કમ્પાલાઃ તાજેતરમાં વિક્ટોરિયા યુનિવર્સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રૂપારેલિયા ગ્રૂપ ઓફ કંપનીઝના સ્થાપક ડો. સુધીર રૂપારેલિયાએ આ યુનિવર્સિટીની અત્યાર સુધીની પ્રભાવશાળી સફર અને તેના ભવિષ્ય વિશે વાત કરી હતી. યુનિવર્સિટીની સફળતા વિશે સાંભળીને ફેસબુક પર આ કાર્યક્રમ ઓનલાઈન જોઈ રહેલા ડેંગ સાન્ટો ગ્યુઓટે સાઉથ સુદાનના પાટનગર જૂબામાં વિક્ટોરિયા યુનિવર્સિટીની શાખા સ્થાપવા ડો. રૂપારેલિયાને અનુરોધ કર્યો હતો.
ડો. રૂપારેલિયાએ જણાવ્યું કે ૨૦૧૩ માં તેમણે દુબઈ સ્થિત ગ્રૂપ પાસેથી વિક્ટોરિયા યુનિવર્સિટી હસ્તગત કરી હતી અને ત્યારથી તેમનો ઉદ્દેશ યુગાન્ડામાં શિક્ષણની ગુણવત્તા સુધારવાનો રહ્યો છે.
રૂપારેલિયાએ જણાવ્યું , 'વિક્ટોરિયા યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારે અમે તે દુબઈ સ્થિત ગ્રૂપ પાસેથી સંપાદિત કરી હતી. આ સંસ્થા ખરીદવા માટે મારો સંપર્ક કરાયો હતો અને અમે તે ખરીદી લીધી. નેશનલ કાઉન્સિલ ફોર હાયર એજ્યુકેશન દ્વારા પણ અમને સંમતિ મળી હતી.' તેમણે ઉમેર્યું કે અમે હજુ વિકાસ કરવા માગીએ છીએ. અમને યુગાન્ડામાં શ્રેષ્ઠ યુનિવર્સિટીની જરૂર છે. તેથી અમે આગળના ધોરણે પહોંચી શકીએ તેમાં મદદરૂપ થઈ શકે તેવા પ્રોફેશનલ્સની શોધમાં છીએ.
ડો. રૂપારેલિયાએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીમાં ભણાવવામાં આવતા તમામ કોર્સ માટેની ટ્યુશન ફીમાં તાજેતરમાં ૫૦ ટકાનો ઘટાડો કરાયો હતો. કોવિડની આર્થિક કટોકટી છતાં યુનિવર્સિટીના દરેક વિદ્યાર્થીનું સ્વપ્ન સાકાર થાય તે માટે ફીમાં આ ઘટાડો કરાયો હતો.
ડેંગ સાન્ટો ગ્યુઓટે જણાવ્યું કે ઘણાં વિદ્યાર્થીઓને તમારી એકેડમીમાં ખૂબ રસ છે તેથી તમારે જૂબામાં બીજી શાખા શરૂ કરવી જોઈએ.
ડો.. રૂપારેલિયાના વક્તવ્યથી પ્રભાવિત થયેલા અને કાર્યક્રમને ફેસબુક પર ઓનલાઈન જોઈ રહેલા ન્કુલાંગા એનોક અને બિનોમુગિશા રોનાલ્ડ કટુંગીએ જણાવ્યું કે ખૂબ સરસ ચર્ચા રહી. વિક્ટોરિયા યુનિવર્સિટી વિશે ઘણું જાણવા મળ્યું.