• સુદાન અને ડર્ફરમાં ભાવવધારાના વિરોધમાં દેખાવોઃ
જીવનનિર્વાહ ખર્ચમાં થયેલા વધારાના મુદ્દે અશાંત ડર્ફર પ્રદેશ અને સુદાનના અન્ય ભાગોમાં વિરોધ ફાટી નીકળ્યો હતો. અમેરિકા દ્વારા દાયકાઓના પ્રતિબંધો, ગેરવ્યવસ્થા અને હાલ ઉથલાવી પડાયેલા પ્રમુખ ઓમર બશીરના શાસનમાં વર્ગવિગ્રહને લીધે ખોરવાઈ ગયેલા અર્થતંત્રને ફરી જીવંત કરવાનું કામ બળવાખોર નેતાઓ સહિતની સરકારી ટીમને સોંપવામાં આવ્યું છે આ ટીમને સતત વધતો ફુગાવો, રોકડ ચલણની વર્ષો જૂની તંગી અને વધતા જતા કાળાબજારના પડકારનો સામનો કરવાનો છે. સાઉથ ડર્ફર રાજ્યના પાટનગર ઞાલા ખાતે દેખાવકારોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને મુખ્ય બજારમાં કેટલીક દુકાનોને આગ ચાંપી હતી. દેખાવકારોએ ભાવવધારો નહિ ચાલે, ભૂખમરો નહિ ચાલે તેવા સૂત્રો પોકાર્યા હતા. પોલીસે તેમને વિખેરવા ટીયર ગેસના શેલ છોડ્યા હતા. સુદાનની રેડ સીટીમાં વિદ્યાર્થી દેખાવકારોએ સ્કૂલોનો બહિષ્કાર કર્યો હતો અને કેટલીક દુકાનો બંધ કરાવી હતી.
• યુગાન્ડા સરકારે આખરે ઇન્ટરનેટ ફરી ચાલુ કર્યુઃ
યુગાન્ડામાં ચૂંટણી પહેલા દેશભરમાં લાગુ કરી દેવાયેલો ઇન્ટરનેટ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાયો હતું. ચૂંટણી સંબંધિત હિંસા માટે ડઝનબંધ લોકોની ધરપકડની સુરક્ષા દળોએ કરેલી જાહેરાત અને મુખ્ય વિપક્ષ નેશનલ યુનિટી પ્લેટફોર્મના હેડ ક્વાર્ટરની ઘેરાબંધીની જાહેરાત બાદ ફરીથી ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા શરૂ થયા છે. બોબી વાઈનને કેટલાક દિવસ સુધી તેમના ઘરમાં નજરકેદ રાખવામાં આવ્યા હતા. સરકાર દ્વારા જણાવાયું હતું કે રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર બંધ કરાયેલું ઇન્ટરનેટ ફરી શરૂ કરવામાં આવ્યું છે. સરકારે ઈન્ટરનેટ બંધ રહેતા લોકોને પડેલી મુશ્કેલી બદલ માફી પણ માંગી હતી. મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ઇન્ફર્મેશન, કોમ્યુનિકેશન ટેક્નોલોજી એન્ડ નેશનલ ગાઈડન્સ પીટર ઓગ્વાંગે ટ્વીટર પર જણાવ્યું હતું કે આપણે સોશિયલ મીડિયાના વિનાશક વપરાશકર્તા નહિ પણ રચનાત્મક વપરાશકર્તા બનવું જોઈએ.
• ઝિમ્બાબ્વે સરકારે તમામ રસ્તાને બિસ્માર જાહેર કર્યાઃ
રસ્તાઓના સમારકામ અને જાળવણી માટે ફંડ રિલીઝ કરવાની સુવિધા માટે ઝિમ્બાબ્વે સરકારે દેશના તમામ રસ્તા બિસ્માર હાલતમાં હોવાનું જાહેર કરવાનો ઠરાવ કર્યો હોવાનું ઇન્ફર્મેશન પબ્લિસિટી અને બ્રોડકાસ્ટિંગ સર્વિસ મિનિસ્ટર મોનિકા મુત્સવાંગ્વાએ જણાવ્યું હતું. ૨૦૨૧ની કેબિનેટ બેઠક પછીની પ્રથમ પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે સતત ભારે વરસાદને લીધે ઘણાં રાષ્ટ્રીય માર્ગોની હાલત ખૂબ ખરાબ થઇ ગઇ હોવાથી કેબિનેટે આ જાહેરાત કરી છે. તેમણે ઉમેર્યું હતું કે મિનિસ્ટર ઓફ લોકલ ગવર્ન્મેન્ટ અને પબ્લિક વર્કસ મિનિસ્ટર જુલી મોયોએ સુપરત કરેલા રિપોર્ટને પગલે કેબિનેટના આ નિર્ણયની માહિતી અપાઈ હતી. તેમણે જણાવ્યું કે ખૂબ તૂટી ગયેલા રસ્તાઓને કારણે કેટલાંક વિસ્તારોમાં જવું હાલ શક્ય નથી. સરકાર તેની જાહેરાત માટે જરૂરી કાનૂની પ્રક્રિયા પર કામ કરી રહી છે
• ઝિમ્બાબ્વેના બિઝનેસ માંધાતા મોહમ્મદ મુસાનું નિધનઃ
ઝિમ્બાબ્વેના બિઝનેસ માંધાતા મોહમ્મદ મુસાનું તાજેતરમાં અવસાન થયું હોવાનું તેમના પરિવારની નિકટના સૂત્રે જણાવ્યું હતું. જોકે, તેમનું કયા કારણે થયું તે હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ તેમના પરિવારની નિકટના લોકોનું કહેવું છે કે તેઓ વૃદ્ધાવસ્થાને લીધે મૃત્યુ પામ્યા હતા. તેઓ એમએમ ગ્રુપના ડિરેક્ટર અને સ્થાપક હતા. આ ગ્રુપ હોલસેલ ગ્રોસરી, ઇલેક્ટ્રિકલ, હોમ સેન્ટર, હાર્ડવેર અને એલપીજી ગેસ રિટેઈલમાં કાર્યરત છે.
• યુગાન્ડા રોકડ ઉપાડનારા ગ્રાહકો પર ટેક્સ લાદશેઃ
કોમર્શિયલ બેંકોમાંથી રોકડા નાણા ઉપાડવા પર ટેક્સ વસૂલવા યુગાન્ડા સરકાર વિચારી રહી છે. લીક થયેલા અને મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સમાં ટ્રેઝરીના ડેપ્યૂટી સેક્રેટરી પેટ્રિક ઓકેઈલીપે ૯મી ફેબ્રુઆરીએ લખેલા પત્રમાં જણાવાયું હતું કે ૫મી ફેબ્રુઆરીએ મળેલી બજેટ સલાહવિષયક બેઠકમાં રોકડરકમના ઉપાડ પર ટેક્સ વસૂલવાની દરખાસ્ત કરાઈ હતી. આ બેઠકમાં યુગાન્ડા કોમ્યુનિકેશન્સ કમિશન, યુગાન્ડા રેવન્યુ ઓથોરિટી, ટેલીકોમ ઓપરેટર્સ અને બેંક ઓફ યુગાન્ડાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પત્ર બેંક ઓફ યુગાન્ડાના ગવર્નરને લખાયો હતો. તેમાં મંત્રાલયે આ બાબતે ગવર્નરનો અભિપ્રાય માગ્યો હતો અને જણાવ્યું હતું કે વધુ સમીક્ષા અને નિર્ણય માટે તેઓ વિવિધ પ્રકારના ઉપાડની માહિતી એકત્ર કરી રહ્યા છે.
• આલ્કોહોલ પર પ્રતિબંધથી સાઉથ આફ્રિકાની વાઈનરીઝ મુશ્કેલીમાઃ
આલ્કોહોલના વેચાણ પરના પ્રતિબંધને ઉઠાવી લેવાના સરકારના નિર્ણય વિશે ખુશી વ્યક્ત કરાઈ છે પરંતુ, હજારો નોકરીઓ બચાવતું આ પગલું ખૂબ મોડું લેવાયું હોવાની વાઈન સેક્ટરને દહેશત છે. વાઈન બિઝનેસને ગયા માર્ચ ૨૦૨૦થી કુલ ૨૦ અઠવાડિયા સુધી સ્થાનિક વેચાણની કોઈ આવક થઈ ન હતી અને સીધા વેચાણમાં ૮ બિલિયન રેન્ડ (૫૩૦ મિલિયન ડોલર)ની ખોટ ગઈ છે. તેને લીધે ૨૭,૦૦૦ લોકોની આજીવિકા જોખમાઈ છે. આ ઉદ્યોગ ૨૬૯,૦૦૦ લોકોને રોજી પૂરી પાડે છે અને દેશના અર્થતંત્રમાં ૫૫ બિલિયન રેન્ડનું યોગદાન આપે છે. કોરોના વાઈરસના દર્દીઓથી ઉભરાતી હોસ્પિટલોમાં ટ્રોમા કેસની સંખ્યા ઘટાડવા શરાબ પર મૂકાયેલા સંખ્યાબંધ પ્રતિબંધને લીધે આ ઉદ્યોગને ભારે નુક્સાન થયું છે. ૨૮ ડિસેમ્બરે લાગુ કરાયેલું ત્રીજું નિયંત્રણ ૮ ફેબ્રુઆરીએ ઉઠાવાયું હતું.
• મોરોક્કોની ફેક્ટરી દુર્ઘટનામાં ૨૮ના મૃત્યુઃ
ટેંજીયર્સમાં બેઝમેન્ટમાં આવેલી ગેરકાયદેસર ટેક્સટાઈલ ફેક્ટરીમાં ભારે વરસાદને લીધે પાણી ભરાઈ જતાં ૨૮ લોકોનું મૃત્યુ થયું હતું. આ ઘટના પછી મોરોક્કોના વડા પ્રધાને પ્રતિબંધો લાદવાનું વચન આપ્યું હતું. મોરોક્કોમાં કામના સ્થળે સ્થિતિ વિશે ચર્ચા શરૂ થઈ છે. ટેંજીયર્સના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે શહેરના રહેણાંક વિસ્તારમાં આવેલી આ ફેક્ટરીમાંથી મોટાભાગની મહિલાઓ સાથે કુલ ૨૮ મૃતદેહ બહાર કઢાયા હતા. હ્યુમન રાઈટસ અને મોરોક્કન એસોસિએશન ફોર હ્યુમન રાઈટ્સે પણ આ મૃત્યુઆંકની પુષ્ટિ કરી હતી. આ દુર્ઘટનાની તપાસ હાથ ધરાઈ હતી. દેશનું અનૌપચારિક સેક્ટર અર્થતંત્રમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. દેશનું ૫૦ ટકાથી વધુ ટેક્સટાઈલ અને લેધર પ્રોડક્શન તેના દ્વારા થાય છે. ઘણી ફેક્ટરીઓમાં પૂરતી સુરક્ષાનો અભાવ હોય છે.