‘ટ્રોફી હન્ટિંગ’ આયાત પ્રતિબંધિત કરતા યુકેના કાયદાથી ટેક્સિડર્મિસ્ટોને ચિંતા

Tuesday 23rd May 2023 05:59 EDT
 
 

કેપટાઉન, લંડનઃ યુકે દ્વારા હન્ટિંગ ટ્રોફીઝની આયાત પર લગાવાયેલા પ્રતિબંધના કારણે સાઉથ આફ્રિકાના ટેક્સિડર્મિસ્ટો તેમના વેપારના ભવિષ્ય મુદ્દે ચિંતિત છે. 2018ના અભ્યાસ મુજબ ‘ટ્રોફી હન્ટિંગ’ સાઉથ આફ્રિકાના અર્થતંત્રમાં વાર્ષિક 340 મિલિયન ડોલરથી વધુનું યોગદાન આપે છે અને 17,000 નોકરીઓને સપોર્ટ કરે છે. દુર્લભ જાતિઓના પ્રાણીઓના રક્ષણમાં મદદના હેતુ સાથે પ્રાણી કર્મશીલો દ્વારા સ્પોન્સર આ કાયદો યુકેની પાર્લામેન્ટમાં માર્ચ મહિનામાં પસાર કરી દેવાયો છે. આ જ પ્રકારનો કાયદો સ્પેન, ઈટાલી અને બેલિજિયમ જેવા દેશો પણ વિચારી રહ્યા છે.

ધનવાન લોકોના દીવાનખાનાની દીવાલો પર મૃત પ્રાણીઓનાં મસ્તક ફિક્સ કરેલાં જોવાં મળે છે. પ્રાણીઓની ખાલમાં મસાલો વગેરે ભરી જીવતાં પ્રાણીઓના જેવા આકાર બનાવવાની પદ્ધતિ કે કળા ‘ટેક્સિડર્મી’ તરીકે ઓળખાય છે જે સાઉથ આફ્રિકામાં મોટો વેપાર છે. આ ઉપરાંત, જંગલોમાં મોજ ખાતર ‘ટ્રોફી હન્ટિંગ’ નામે ઓળખાતો શિકાર થતો હોય છે જે ગેરકાયદે હોય છે.

સાઉથ આફ્રિકામાં સંખ્યાબંધ ટેક્સિડર્મી વર્કશોપ્સમાં મૃત પ્રાણીઓના ખાલમાં મસાલા ભરાય છે. વિશ્વના અનેક મ્યુઝિયમ્સમાં પણ આ નમૂના જોવાં મળે છે.

આ વેપાર પર ગુજરાન ચલાવતા કારીગરો અને ટેક્સિડર્મી વર્કશોપ્સના માલિકોનું કહેવું છે કે વન્યજીવનનો ગેરકાયદે વેપાર થતો હોવાની અને દરેક પ્રાણીને ગેરકાયદે મારી નંખાતા હોવાની ભ્રમણા ફેલાવાય છે. આ બાબત સત્યથી વેગળી છે. જો આ વેપાર પર પ્રતિબંધ લાગશે તો બધા માટે જીવવું મુશ્કેલ બની જશે.

યુકેના નવા કાયદાને યુરોપિયન દેશાની બદલાતી માનસિકતાના આરંભ તરીકે જોવાઈ રહ્યો છે. સાઉથ આફ્રિકાની નેશનલ કાઉન્સિલ ઓફ સોસાયટીઝ ફોર પ્રીવેન્શન ઓફ ક્રુઆલિટી ટુ એનિમલ્સની પ્રવક્તા કેશવી નાયર જણાવે છે કે,‘નૈતિકતા અને સદાચારની વાત કરીએ તો પ્રાણીઓને માત્ર દીવાલો પર ટાંગવા માટે શિકાર કરવો તે પ્રશ્ન ઉઠાવવાને પાત્ર અને અનૈતિક છે.’ બીજી તરફ, ટીકાકારો કહે છે કે મોજ ખાતર જંગલી પ્રાણીઓને ઠાર કરવા તે ક્રૂરતા, વેડફાટ હોવા ઉપરાંત, દુર્લભ પ્રાણીઓને વિનાશ તરફ ધકેલે છે. હ્યુમેન સોસાયટી ઈન્ટરનેશનલના વાઈલ્ડલાઈફ એક્સપર્ટ ડો. મેથ્યુ સ્કર્ચ કહે છે કે યુકેનો કાયદો વિશ્વમાં સૌથી મોટા અને સર્વગ્રાહી પ્રતિબંધોમાં એક છે જેમાં હજારો પ્રાણીને આવરી લેવાયાં છે અને જ્યાં ‘ટ્રોફી હન્ટિંગ’ આયાત કાયદેસર છે તેવા બાકીના પશ્ચિમી જગત માટે ઉદાહરણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter