જોહાનિસબર્ગઃ તાજેતરના સપ્તાહોમાં મુખ્ય શહેરોમાં વિદેશી નાગરિકોને લક્ષ્ય બનાવતા એન્ટિ-માઈગ્રન્ટ દેખાવોના સંદર્ભે સાઉથ આફ્રિકાએ ઝે્નોફોબિયાના દાવાઓ ફગાવી દીધા છે. પ્રમુખના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વ્યાપક તંગદિલીના આ દેખાવોને સમગ્રતયા વિદેશી નાગરિકો પ્રત્યે દુશ્મનાવટ નહિ, પરંતુ માઈગ્રેશન, અપરાધો અને આર્થિક દબાણોના સંદર્ભે નિહાળવા જોઈએ.
સાઉથ આફ્રિકન સરકારે આ પરિસ્થિતિ સંદર્ભે અન્ય આફ્રિકી દેશોમાં વધતી બેચેનીને સ્વીકારી હતી. ખાસ કરીને, નાઈજિરિયાએ તેના નાગરિકો અને બિઝનેસીસ વિરુદ્ધ કરાયેલા હુમલાઓના અહેવાલો પર નારાજગી વ્યક્ત કરી હતી. પ્રમુખના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આફ્રિકી સરકારો દ્વારા ટીકાઓએ સમગ્ર ખંડમાં માઈગ્રેશન દબાણો વિશે વ્યાપક ચર્ચાના માર્ગો ખોલવા જોઈએ. સાઉથ આફ્રિકા આ કટોકટીને ઘરઆંગણાના મુદ્દા તરીકે નહિ, પરંતુ સમગ્ર ખંડમાં ભારે બેરોજગારી, વધતા નિર્વાહખર્ચ અને અપરાધોના કારણે માઈગ્રન્ટ્સ પ્રત્યે વધતા રોષના પડકાર તરીકે નિહાળી રહ્યું છે.

