જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકાની સર્વોચ્ચ બંધારણીય કોર્ટે પ્રેસિડેન્ટ સીરિલ રામફોસા વિરુદ્ધ ઈમ્પીચમેન્ટ કાર્યવાહી આગળ વધારવાનો માર્ગ મોકળો બનાવ્યો છે. કોર્ટે કહ્યું હતું કે ચાર વર્ષ અગાઉ ઈન્ક્વાયરી અટકાવવાનો પાર્લામેન્ટનો નિર્ણય બંધારણ સાથે સુસંગત ન હતો.
રામફોસાના ફાર્મહાઉસમાંથી 2020માં વિદેશી ચલણમાં મોટી રકમની ચોરી થવાના સંદર્ભે તપાસ કરવાની સ્વતંત્ર પેનલની ભલામણને ફગાવી દેવા આફ્રિકન નેશનલ કોંગ્રેસ પાર્ટીએ પાર્લામેન્ટમાં બહુમતીનો ઉપયોગ કર્યો હતો. આ ‘ફાર્મગેટ’ કૌભાંડ થકી એવા આક્ષેપોને બળ મળ્યું હતું કે સોફામાં છુપાવાયેલા નાણાના સ્રોતનો હિસાબ આપવામાં રામફોસા નિષ્ફળ ગયા હતા.
બંધારણીય કોર્ટના ચીફ જસ્ટિસ માન્ડિસા માયાએ ચુકાદામાં જણાવ્યું હતું કે 13 ડિસેમ્બર 2022ના રોજ લેવાયેલો નેશનલ એસેમ્બલીનો મત બંધારણ સાથે સુસંગત ન હતો અને આથી, તેને રદ કરી દેવાય છે. કોર્ટે ઈન્ડિપેન્ડન્ટ પેનલનો રિપોર્ટ ઈમ્પીચમેન્ટ કમિટીને સુપરત કરવા આદેશ આપ્યો હતો.


