કિન્શાસાઃ ૨૦ વર્ષ અગાઉ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના પ્રમુખ લૌરન્ટ કબીલાની હત્યા કરવા બદલ ગુનેગાર ઠરેલા કર્નલ એડી કેપેન્ડ અને જ્યોર્જિસ લેટાને માફી આપવામાં આવી હતી. આમ તો તેમના બોડીગાર્ડે ગોળી મારીને તેમની હત્યા કરી હતી. પરંતુ, તેમના બે અધિકારીઓ પણ તેમાં સંડોવાયેલા હતા. પ્રેસિડેન્ટ ફેલીક્સ ત્શીસેકેદીએ ગયા જૂનમાં તેમની મૃત્યુદંડની સજાને મુલતવી રાખી હતી.
ત્શીસેકેદી અને તેમના અનુગામી લોરન્ટ કબીલાના પુત્ર જોસેફ વચ્ચે ઘર્ષણ દરમિયાન આ માફી અપાઈ હતી.
ડિસેમ્બર, ૨૦૧૮માં ત્શીસેકેદી ચૂંટણી જીત્યા તે અગાઉ ૨૦૦૧માં પિતાના મૃત્યુ પછી જોસેફ કબીલાએ ૧૮ વર્ષ સુધી કોંગોની સત્તા સંભાળી હતી.
લગભગ છેલ્લાં ૬૦ વર્ષમાં પહેલી વખત શાંતિપૂર્વક દેશમાં સત્તા ટ્રાન્સફર થઈ હતી. નવા પ્રેસિડેન્ટે દેશમાં હજુ પણ પ્રભાવશાળી રહેલા જોસેફ કબીલા સાથે પાછલા બારણે સોદો કર્યો હોવાની દ્રઢ શંકા પ્રવર્તતી હતી.
પ્રેસિડેન્ટ ત્શીસેકેદીની ઓફિસ દ્વારા જણાવાયું હતું કે જેમને ૨૦ વર્ષની જેલ થઈ હોય અને ૩૧ ડિસેમ્બર સુધીમાં જે લોકોએ પોતાની સજા પૂરી કરી હોય તે દરેકને પ્રમુખની માફી મળી શકે છે. પ્રેસિડેન્ટ પ્રેસ ટીમના ગિસ્કાર્ડ કુસેમાએ એએફપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે કર્નલ કાપેન્ડ અને તેમના કેટલાક સહઆરોપીઓએ પ્રમુખની માફીનો લાભ લીધો છે.
કર્નલ કાપેન્ડ લૌરેન્ટ કબીલાના જમણા હાથ સમાન હતો. તે સ્વ. કબીરાની સિક્યુરિટી ટીમના કેટલાંક સભ્યો તથા તે વખતના ઈન્ટેલિજન્સ ચીફ જ્યોર્જિસ લેટા સહિત આ હત્યાનો માસ્ટરમાઈન્ડ હોવાનો દોષી જણાયો હતો. બન્નેએ આ કાવતરામાં કોઈ ભાગ હોવાનો ઈન્કાર કર્યો હતો.