લંડનઃ જો તમે યુકેમાં શિયાળા દરમિયાન મકાઇ, ગ્રીન બીન્સ અથવા લીલી ડુંગળી ખાધા હોય તો બની શકે છે કે તે સેનેગલની ઉત્તરમાં સહારાના રણના કિનારે આવેલા બે ફાર્મમાંથી યુકેમાં આવ્યા હોય. પશ્ચિમ આફ્રિકાનો આ દેશ હાલમાં યુકેના ફૂડ સપ્લાયમાં મહત્વનો ખેલાડી બની રહ્યો છે. ઉત્તર સેનેગલનો આ વિસ્તાર સહારાના રણની અત્યંત નજીક છે. ત્યાં નામ માત્રનો વરસાદ પડે છે.
આ ફાર્મમાંથી મકાઇ સહિતના ઉત્પાદનોને એકઠાં કરી તાત્કાલિક શૂન્ય ડિગ્રીએ રેફ્રિજરેટ કરી દેવામાં આવે છે. ત્યાંથી તેમને સેનેગલની રાજધાની નજીકના ડકાર પોર્ટ પર લાવીને કન્ટેનર શિપમાં લોડ કરી દેવાય છે. 6 દિવસ પછી આ ઉત્પાદનો બ્રિટિશ સુપર માર્કેટમાં વેચાતા હોય છે.
સેનેગલના સેન્ટ લૂઇસ રિજિયનમાં બ્રિટિશર દ્વારા સંચાલિત બે ફાર્મ આવેલાં છે જેમાં 9000 લોકો કામ કરે છે. જાન્યુઆરીથી માર્ચ મહિનામાં ટેસ્કો, સેઇન્સબરી, અસદા. આલ્ડી સહિતના યુકેના ફૂડ રિટેલર્સને ત્યાં જે ઉત્પાદનો વેચાય છે તેના પર પ્રોડ્યુસ ઓફ સેનેગલનું લેબલ મારેલું હોય છે.


