• કેન્યાના પૂર્વ નાણા પ્રધાન સિમિયન ન્યાચાએનું અવસાનઃ
કેન્યાના બિઝનેસમેન, રાજકારણી, પૂર્વ ચીફ સેક્રેટરી, સિવિલ સર્વિસીસના પૂર્વ વડા અને પૂર્વ નાણાં પ્રધાન સિમિયન ન્યાચાએનું ૮૮ વર્ષની વયે નૈરોબીની હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. તેઓ બીમાર હતા અને સારવાર હેઠળ હતા. જોકે, તેમને કઈ બીમારી હતી તે જાહેર કરાયું ન હતું. તેમના પાર્થિવ દેહને નૈરોબીના લી ફ્યૂનરલ હોમમાં રખાયો હતો. તેમનો જન્મ ૬ ફેબ્રુઆરી,૧૯૩૨ના રોજ વેસ્ટર્ન કેન્યાના કિસીમાં ન્યારીબારીના ન્યોસિયા ગામે થયો હતો. તેમણે યુકેમાં પબ્લિક એડમિનિસ્ટ્રેટરની તાલીમ લીધી હતી. મચાકોસના કાંગુન્ડોના ડિસ્ટ્રિક્ટ ઓફિસરથી તેઓ ૧૯૬૩માં કેન્યાની આઝાદી વખતે ડિસ્ટ્રિક્ટ કમિશનર બન્યા હતા. ૧૯૬૫થી ૧૯૭૯ સુધી તેઓ પ્રોવિન્શિયલ કમિશનર રહ્યા હતા.
• કોવિડના ભયે નાઈજીરીયન્સ ઓર્ગેનિક ફૂડ તરફ વળ્યાઃ
નાઈજીરીયામાં કોરોના વાઈરસ ફેલાયો ત્યારથી ત્યાં ઓર્ગેનિક ફૂડ અને વેજિટેબલ્સની માંગમાં ભારે વધારો થયો હતો. અબુજામાં એક સુપર માર્કેટ ફાર્મમાં ઉગાડેલી ઓર્ગેનિક પેદાશો સીધી જ ગ્રાહકોને પહોંચાડે છે. રીયલ ફાર્મના સીઈઓ ડેનિયલ ઓડીના જણાવ્યા મુજબ કંપનીનો હેતુ તેના આરોગ્ય વિશે જાગૃત ગ્રાહકોને સ્વાસ્થ્યપ્રદ ઓર્ગેનિક ફૂડ પહોંચાડવાનો છે. ફ્રૂટ અને વેજિટેબલ સ્મૂધી અથવા ગરમ સ્વાદિષ્ટ નાસ્તો તાજા સ્થાનિક ઉત્પાદનોમાંથી જ બનાવાય છે. તેમને દરરોજ લગભગ ૧૫૦ ઓર્ડર મળે છે. ઓડીએ ઉમેર્યું કે આ બિઝનેસમાં અત્યાર સુધી નફો થયો છે કે નહીં તે કહી શકાય નહીં. તેમની યોજના નાઈજીરીયન્સને આરોગ્યપ્રદ આહાર પૂરો પાડવાની છે.