• ટાન્ઝાનિયાથી ઓસ્ટ્રિયામાં કાચીંડાની દાણચોરી
દેશમાંથી ૭૪ રક્ષિત કાચીંડાઓની ઓસ્ટ્રિયામાં કરવામાં આવેલી દાણચોરીની ટાન્ઝાનિયાના વન્યજીવ સત્તાવાળાઓએ તપાસ શરૂ કરી હતી. ટાન્ઝાનિયાના ઉસામ્બારા માઉન્ટેન્સના રક્ષિત કાચીંડા ઓસ્ટ્રિયામાં જપ્ત કરાયા હોવાના અહેવાલને પગલે આ તપાસ શરૂ થઈ હતી. દાણચોરની ધરપકડના સમાચાર યુકેના ટેલીગ્રાફમાં પ્રકાશિત થયા હતા. ટાન્ઝાનિયાથી આવેલો ૫૬ વર્ષીય પુરુષ દેશમાં ૭૪ રક્ષિત કાચીંડાની દાણચોરીનો પ્રયાસ કરતો હતો ત્યારે વિયેના એરપોર્ટ પર ઓસ્ટ્રિયન સત્તાવાળાઓએ તેને પકડ્યો હતો. તેણે મોજા અને ખાલી આઈસક્રીમ બોક્સમાં કાચીંડા છૂપાવ્યા હતા. મિનિસ્ટ્રી ઓફ નેચરલ રિસોર્સિસ અને ટુરિઝમમાં વાઈલ્ડલાઈફના ડિરેક્ટર માઉરસ મ્સુહાએ જણાવ્યું કે ઓસ્ટ્રીયામાં કાચીંડા પકડાયા તેની તેમને જાણ છે અને તપાસ શરૂ કરી દેવાઈ છે. અન્ય અધિકારી એલાન કિજાઝીએ જણાવ્યું કે તેઓ પ્રાણીઓની તસ્કરીમાં સંડોવાયેલા તમામનું પ્રત્યાર્પણ, તેમની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી અને કાચીંડા પાછા મેળવવા માગે છે. આ મામલામાં ઈન્ટરપોલ કામગીરી કરી રહી છે.
• DR કોંગોના વડા પ્રધાન સિલ્વેસ્ટર ઈલુન્ગાનું રાજીનામુ
૨૯ જાન્યુઆરીએ DR કોંગોના વડા પ્રધાન સિલ્વેસ્ટર ઈલુન્ગાએ તેમનું રાજીનામુ આપ્યું હતું. તેને પગલે નવી સંસદીય બહુમતીના સમર્થનથી પ્રમુખ ફેલીક્સ ત્શીસેકેદી માટે પોતાના વડા પ્રધાન નીમવાનો માર્ગ મોકળો થયો છે. દેશનું સંચાલન કરવામાં તેઓ અક્ષમ હોવાના આક્ષેપ સાથે તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરાઈ હતી. નેશનલ એસેમ્બલી દ્વારા ૨૭ જાન્યુઆરીએ કરાયેલી ટીકા પછી કબીલાના નીકટના સાથી ઈલુન્ગા માટે બંધારણીય જોગવાઈ મુજબ રાજીનામુ આપવું જરૂરી હતું. DRCના સાંસદોએ કિન્હાસામાં પાર્લામેન્ટના પૂર્ણ સત્રમાં ડિસમીસ કર્યા હતા. ભૂતપૂર્વ પ્રમુખ જોસેફ કબીલાના સમર્થકો ત્શીસેકેદી સાથે સત્તાના સંઘર્ષમાં છે.
• શેલ નાઈજીરીયાને વળતર ચૂકવવા કોર્ટનો આદેશ
૨૦૦૪ અને ૨૦૦૫માં ઓઈલ લીકેજને લીધે બે નાઈજીરીયન ખેડૂતોની જમીનને થયેલા નુક્સાન માટે હેગ કોર્ટ ઓફ અપીલે એનર્જી જાયન્ટ શેલની નાઈજીરીયન સબસિડીને વળતર ચૂકવવા આદેશ કર્યો હતો.ડચ અપીલ્સ કોર્ટના જજ સાયર્ડ સ્કાફાસ્માએ બે અસરગ્રસ્ત ગામોમાં ઓઈલ લીકેજથી થયેલા નુક્સાન માટે ગ્રૂપને જવાબદાર ઠેરવ્યું હતું. જજે વળતરની રકમ પાછળથી નક્કી કરવાનું જણાવ્યું હતું. ૧૩ વર્ષ જૂના કેસની શરૂઆતમાં અરજદારો પૈકી બેના મૃત્યુ થયાં હતા. તેમણે તેમના ગોઈ, આઈકોટ આડા ઉડો અને ઓરુમામાં થયેલા કીચડની સફાઈની પણ માગણી કરી હતી.
• ૩૦,૦૦૦ C.A.R. શરણાર્થીઓ આશ્રય મેળવવા કોંગો પહોંચ્યા
હજારો સેન્ટ્રલ આફ્રિકન્સ D R કોંગોમાં આશ્રય મેળવવા માગે છે. બળવાખોરોના હુમલા પછી કોંગોની ઉત્તરે આવેલા ન્દુમાં બાંગાસોઉના ૩૦,૦૦૦ શરણાર્થીઓ કફોડી હાલતમાં જીવે છે. શરણાર્થીઓની જરૂરિયાત ખૂબ વધી ગઈ છે. જેને પહોંચી વળવા UNHCR ખાતેના અધિકારીઓ પ્રયાસ કરી રહ્યા છે. ત્યાં આવેલા બાળકો સહિત અન્ય લોકોનું તેઓ મેડિકલ સ્ક્રિનિંગ કરી રહ્યા છે.
• જ્યૂઈશ ઈમિગ્રન્ટ્સના અધિકાર નકારતા ઈઝરાયલની ટીકા
યુગાન્ડામાં વસતા યહૂદીઓના નાના સમુદાયને અમેરિકન યહૂદીઓ સાથે સંબંધ છે. ઈઝરાયેલ જવા માગતા યુગાન્ડાના યહૂદીઓના અધિકારને ફગાવી દેવા બદલ અમેરિકી યહૂદીઓએ ઈઝરાયલની ઈન્ટિરીયર મિનિસ્ટ્રીની ટીકા કરી હતી. યુગાન્ડાના કિબીટા યોસેફે અલીયાહ કરવા માટે પરવાનગી આપવાની વિનંતી કરી હતી. મિનિસ્ટ્રીએ તે ફગાવી દીધી હતી. યોસેફે સુપ્રીમ કોર્ટ સમક્ષ અપીલ કરી છે, તેનો ચુકાદો ટૂંક સમયમાં આવશે. તેણે કન્ઝર્વેટિવ મૂવમેન્ટના નેજા હેઠળ ૨૦૦૮માં જૂડાઝમ અંગીકાર કર્યો હતો. તે યેશીવામાં અભ્યાસ કરતો હતો ત્યારે લો ઓફ રિટર્ન હેઠળ ઈઝરાયેલ સ્થળાંતર થવા અરજી કરી હતી. આ કાયદામાં ધર્માંતરણ કરનાર સહિત તમામને નાગરિકત્વ મેળવવાની મંજૂરી છે.
પરંતુ, સિટીઝનશીપની બાબત સંભાળતી ઈન્ટિરિયર મિનિસ્ટ્રીએ તેની અરજી ફગાવી દીધી હતી.