દારે સલામઃ ઈસ્ટ આફ્રિકાના ટાન્ઝાનિયામાં પ્રવાસન સીઝનમાં સફારી લોજીસ અને સમુદ્રતટ પરની વિલાઝ ભરાઈ રહી છે. બીજી તરફ, પરિવારો દેશમાં 29 ઓક્ટોબરના ઈલેક્શન પછી લાપતા થઈ ગયેલા સગાંસંબંધીની શોધખોળ ચલાવી રહ્યા છે. બીજી વખત પદ સંભાળનારા મહિલા પ્રેસિડેન્ટ સમીઆ સુલુહા હાસનનું શાસન લંબાયા પહેલા અને પછી સેંકડો યુવા લોકોને સિક્યોરિટી ફોર્સીસ દ્વારા ઠાર કરાયા હોવાના આક્ષેપો છે. ટાન્ઝાનિયા સરમુખત્યારશાહી તરફ ઘસડાઈ રહ્યું છે.
એક સમયે સુધારક તરીકે પ્રતિષ્ઠા ધરાવતાં પ્રેસિડેન્ટ હાસનને હવે લોકો પડોશી દેશ યુગાન્ડાના લોહીતરસ્યા સરમુખત્યારના નામે ‘ઈદી અમીન મામા’ તરીકે ઓળખાવી રહ્યા છે. પૂર્વ બ્રિટિશ સંસ્થાનો અને કોમનવેલ્થના સભ્યો યુગાન્ડા, ટાન્ઝાનિયા અને કેન્યામાં સરકારો દ્વારા વિરોધ-અસંતોષ દબાવી દેવાની વેતરણ ચાલ્યા કરે છે. યુએસએ ટાન્ઝાનિયા સરકાર સાથે સંબંધોની પુનઃવિચારણા કરી રહ્યું છે ત્યારે બ્રિટન સહિત 17 પશ્ચિમી દેશો અન્યાયી હત્યાઓના પુરાવાઓ મુદ્દે આઘાત દર્શાવવા સાથે મૃતદેહો અને રાજકીય કેદીઓને છોડવાની માગણી કરી રહ્યા છે. ગયા મહિને પ્રેસિડેન્ટ હાસને વિરોધી દેખાવકારોની હત્યાઓમાં ન્યાયિક તપાસ કમિશનની જાહેરાત કરી હતી.


