૭મી વખત નીરવ મોદીની જામીન અરજી ફગાવાઇ

Tuesday 27th October 2020 15:12 EDT
 
 

લંડનઃ વેસ્ટમિન્સ્ટર કોર્ટે ૨૬ ઓક્ટોબરે નીરવ મોદીની જામીન અરજી ફગાવી દીધી હતી. અત્યાર સુધીમાં આ સાતમી વખત નીરવ મોદીની જામીન અરજી ફગાવી દેવાઈ છે. ભારતમાં પંજાબ નેશનલ બેન્ક સાથે ૧૩,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની લોન છેતરપિંડી અને મની લોન્ડરિંગના મામલામાં તે ભાગેડુ છે. અગાઉ આ મહિનાની શરૂઆતમાં બ્રિટનની કોર્ટે પ્રત્યાર્પણની વધુ સુનાવણી ત્રણ નવેમ્બર પર મુલતવી રાખી હતી. નીરવ મોદી વારંવાર જામીન મેળવવા અરજી કરે છે.

જોકે આ વખતે પણ નીરવ મોદીને સફળતા મળી ન હતી. લંડન પોલીસે ગઈ ૧૯ માર્ચે નીરવ મોદીની ધરપકડ કરી હતી અને ત્યારથી તે લંડનની વેન્ડ્સવર્થ જેલમાં કેદ છે. ૨૦૧૮માં પીએનબી કૌભાંડમાં નામ જાહેર થયાના અમુક મહિના પહેલા જ તે ભારતથી નાસી ગયો હતો. ભારત સરકાર દ્વારા નીરવ મોદીના પ્રત્યાર્પણના દરેક શક્ય પ્રયાસો કરાઈ રહ્યાં છે જેથી જલદીથી તેને ભારત લાવી શકાય.

સીબીઆઈ, વિદેશ વ્યવહાર મંત્રાલય અને યુકેની ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસના શ્રેષ્ઠ સંકલનને લીધે નીરવ મોદીની જામીન અરજી વારંવાર નકારી દેવાતી હોવાનું સીબીઆઈના સિનિયર અધિકારીએ જણાવ્યું હતું.

જામીન મેળવવાના અગાઉના ચાર પ્રયાસોને લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટના ડિસ્ટ્રિક્ટ જજે ગયા વર્ષે ૨૦ માર્ચ, ૨૯ માર્ચ, ૮ મે અને ૬ નવેમ્બરે નકારી કાઢ્યા હતા. લંડનની હાઈ કોર્ટમાંથી જામીન મેળવવાના ૧૨ જૂન, ૨૦૧૯ અને ૫ માર્ચ, ૨૦૨૦ના રોજ કરેલા બે પ્રયાસ પણ નિષ્ફળ રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter