કમ્પાલાઃ કોવિડ મહામારી દરમિયાન આર્થિક રીતે અન્ય દેશોને પાછળ રાખનારા દેશોમાં યુગાન્ડાનો સમાવેશ થયો છે. દુનિયાના દસ ઝડપથી વિકસતા અર્થતંત્રમાં આફ્રિકાના સાત દેશોનો સમાવેશ થયો છે. આ યાદીમાં પહેલા ક્રમે બાંગલાદેશ, બીજા ક્રમે ઈથિઓપિયા, વિયેતનામ ત્રીજા, ચીન ચોથા, યુગાન્ડા પાંચમા, આઈવરી કોસ્ટ છઠ્ઠા, ઈજિપ્ત સાતમા, ઘાના આઠમા, રવાન્ડા નવમા અને કેન્યા દસમા સ્થાને છે.
આફ્રિકામાં અન્ય દેશોની સરખામણીમાં લોકો યુવાન છે. જાહેર વ્યાપાર કરતી ૧,૩૦૦ કંપનીઓએ કોર્પોરેટ આફ્રિકાનું નિર્માણ કર્યું છે. બ્લૂમબર્ગે એકત્ર કરેલી માહિતી મુજબ કુલ માર્કેટ કેપિટલાઈઝેશનમાં કોમ્યુનિકેશન્સ કંપનીઓનો હિસ્સો ૨૯ ટકા છે જે એક દાયકા અગાઉ ૧૩ ટકા હતો. જ્યારે આ સમયગાળામાં મટિરિયલ્સ અને એનર્જીનો હિસ્સો ૩૪.૫ ટકા હતો તે ઘટીને ૨૩ ટકા થયો છે.
આફ્રિકાએ કોવિડ-૧૯ના આક્રમણનો સામનો અન્ય વિકસતા ઘણાં પ્રાંત કરતાં સારી રીતે કર્યો છે. જહોન્સ હોપકિન્સ બ્લૂમબર્ગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ દ્વારા એકત્ર કરાયેલી માહિતી મુજબ નવેમ્બરના મધ્યમાં ખંડના સાઉથ આફ્રિકા, નાઈજીરિયા અને ઈથિઓપિયા જેવા મોટા દેશોમાં કોરોનાનું પ્રમાણ એપ્રિલ અથવા મેના પ્રમાણ કરતાં સૌથી ઓછું રહ્યું હતું. તેનાથી ઉલટું કોવિડ-૧૯થી ૧૦૦,૦૦૦થી વધુ મૃત્યુ સાથે મેક્સિકો ડિસેમ્બરમાં અમેરિકા (૨૫૭,૯૨૯), બ્રાઝિલ (૧૬૯,૪૮૫) અને ભારત (૧૩૪,૨૧૮) પછીનો ચોથો દેશ બન્યો હતો. ઈથિઓપિયા, યુગાન્ડા, આઈવરી કોસ્ટ, ઈજિપ્ત, ઘાના, રવાન્ડા અને કેન્યા મહામારીની વિષમ આર્થિક અસર સામે સફળતાથી ટકી રહ્યા હતા અને ૨૦૨૦માં દુનિયાના સૌથી વધુ ઝડપથી વિકસતા દેશોમાં સામેલ થયા હતા. અર્થશાસ્ત્રીઓના અંદાજ મુજબ તેમાંથી ઓછામાં ઓછાં પાંચ દેશ ૨૦૨૨ દરમિયાન પણ આ યાદીમાં રહેશે.