જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકાએ G20 શિખર પરિષદની પૂર્વસંધ્યાએ દેશમાં લૈંગિક હિંસાને રાષ્ટ્રીય આપદા જાહેર કરી હતી. જોહાનિસબર્ગમાં આંતરરાષ્ટ્રીય સમિટ યોજાય તે અગાઉ સેંકડો સ્ત્રીઓએ દરરોજ 15 વ્યક્તિ જેન્ડર-લિંગઆધારિત હિંસાનો શિકાર બને છે તે દર્શાવવાં જોહાનિસબર્ગ, પ્રીટોરીઆ, કેપ ટાઉન અને ડર્બન સહિત 15 શહેરોમાં કાળાં વસ્ત્રો સાથે આક્રોશ વ્યક્ત કરતા 15 મિનિટ સુધી શાંતિપૂર્ણ દેખાવો અને ધરણાં યોજ્યાં હતાં. NGO ‘વિમેન ફોર ચેઈન્જ’ દ્વારા ‘G20 વિમેન્સ શટડાઉન’ દેખાવોનું આયોજન કરાયું હતું.
સાઉથ આફ્રિકામાં સ્ત્રીહત્યાનો દર વિશ્વમાં સૌથી વધુમાં એક છે અને યુએન વિમેન સંસ્થાના અંદાજ અનુસાર આ દર વૈશ્વિક સરેરાશ કરતાં પાંચ ગણો ઊંચો છે. ‘વિમેન ફોર ચેઈન્જ’ દ્વારા મહિલાઓ અને LGBTQ+ કોમ્યુનિટીઝને વર્કપ્લેસીસ, યુનિવર્સિટીઓ અને ઘરમાં તમામ સવેતન અને અવેતન કામકાજથી અળગાં રહેવાં તેમજ દિવસ દરમિયાન, જરા પણ ખર્ચ નહિ કરી તેમની ગેરહાજરીની આર્થિક અને સામાજિક અસર દર્શાવવા અનુરોધ કરાયો હતો.
અભિયાનોના પરિણામે, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર (NDMC)ના વડા ડો. બોન્ગાની એલિઆસ સિટહોલે લિંગઆધારિત હિંસા અને સ્ત્રીહત્યાને નેશનલ ડિઝાસ્ટર તરીકે વર્ગીકૃત કરવાની જાહેરાત કરી હતી. મહિલાસંસ્થાઓએ આ જાહેરાતને વધાવી લીધી હતી. અગાઉ, NDMCએ જણાવ્યું હતું કે આવું વર્ગીકરણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળની કાનૂની જરૂરિયાતોને પરિપૂર્ણ કરતું નથી.

