કેપટાઉનઃ સંસ્થાનવાદી યુગમાં લૂંટાયેલી કે કબજે કરાયેલી આઈટમ્સ પરત કરવાના વૈશ્વિક પ્રયાસને આગળ વધારતા સાઉથ આફ્રિકાએ ઝિમ્બાબ્વેને પ્રાચીન પવિત્ર માનવ અવશેષો અને પવિત્ર રાષ્ટ્રીય કલાનમૂનાઓ પરત કર્યા છે. ઝિમ્બાબ્વેના અધિકારીઓએ પરત કરવાના કાર્યને રાષ્ટ્રીય ઓળખ અને ઐતિહાસિક ન્યાય સાથે સંકળાયેલા પ્રતીક તરીકે ગણાવ્યું હતું.
કેપ ટાઉનમાં મ્યુઝિયમ ખાતે પરત કરવાની વિધિ યોજાઈ હતી જ્યાં ઝિમ્બાબ્વેના ફ્લેગથી ઢંકાયેલા આઠ કોફિન જોવા મળ્યા હતા. સંસ્થાનવાદી શાસનકાળમાં 100 વર્ષ અગાઉ આ માનવ અવશેષો ‘સાયન્ટિફિક સ્પેસીમેન્સ’ તરીકે લઈ જવાયા હતા. આ અવશેષોમાં આદિવાસીના વડાની ખોપરી અને જડબાનો સમાવેશ થાય છે જે 1910માં એકત્ર કરાયા હતા. સાઉથ આફ્રિકાના સ્પોર્ટ્સ, આર્ટ્સ એન્ડ કલ્ચર મિનિસ્ટર ગેટન મેકેન્ઝીએ જણાવ્યું હતું કે જે અમારું નથી તે અમારે પરત કરવું જ રહ્યું.
સાઉથ આફ્રિકાએ માનવ અવશેષોની સાથે 19મી સદીના ઉત્તરાર્ધમાં ગ્રેટ ઝિમ્બાબ્વેના અવશેષોમાંથી કબજે કરાયેલા સદીઓ જૂના શક્તિશાળી રાષ્ટ્રીય પ્રતીક ઝિમ્બાબ્વે બર્ડની સોપસ્ટોન કોતરણીને પરત કરી હતી. ઝિમ્બાબ્વેના રાષ્ટ્રધ્વજ અને કરન્સી પર ઝિમ્બાબ્વે બર્ડ જોઈ શકાય છે.

