સુદાન સેન્ટ્રલ બેંક દ્વારા સુદાનીઝ પાઉન્ડનું અવમૂલ્યન

Tuesday 02nd March 2021 15:22 EST
 
 

ખાર્ટુમઃ સુદાનની સેન્ટ્રલ બેંકે અપેક્ષા મુજબ જ ૨૧ ફેબ્રુઆરીએ તેના પાઉન્ડના અવમૂલ્યનની જાહેરાત કરી હતી. હાલ સુદાન ગંભીર કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. ચીજવસ્તુઓની અછત અને ભારે ભાવવધારાને લીધે સુદાનના લોકોને જીવવાનું મુશ્કેલ બની ગયું છે. આ અવમૂલ્યનને લીધે દેશના અર્થતંત્રને સ્થિર થવામાં મદદ મળશે. સુદાનનો વાર્ષિક ફુગાવાનો દર ગયા મહિને ૩૦૦ ટકા વધી ગયો હતો જે દુનિયામાં સૌથી વધુ દરો પૈકી એક છે.

સુદાનની સેન્ટ્રલ બેંક કાળાબજારમાં ચાલતા દરને સમાન સુદાની પાઉન્ડનો ભાવ કરી રહી છે. એક ડોલર માટે સુદાનીઝ પાઉન્ડની કિંમત ૫૫ પાઉન્ડ વધીને ૩૭૫ પાઉન્ડ થશે. બન્ને હુંડિયામણ દર સરખા કરીને સેન્ટ્રલ બેંકે નાણાંકીય સહાયની શ્રેણીબદ્ધ યોજનાઓ માટે માર્ગ મોકળો કર્યો છે. તેથી યુએસએ અને ગ્રેટ બ્રિટન સુદાનના અતિ ગરીબ પરિવારો માટે ૪૫૦ મિલિયન ડોલરની યોજના સહિત ૧.૫ બિલિયન ડોલરથી વધુ રકમ મદદ માટે છૂટી કરી શકશે.

નાણાંકીય હકીકત બહાર આવે તેવી માગણી કરતાં ડોનર્સ કોમ્યુનિટી અને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF)ની અપેક્ષા મુજબ જ આ પગલાંમાં એક્સચેન્જ કન્ટ્રોલ વધારવામા આવ્યા છે. તેમના માનવા મુજબ સુદાનીઝ પાઉન્ડનો સત્તાવાર ભાવ બ્લેક માર્કેટના ભાવ કરતાં છ ગણો ઓછો હોય તેવું નાણાંકીય જૂઠ્ઠાણું સુદાનનું અર્થતંત્ર વધુ સમય ચલાવી શકે નહીં.

IMFએ માર્કેટ ક્લિયરિંગ વિનિમય દર એકસમાન કરવા માટે સુદાનની સરકારને ગયા સપ્ટેમ્બર સુધીની સમયમર્યાદા આપી હતી. આ પગલું IMFની આ મુખ્ય માગણીને પૂર કરે છે. સુદાનના આ પગલાં વિશે IMF આગામી માર્ચમાં તેના બોર્ડને માહિતી આપશે તેવું મનાય છે. સુદાને તેના ૭૦ બિલિયન ડોલરના વિદેશી દેવાં પર રાહત મેળવવા માટે ૧૨ મહિનાનો સ્ટાફ મોનિટરિંગ પ્રોગ્રામ પૂરો કરવાનો રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter