દારેસલામઃ ઈસ્ટ આફ્રિકન કમ્યુનિટીના સરકારી વડાઓની શિખર બેઠક આગામી ૨૭મી ફેબ્રુઆરીએ યોજાશે. લાંબા સમયથી આ બેઠકની રાહ જોવાઈ રહી હતી. ટાન્ઝાનિયા, કેન્યા, યુગાન્ડા, રવાન્ડા, બુરુન્ડી અને સાઉથ સુદાનના તમામ પરમેનન્ટ સેક્રેટરી અને મિનિસ્ટર્સ ફોર EAC અફેર્સને સંબોધીને લખેલા પત્રમાં EACના સેક્રેટરી જનરલ લીબેરાત મ્ફુમુકેકોએ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સને તેમની બેઠક ૨૫મી ફેબ્રુઆરીએ યોજવા સલાહ આપી હતી. તેમણે ૨૭મી ફેબ્રુઆરીએ EAC ના સરકારી વડાઓની ૨૧મી સાધારણ શિખર બેઠક યોજવાની દરખાસ્ત કરી હતી. આ શિખર બેઠકના એજન્ડામાં EACના આગામી સેક્રેટરી જનરલની નિમણૂકનો મુદ્દો ટોચ પર છે.
તેમણે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સની ૪૦મી સાધારણ સભા ટાન્ઝાનિયાના અરુષામાં આગામી ૨૨થી ૨૫ ફેબ્રુઆરી દરમિયાન યોજવાની પણ દરખાસ્ત રજૂ કરી હતી.
ગયા મેમાં કોવિડ ૧૯ અંગે પ્રાદેશિક પ્રતિભાવ અને માલસામાનની મુક્ત હેરફેર અંગે યોજાયેલી EACના વડાઓની કન્સલ્ટેટિવ મિટીંગમાં કેન્યા, યુગાન્ડા, રવાન્ડા અને સાઉથ સુદાનના પ્રમુખો હાજર રહ્યા હતા જ્યારે, ટાન્ઝાનિયા અને બુરુન્ડીના વડા ઉપસ્થિત રહ્યા ન હતા.