવારોમાં બે યુરોપિયન, બે એશિયન અને એક લેટિન અમેરિકનનો સમાવેશ થાય છે.

• યુગાન્ડામાં કોફીના વપરાશમાં વધારો

આફ્રિકા ખંડમાં કોફી ઉત્પાદનમાં યુગાન્ડા બીજા ક્રમે છે પરંતુ, નવાઈની વાત તો એ છે કે યુગાન્ડાવાસીઓ ચાના રસિયા છે. જોકે, હાલના સમયમાં કમ્પાલામાં કોફી બારની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એન્ડ્રિયો કોફીના ઓપરેશન્સ ડિરેક્ટર જોઈસ ઓચવોએ સાંસ્કૃતિક પરિવર્તન વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે યુગાન્ડાવાસીઓ માટે આ એક પરિવર્તન છે. ઘણાં લોકો માઈલ્ડ અને કેટલાંક વધુ કડક કોફી પસંદ કરે છે. તેઓ અગાઉ કોફીનો ઉપયોગ કરતા ન હતા. પરંતુ, દેશનો કોફી નિકાસનો ઉદ્યોગ ધમધમતો છે. દેશના અડધા મિલિયનથી વધુ ખેડૂતો કોફીના સ્થાનિક ઉત્પાદન પર આધારિત છે.

• યુગાન્ડામાં ડિસેમ્બર સુધીમાં પ્રથમ કોવિડ -૧૯ વેક્સિન ટ્રાયલ

આગામી ડિસેમ્બર સુધીમાં યુગાન્ડામાં પ્રથમ કોવિડ -૧૯ વેક્સિનની ટ્રાયલ શરૂ કરવા માટે યુગાન્ડા વાઈરસ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ઈમ્પિરિયલ કોલેજ, લંડન સાથે મળીને કામ કરી રહી છે. યુકે સરકાર દ્રારા ગયા જૂનમાં યોજાયેલી વર્ચ્યુઅલ ગ્લોબલ વેક્સિન સમિટ દરમિયાન દુનિયાના સૌથી ગરીબ દેશોને જીવનરક્ષક વેક્સિન પૂરી પાડવા અમેરિકા દ્વારા વેક્સિન અલાયન્સ Gaviને ૧.૬ બિલિયન ડોલરની મદદને WHOએ આવકારી હતી. WHO આફ્રિકાના રિજનલ ડિરેક્ટર માત્શિદીસો મોએટીના જણાવ્યા મુજબ કેટલાંક આફ્રિકન દેશો યલો ફિવર અને ઈબોલા સહિતની વેક્સિન તૈયાર કરવાની કામગીરીમાં સંકળાયેલા છે. આ દેશોમાં વેક્સિનના ઉત્પાદનની સુવિધા પણ છે.

• કોર્ટ ઓફ અપીલ દ્વારા તબલીગ નેતા શેખ કમોગા મુક્ત

ઓગસ્ટ ૨૦૧૭માં ગુનેગાર ઠરેલા તબલીગ સમુદાયના નેતા આમીર ઉમર મોહમ્મદ યુનુસ કમોગા અને અન્ય પાંચને કોર્ટ ઓફ અપીલ દ્વારા છોડી મૂકવામાં આવ્યા હતા. તેમને અનુક્રમે આજીવન અને ૩૦ વર્ષની જેલ થઈ હતી. શેખ કમોગા અને તેમના સહઆરોપીઓને શાબ્દિક આતંકવાદના દોષી ઠેરવાયા હતા. તેને લીધે બે મુસ્લિમ મૌલવી મુસ્તફા બહીગા અને હસન કિર્યાનું મૃત્યુ થયું હતું અને શેખ હારૂના જેમ્બાની હત્યાનો પ્રયાસ થયો હતો. ચીફ જસ્ટિસ આલ્ફોન્સ ઓઈની ડોલોના નેતૃત્વ હેઠળની ત્રણ જસ્ટિસની કોર્ટ ઓફ અપીલે ઠેરવ્યું હતું કે પ્રોસિક્યુશને આ કેસ નિઃશંકપણે પૂરવાર કર્યો ન હતો.

• યુગાન્ડામાં જાહેર દેવું કટોકટીના સ્તરે

કોવિડ મહામારીને પહોંચી વળવા વધી ગયેલા ખર્ચ અને દેવાને લીધે યુગાન્ડાનું નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧નું જાહેર દેવું જીડીપીના ૪૭.૫ ટકા થવાનો અંદાજ સરકારે મૂક્યો હતો. નિષ્ણાતોએ જણાવ્યું કે જાહેર દેવામાં અંદાજિત વધારો, વધતા જતા સરકારી ખર્ચને પહોંચી વળવા માટે પૂરતા પ્રમાણમાં સ્થાનિક કર ઉઘરાવાતા નથી તેવું દર્શાવે છે. કમ્પાલામાં ચોથી ઈકોનોમિક ગ્રોથ ફોરમને સંબોધતા મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સ, પ્લાનિંગ એન્ડ ઈકોનોમિક ડેવલપમેન્ટમાં મેક્રોઈકોનોમિક ડિપાર્ટમેન્ટના કમિશનર ડો. આલ્બર્ટ મુસીસીએ કહ્યું કે કોવિડ મહામારીને લીધે સરકારની આર્થિક સ્થિતિને વિપરીત અસર પહોંચી છે. જરૂરી ખર્ચના વધેલાં લક્ષ્યને પૂરું કરવામાં સ્થાનિક આવક ખૂબ ઓછી પડે છે.

• ઝિમ્બાબ્વેમાં સગર્ભા વિદ્યાર્થિનીઓને હાંકી કાઢવાનું ગેરકાનૂની

ઝિમ્બાબ્વેમાં ગર્ભવતી બનતી છોકરીઓેને સ્કૂલમાંથી હાંકી કાઢવાનું ગેરકાયદે બનાવાયું છે. મહિલા અધિકારના કેમ્પેઈનરોએ જણાવ્યું હતું કે નવા કાયદાને લીધે છોકરીઓને પણ શિક્ષણનો સમાન અધિકાર મળશે. આ નિર્ણયથી અભ્યાસમાં લિંગ અસમાનતાને પહોંચી વળવામાં મદદ મળશે અને સ્કૂલમાંથી છોકરીઓને હાંકી કાઢવાનું બંધ થશે. સગર્ભા છોકરીઓના મોટા ભાગના પેરન્ટ્સ અથવા છોકરીઓ સગર્ભાવસ્થાને લીધે સ્કૂલનો અભ્યાસ પડતો મૂકવાનો નિર્ણય લે છે. સ્કૂલો પણ તેમને ભણવાનું ચાલુ રાખવા પૂરતું પ્રોત્સાહન આપતી ન હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. ૨૦૧૮માં દેશમાં ૫૭,૫૦૦ પૈકી ૧૨.૫ ટકા સ્કૂલ ડ્રોપઆઉટ સગર્ભાવસ્થા અથવા લગ્નના કારણસર થયા હતા અને તેમાં મોટાભાગે છોકરીઓ હોવાનું એજ્યુકેશન મિનિસ્ટ્રીના આંકડામાં જણાયું હતું.

• કેન્યા- યુએસ વેપારસોદામાં પ્લાસ્ટિકનો મુદ્દો અવરોધ

ત્રણ વર્ષ અગાઉ કેન્યાએ પ્લાસ્ટિક બેગના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર કડક કાયદો પસાર કર્યો હતો અને ગયા મેમાં રક્ષિત વિસ્તારોમાં તેને ગેરકાયદે જાહેર કરાયું હતું. આ સંજોગોમાં આફ્રિકામાં પ્લાસ્ટિક ઉદ્યોગના વિસ્તરણ માટે અમેરિકન કેમિકલ કંપનીઓના પગપેસારાને મંજૂરી ન આપવા એન્વાયર્નમેન્ટલ એક્ટિવિસ્ટ ગ્રૂપ ગ્રીનપીસે સરકારને અનુરોધ કર્યો હતો. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આફ્રિકામાં દ્વિપક્ષીય સમજૂતીઓ પર ભાર મૂકી રહ્યા હોવાથી અમેરિકા અને કેન્યા વચ્ચે હાલ નવી ટ્રેડ ડીલ પર વાટાઘાટો ચાલી રહી છે. અમેરિકા દ્વારા કેન્યામાં પ્લાસ્ટિકની સૌથી વધુ નિકાસ થાય છે. ગયા વર્ષે અમેરિકાએ Sh ૬.૨૧ બિલિયનનું વેચાણ કર્યું હતું. અમેરિકન કેમિસ્ટ્રી એસોસિએશને ઓછી અને મધ્યમ આવકવાળા દેશોમાં પ્લાસ્ટિક વેસ્ટના પ્રવેશ પર નવી મર્યાદા મૂકનાર આંતરરાષ્ટ્રીય બેસલ કન્વેન્શનમાં ફેરફાર વિરુદ્ધ રજૂઆત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter