સાઉથ આફ્રિકાનો ઈઝરાયેલ સામે નરસંહારનો કેસ

Wednesday 03rd January 2024 06:16 EST
 

કેપ ટાઉનઃ સાઉથ આફ્રિકાએ ઈઝરાયેલ સામે ગાઝામાં પેલેસ્ટિનીઓ વિરુદ્ધ નરસંહાર આચરવાનો આક્ષેપ લગાવી યુએનની ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં કેસ દાખલ કર્યો છે. ઈઝરાયેલ તેના હુમલાઓ બંધ કરે તેવો આદેશ આપવા કોર્ટને અનુરોધ કર્યો છે. બીજી તરફ, ઈઝરાયેલે આ કેસમાં કરાયેલા આક્ષેપો ફગાવી દીધા છે. હમાસ અને ઈઝરાયેલ વચ્ચે વર્તમાન યુદ્ધમાં પ્રથમ વખત કોર્ટમાં કેસ દાખલ કરાયો છે. આગામી દિવસો કે સપ્તાહોમાં તેની સુનાવણી થઈ શકે છે. ઈઝરાયેલી કબજા હેઠળના વેસ્ટ બેન્કમાં પેલેસ્ટિની વિદેશ મંત્રાલયે સાઉથ આફ્રિકાના પગલાને આવકાર્યું હતું.

સાઉથ આફ્રિકાએ રજૂઆત કરી છે કે ઈઝરાયેલ દ્વારા કરાયેલા અને નહિ કરાયેલા કાર્યો પેલેસ્ટિની નાગરિકો, જાતિ અને વંશીય જૂથના હિસ્સારૂપે ગાઝામાં પેલેસ્ટિનીઓનો વિનાશ કરવાના હેતુસરના હોવાથી નરસંહાર પ્રકારના છે. બીજી તરફ, ઈઝરાયેલી સરકારે જેનોસાઈડના આક્ષેપો ફગાવી જણાવ્યું છે કે સાઉથ આફ્રિકાના કેસનો કોઈ કાનૂની આધાર નથી. સાઉથ આફ્રિકા બળવાખોર પેલેસ્ટિની જૂથ હમાસ સાથે સાથે મળીને કામ કરતું હોવાનો વળતો આક્ષેપ પણ ઈઝરાયેલે લગાવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter