સંક્ષિપ્ત સમાચાર (આફ્રિકા)

Tuesday 16th March 2021 16:07 EDT
 

                                               • ટાન્ઝાનિયાના પ્રમુખ માગુફલી તદ્દન સ્વસ્થઃ

ટાન્ઝાનિયાના પ્રમુખ જહોન માગુફલીને કોરોના વાઈરસનું સંક્રમણ થયું હોવાની અફવાઓને નકારી કાઢતાં વડા પ્રધાન કાસિમ મજલિવાએ જણાવ્યું હતું કે માગુફલી દેશમાં જ છે અને પોતાની ઓફિસમાં સખત મહેનત સાથે કામકાજ કરી રહ્યા છે.૬૧ વર્ષીય માગુફલી ગઈ ૨૭ ફેબ્રુઆરી પછી જાહેરમાં દેખાયા નથી અને તેમને કોવિડ – ૧૯ની ગંભીર અસર થઈ હોવાની અફવાઓ સોશિયલ નેટવર્ક પર વહેતી થઈ ત્યારથી તેમણે કોઈની સાથે વાતચીત પણ કરી નથી. ન્જોમ્બે (દક્ષિણ) પ્રાંતમાં ૧૨મીએ શુક્રવારની નમાઝ દરમિયાન રેકોર્ડ વીડિયોમાં વડા પ્રધાન મજલિવાએ જણાવ્યું હતું કે હું ટાન્ઝાનિયાવાસીઓને ખાતરી આપવા માગું છું કે તેમના પ્રમુખ તદન સ્વસ્થ છે અને નિયમિતપણે કાર્યરત છે. તેમણે ઉમેર્યું કે ૧૨મીએ સવારે તેમણે માગુફલી સાથે ન્જોમ્બેની મુલાકાત વિશે પણ વાત કરી હતી.

         • કોંગો અને મોઝામ્બિકના બળવાખોરોનો આતંકવાદી યાદીમાં સમાવેશઃ

અમેરિકાએ કોંગો અને મોઝામ્બિકના બળવાખોર જૂથોનો વિદેશી આતંકવાદી સંસ્થાઓમાં સમાવશ કર્યો હતો. સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા જણાવાયું હતું કે કોંગોના અલાઈડ ડેમોક્રેટિક ફોર્સીસ અને તૌહીદ વાઉ મુજાહિદીન ખાતે મદીના અને મોઝામ્બિકમાં સ્થાનિકમાં અલ – શબાબ તરીકે જાણીતા અલ અન્સર અલ - સુન્ના જેહાદી ગ્રૂપ ઈસ્લામિક સ્ટેટ (ISIS) સાથે સંકળાયેલા છે. આ સંસ્થાઓના વડા સ્પેશિયલી ડેઝિગ્નેટેડ ગ્લોબલ ટેરરિસ્ટ્સ તરીકે જાહેર થયેલા છે. તેમના પર પ્રતિબંધો જાહેર કરાશે તેમણે ઘણા ખરાબ પરિણામો ભોગવવા પડશે. અમેરિકામાં તેમની સંપતિ હશે તો તે ટાંચમાં લેવાશે અને સામાન્ય લોકોને તેમની પ્રોપર્ટીમાં વ્યવહાર કરવા પર પ્રતિબંધ લગાવાશે.

   • બિલિયોનેર મોત્સેપે આફ્રિકન સોકરના પ્રમુખપદે ચૂંટાયાઃ

દક્ષિણ આફ્રિકાના ૫૯ વર્ષીય માઈનિંગ બિલિયોનેર પેટ્રિસ મોત્સેપે આફ્રિકન સોકર ફેડરેશનના પ્રમુખ તરીકે બીનહરિફ ચૂંટાયા હતા. તેમાં ત્રણ હરિફોએ તેમની ઉમેદવારી પાછી ખેંચી લેતા તેઓ એકમાત્ર ઉમેદવાર રહ્યા હતા. કન્ફેડરેશન ઓફ આફ્રિકન ફૂટબોલની વાર્ષિક સભામાં અધિકારીઓએ તેમને અભિનંદન પાઠવતા તાળીઓના ગડગડાટથી વધાવીને તેમને સમર્થન અપાયું હતું. CAFના વડા બન્યા હોવાથી તેઓ આપોઆપ FIFAના વાઈસ પ્રેસિડેન્ટ અને FIFA કાઉન્સિલના સભ્ય બન્યા છે. તેઓ સફળ બિઝનેસમેન છે. પરંતુ, સોકરના વહીવટમાં તેમને ઓછો અનુભવ છે. FIFAની કથળેલી હાલત તેમના સમક્ષ મોટો પડકાર છે.

 • દક્ષિણ આફ્રિકાના ઝૂલૂ કિંગ ગુડવીલ ઝ્વેલીથીનીનું નિધનઃ

દક્ષિણ આફ્રિકાના ઝૂલુ રાષ્ટ્રના પરંપરાગત વડા કિંગ ગુડવીલ ઝ્વેલીથીનીનું ૭૨ વર્ષની વયે નિધન થયું હોવાની તેમના પરિવારે જાહેરાત કરી હતી. નાદુરસ્ત તબિયતને લીધે તેઓ છેલ્લાં એક મહિના કરતાં વધુ સમયથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમને ડાયાબિટીસની બીમારી હતી. આઠમા ઝૂલુ રાજા ઝ્વેલીથીનીએ ૫૦ કરતાં વધુ વર્ષ શાસન કર્યું હતું. તેમનો કોઈ રાજકીય હોદ્દો ન હતો પરંતુ, દેશના અંદાજે ૧૨ મિલિયનથી વધુ ઝૂલુ નાગરિકો પર તેમનો પ્રભાવ હતો. તેઓ સરકારની જમીન પુનઃવિતરણની નીતિના ઉગ્ર વિવેચક હતા. આ નીતિને લીધે ઝૂલુની ઘણી જમીનને અસર પહોંચે તેમ હતું

                                                 • કેન્યા દ્વારા યુગાન્ડાની મકાઈ પર પ્રતિબંધઃ

કેન્યા દ્વારા યુગાન્ડાથી મકાઈની આયાત પર મૂકાયેલા પ્રતિબંધને પગલે સર્જાયેલી મડાગાંઠ મામલે યુગાન્ડાએ બન્ને દેશો વચ્ચે તાકીદની બેઠક બોલાવી હતી. કેન્યાની એગ્રીકલ્ચર એન્ડ ફૂડ ઓથોરિટીના જણાવ્યા મુજબ યુગાન્ડાની મકાઈમાં ખાસ કરીને એફ્લેટોક્સિન્સ અને ફ્યુમોનીસીન્સ જેવા માઈકોટોક્સિન્સ જણાયા હતા. તેનાથી કેન્સર થઈ શકે છે. કોવિડ -૧૯ના નિયંત્રણોની આર્થિક અસરનો યુગાન્ડા સામનો કરી રહ્યું છે ત્યારે આ પ્રતિબંધ મૂકાયો છે. મિનિસ્ટર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી એમેલિયા ક્યામબાડ્ડેએ બેઠક યોજી હોવાને સમર્થન આપ્યું હતું. પરંતુ, વધુ વિગતો આપી ન હતી.

                                             • નાઈજીરીયાએ અપહૃત વિદ્યાર્થીઓની શોધખોળ હાથ ધરીઃ

મીડિયાએ બંધક લોકોનો મદદ માટે વિનંતી કરતો વીડિયો દર્શાવ્યા પછી નાઈજીરીયાની પોલીસ, આર્મી અને અન્ય સુરક્ષા દળોની સંયુક્ત ટીમે કોલેજના ૩૯ અપહૃત વિદ્યાર્થીઓને બચાવવાના પ્રયાસો તેજ કરી દીધા હતા. બંદૂકધારી શખ્સોએ ઉત્તર પશ્ચિમી કડુમા રાજ્યમાં હોસ્ટેલોમાંથી વિદ્યાર્થીઓનું અપહરણ કર્યું હતું. અપહરણકારોએ વિદ્યાર્થીઓ પૈકી એકના ફેસબુક એકાઉન્ટ પર આ વીડિયો મૂક્યો હતો. દરમિયાન, કડુમા શહેરના પરાંવિસ્તાર માન્ડોમાં ફેડરલ કોલેજ ઓફ ફોરેસ્ટ્રી મિકેનિસેશન ખાતે ભીષણ યુદ્ધ પછી અન્ય ૧૮૦ લોકોને બચાવી લેવાયા હતા.

                                                    • કોંગોમાં ૨૧ માર્ચે પ્રમુખપદની ચૂંટણીઃ

કોંગોના ૭૭ વર્ષીય પ્રમુખ ડેનિસ સાસ્સોઉ ન્ગુએસ્સોએ ૨૧ માર્ચે યોજાનારી પ્રમુખપદની ચૂંટણીના થોડા અઠવાડિયા અગાઉ મતદારોને રીઝવવા માટે હાઈડ્રો - ઈલેક્ટ્રિક ડેમ, કેટલાંક રસ્તા અને હોસ્પિટલ સંકુલનું ઉદઘાટન કર્યું હતું. કેટલાંક લોકોના મતે પોતાની ટર્મ પૂરી કરવા આ સારો વિચાર અને આયોજન છે. આ બાબત જ તેમને બીજી ટર્મ માટે ચૂંટવા પ્રેરણા પૂરી પાડે છે. પરંતુ, વિરોધીઓ માટે તે કશું જ નથી. તેઓ ૩૬ વર્ષ સત્તા પર રહ્યા પણ હકીકતે વિકાસ થયો જ નથી. પ્રમુખપદની ચૂંટણીમાં તેમની સામે સાત ઉમેદવાર છે, પરંતુ કોઈ તેમને ટક્કર આપી શકે તેમ લાગતું નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter