• નાઓમી કેમ્પબેલને કેન્યાના ટુરિઝમ એમ્બેસેડર બનાવાતા કેન્યનોમાં રોષઃ
કેન્યન ટુરિઝમ બોર્ડ પર એમ્બેસેડર તરીકે કેન્યનને બદલે બ્રિટિશ મોડેલ નાઓમી કેમ્પબેલની નિમણૂક કરાતા કેન્યનોમાં ટુરિઝમ મિનિસ્ટ્રી સામે રોષ ફેલાયો હોવાનું સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું. કેન્યાનું આદર્શ પ્રવાસન સ્થળ અને ટ્રાવેલ ડેસ્ટિનેશન તરીકે માર્કેટીંગ કરવામાં સુપરમોડેલ મદદરૂપ થશે. કેટલાંક લોકોનું માનવું હતું કે એક્ટ્રેસ લુપિતા ન્યોંગ અથવા કોમેડિયન એલ્સા મજિમ્બો જેવી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રભાવ પાડતી કેન્યન વ્યક્તિને એમ્બેસેડરનું પદ આપવું જોઈએ.
• નાઈજીરિયાના આઠ વાઈસ ચાન્સેલર PhDની ડિગ્રી વિના પણ કાર્યદક્ષઃ
નાઈજીરિયાના ફેડરલ અને સ્ટેટ યુનિવર્સિટીના લગભગ આઠ વાઈસ ચાન્સેલર પાસે PhD ની ડિગ્રી ન હોવા છતાં તેમણે સારી કામગીરી કરીને કોઈ હોદ્દાની લાયકાત માટે ડિગ્રી હોવી જ જોઈએ તેવી દલીલને ફગાવી દીધી હોવાનું મેડિકલ એન્ડ ડેન્ટલ કન્સલ્ટન્ટ્સ એસોસિએશન ઓફ નાઈજીરીયા (MDCAN)એ જણાવ્યું હતું. નેશનલ પ્રેસિડેન્ટ પ્રો. કેન ઓઝિલોએ ગવર્નર ઓફ લાગોસ સ્ટેટ એન્ડ વિઝિટર ટુ ધ લાગોસ સ્ટેટ યુનિવર્સિટી બાબાજીદે સાન્વો - ઓલુ અને યુનિવર્સિટીની ગવર્નિંગ કાઉન્સિલને પ્રો. ઓલુમુયિવા ઓડુસાન્યાની યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકે પસંદગી સામે ભેદભાવપૂર્ણ દલીલથી અળગા રહેવા અનુરોધ કર્યો હતો.
• મહિલા અધિકારના હિમાયતી મુસુ બાકોટો સાવો આફ્રિકન ઓફ ધ યરઃ
ગામ્બિયાના ચેન્જમેકર, મહિલા અધિકારના હિમાયતી અને માનવ અધિકાર મહિલા વકીલ મુસુ બાકોટોને નાઈજીરીયાન મીડિયા હાઉસ ડેઈલી ટ્ર્સ્ટ દ્વારા ૨૦૨૦ના આફ્રિકન ઓફ ધ યર જાહેર કરાયા હતા. બોટ્સવાનાના પૂર્વ પ્રમુખ ફેસ્ટસ મોગેના નેતૃત્વ હેઠળની સાત સભ્યોની એવોર્ડ સિલેક્શન કમિટીએ બાળ લગ્ન અને મહિલાઓના જેનીટલ મ્યુટિલેશન સહિત યુવતીઓ અને મહિલાઓ પરની હિંસાનો અંત લાવવા માટે સતત કાર્યવાહી બદલ સાવોની પ્રશંસા કરી હતી. ૧૪ વર્ષે પરણીને ૨૧ વર્ષની વયે વિધવા થયેલા સાવો ગામ્બિયાના મહિલા અધિકાર વકીલ છે અને થીંક યંગ વિમેન સંસ્થાનું નેતૃત્વ કરે છે. ફેકલ્ટી ઓફ લોમાં લેક્ચરર સાવો અગાઉ ગામ્બિયાના ટ્રુથ, રિકન્સિલિએશન એન્ડ રિપારેશન્સ કમિશનના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ સેક્રેટરી હતા.
• યુગાન્ડામાં ઈન્ટરનેટ બંધ હોવાથી નવી એરબસનું આગમન મુલતવીઃ
યુગાન્ડા સરકારે ફ્રાન્સ તરફથી બીજી એરબસ મેળવવા અંગેની તારીખ લંબાવી હતી. મિનિસ્ટ્રી ઓફ વર્ક્સના પરમેનન્ટ સેક્રેટરી વઈસાવા બગેયા મુજબ પાંચ દિવસ ઈન્ટરનેટ સેવા બંધ રહેતા કોમ્યુનિકેશન ટેક્નિકાલિટીની સમસ્યાને લીધે તે ૨૫ જાન્યુઆરીથી લંબાવીને ૨ ફેબ્રુઆરી કરવી પડી હતી. આ ડિલિવરી મોડી લેવાને લીધે સરકારે કેટલાં નાણાં વધુ ખર્ચવા પડશે તે હજુ સ્પષ્ટ નથી. બગેયાના જણાવ્યા મુજબ આ એરબસની કિંમત સંપૂર્ણપણે ચૂકવાઈ ગઈ છે. ઈન્ટરનેટ બંધ રહેવાથી મુખ્યત્વે બેંકિંગ, ટેલિકોમ્યુનિકેશન, એવિએશન, ફાઈનાન્સિયલ ટેક્નોલોજી અને ઈ-કોમર્સ કંપનીઓ સહિત ઘણાં સેક્ટરને નુક્સાન થયું છે. સરકારે ટ્વીટર, ફેસબુક અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પર પ્રતિબંધ ચાલુ રાખ્યો હતો.
• ગેટવિકથી એક્રા ફ્લાઈટ્સના સંચાલનની BAની યોજના નકારાઈઃ
લંડન – એક્રા - લંડન ફ્લાઈટ્સનું સંચાલન આ સમરમાં હિથ્રોને બદલે ગેટવિક એરપોર્ટથી કરવાની બ્રિટિશ એરવેઝની યોજનાને નકારી કઢાઈ છે. ઘાનાના ઉડ્ડયન મંત્રાલયે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે BA દ્વારા તેની ઘાના સર્વિસ લંડનના ગેટવિક એરપોર્ટથી શરૂ કરવા મંત્રાલયને પત્ર લખાયો હતો. એરલાઈન્સ ઉદ્યોગનું માનવું છે કે BAનો નિર્ણય ખર્ચમાં કાપ મૂકવાનો હતો. કોરોના મહામારીને લીધે ખૂબ નુક્સાન ગયું છે તેવા એરલાઈન ઉદ્યોગને બિઝનેસમાં ટકી રહેવા અને સ્પર્ધાત્મક બનવા અસરકારક પગલાં લેવા પડે છે. જોસેફ કોફી અદ્દાના સૂચન મુજબ મંત્રાલય દ્વારા તેની ચર્ચા માટે યોજાયેલી બેઠક પછી સરકારે BA પત્ર પાઠવીને ફેરફારના ઈનકાર વિશે જણાવ્યું હતું.
• આફ્રિકન યુનિયન માટે વધારાનો ૨૭૦ મિલિયન કોવિડ વેક્સિન ડોઝઃ
આફ્રિકન દેશો માટે આફ્રિકન યુનિયને વધારાનો ૨૭૦ મિલિયન કોવિડ વેક્સિન ડોઝનો જથ્થો નિશ્ચિત કર્યો હતો. પરંતુ, તે માગને પહોંચી વળવા હજુ પૂરતો ન હોવાનું આફ્રિકન વેક્સિન એક્વિઝિશન ટાસ્ક ટીમ (AVATT)એ જણાવ્યું હતું. એપ્રિલથી જૂન, ૨૦૨૧ દરમિયાન ફાઈઝર, એસ્ટ્રા ઝેનેકા અને જહોન્સન એન્ડ જહોન્સન તરફથી લગભગ ૫૦ મિલિયન ડોઝ પ્રાપ્ત થશે તેમ AVATTએ અખબારી યાદીમાં જણાવ્યું હતું. આ બધી વેક્સિન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને ગાવી વેક્સિન એલાયન્સના COVAX વેક્સિન પ્રોગ્રામ અંતર્ગત સુરક્ષિત કરાઈ છે. WHO ના આફ્રિકા માટેના રીજનલ ડાયરેક્ટર ડોક્ટર મેત્સિદીશો મોએતીએ આ પગલાની પ્રશંસા કરી હતી.