સંક્ષિપ્ત સમાચાર (પૂર્વ આફ્રિકા)

Tuesday 03rd November 2020 08:34 EST
 

• અમેરિકાના વાંધાથી ઓકોન્જોનું WTOના વડા બનવાનું વિલંબમાં

નાઈજીરિયાના ભૂતપૂર્વ ફાઈનાન્સ મિનિસ્ટર ન્ગોઝી ઓકોન્જો - આઈવિલાને ૨૮ ઓક્ટોબરે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) ના ૧૬૪ સભ્યોનું ભારે સમર્થન મળ્યું હતું. જોકે, અમેરિકાએ આ પદ માટે તેમના નામ પર મંજૂરી ન આપતા તેમની WTOના આગામી ડિરેક્ટર જનરલ બનવાની તકો ધૂંધળી થઈ હતી. અમેરિકાએ નવા ડિરેક્ટર જનરલ પસંદ કરવાની પ્રક્રિયા અંગે છેલ્લી ઘડીએ વાંધો ઉઠાવતા તેઓ જીત મેળવી શક્યા ન હતા. WTOના પ્રવક્તાએ જણાવ્યું કે તેમની ઉમેદવારીનો મુદ્દો ૯મી નવેમ્બરે મળનારી WTOની ગવર્નિંગ કાઉન્સિલ સમક્ષ મૂકાશે. તેમાં સભ્યોમાં સર્વાનુમતિ સધાય તે માટે વાટાઘાટોનું સૂચન કરવામાં આવશે. સાઉથ કોરિયાના તેમના હરિફ કરતાં પણ ન્ગોઝી ઓકોન્જો વધુ સમર્થન મળ્યું હતું. તેમને આફ્રિકન, કેરેબિયન ઈયુ દેશો, ચીન, જાપાન અને ઓસ્ટ્રેલિયાનું સમર્થન મળ્યું હતું.

• ટાન્ઝાનિયાના પ્રમુખ જહોન માગુફલી ફરી ચૂંટાયા

ટાન્ઝાનિયાના પ્રમુખ જહોન માગુફલી પ્રમુખપદની ચૂંટણીમાં ફરીથી જંગી બહુમતિ સાથે વિજેતા બન્યા હતા. જોકે, વિરોધપક્ષે માગુફલી ગેરરીતિ આચરીને વિજયી બન્યા હોવાનો દાવો કર્યો હતો. માગુફલીના મુખ્ય હરિફ ટુન્ડુ લીસ્સુએ જણાવ્યું કે ૨૮ ઓક્ટોબરે યોજાયેલી ચૂંટણીમાં તેમના પક્ષના એજન્ટોને મતદાન મથકો પર પ્રવેશતા અટકાવાયા હતા.જોકે, નેશનલ ઈલેક્ટોરલ કમિશન (NEC)એ ગેરરીતિ અથવા છેતરપિંડીના દાવાને ફગાવી દીધા હતા. NECએ જણાવ્યું હતું કે આખરી પરિણામ મુજબ પ્રમુખ માગુફલીને ૮૪ ટકા જ્યારે લીસ્સુને ૧૩ ટકા મત મળ્યા હતા. આ વખતે પ્રમુખપદની ચૂંટણીમાં ૧૫ ઉમેદવારો હતા. જોકે, માગુફૂલીને લીસ્સુ તરફથી પડકાર હતો.

    • ૯ મિલિયન રેડિયો ખરીદવા યુગાન્ડા સરકારને sh૩૩૬ બિલિયનની જરૂર

યુગાન્ડાના તમામ ઘરોને પરિવારો લોંગ ડિસ્ટન્સ લર્નિંગ અને અન્ય સુવિધાની સહાય માટે રેડિયો ખરીદવા સરકારે કુલ sh ૩૫૩.૮ બિલિયનની જોગવાઈ માટે સંસદમાં પૂરક બજેટ દરખાસ્ત મિનિસ્ટર ઓફ સ્ટેટ ઓફ ફોર પ્લાનિંગ ડેવિડ બહાતીએ સંસદની બજેટ કમિટી સમક્ષ કરી હતી. સંસદે ૨૦ ઓક્ટોબરે sh ૩.૭ ટ્રિલિયનના પૂરક બજેટના શીડ્યુલ ૧ અને શીડ્યુલ ૨ને મંજૂરી આપી તેના થોડા દિવસમાં શીડ્યુલ ૩ની માગણી કરાઈ હતી. તેમણે ઉમેર્યું કે યુગાન્ડાના ઘરો માટે ૯ મિલિયન રેડિયો ખરીદવા માટે sh ૩૩૬.૮૬ની જરૂર છે. કોવિડ-૧૯ને લીધે સ્કૂલો બંધ હોવાથી ડિસ્ટન્સ લર્નિંગ માટે તે જરૂરી છે.

• ઈથિયોપિયામાં માસ્ક પહેરવાનો ઈન્કાર કરનારને બે વર્ષ સુધીની જેલ

ઈથિયોપિયામાં કટોકટીની સ્થિતિ ઉઠાવી લેવાયા પછી લોકો બેદરકાર થઈ ગયા હોવાની ચિંતા વચ્ચે કોવિડ-૧૯ના સંક્રમણને અટકાવવાના હેતુથી મૂકાયેલા નિયંત્રણોનો ઈરાદાપૂર્વક ભંગ કરનારને બે વર્ષ સુધીની જેલ થશે તેમ એટર્ની જનરલની ઓફિસ દ્વારા જણાવાયું હતું. હાલ હાથ મિલાવવા પર પ્રતિબંધ છે. જાહેર સ્થળે માસ્ક પહેરવું અને બે વ્યક્તિઓ વચ્ચે બે ગજનું અંતર રાખવાનું ફરજિયાત છે. એક ટેબલ પર ત્રણથી વધુ લોકોને બેસવા પર મનાઈ છે. હેલ્થ મિનિસ્ટર લીયા ટેડેસીએ ટ્વીટમાં જણાવ્યું કે લોકો હાલ કોવિડ નથી તેવું માની રહ્યા છે અને કોઈ સંભાળ લેતા નથી. તેને લીધે સંભવિત રીતે કોવિડના સંક્રમણમાં વધારો થશે અને તેનાથી રાષ્ટ્ર સમક્ષ ખતરો ઉભો થઈ શકે.ગયા એપ્રિલમાં ઈથિયોપિયામાં કટોકટી લાગૂ કરાઈ હતી જે સપ્ટેમ્બરમાં ઉઠાવી લેવાઈ હતી.

• કટાક્વીમાં વિક્રમજનક ૧,૧૭૩ ટીનેજ છોકરીઓ ગર્ભવતી બની

છેલ્લાં સાત મહિનામાં કટાક્વી જિલ્લામાં વિક્રમજનક ૧,૧૭૩ ટીનેજ છોકરીઓ ગર્ભવતી બની હતી. જોકે, આ સંખ્યા વિવિધ સબ-કન્ટ્રીમાં રહેલા સહયોગીઓ અને કટાકવી જનરલ હોસ્પિટલમાંથી ડિસ્ટ્રિક્ટ પ્રોબેશન રિપોર્ટ દ્વારા એકત્ર કરાયેલા અહેવાલના ભાગરૂપ છે. કટાકવી ડિસ્ટ્રિક્ટ પ્રોબેશન અને વેલ્ફેર ઓફિસર બેટ્ટી એંગિરોએ જણાવ્યું કે મોટાભાગની છોકરીઓ અપર પ્રાઈમરી અથવા લોઅર સેકન્ડરીમાં અભ્યાસ કરે છે. તેમણે ઉમેર્યું કે છોકરીઓ જાતીય પ્રવૃત્તિ તરફ લલચાય છે તેનું મુખ્ય કારણ ગરીબી છે. ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટ ઓફ ચીલ્ડ્રન એટ રિસ્કના એક્ઝિક્યુટિવ ફ્રેડરિક અદુલાઈ ઓટિમે પેરન્ટ્સને લગ્ન પહેલાના જાતીય સંબંધના જોખમ વિશે બાળકોને વાકેફ કરવા અનુરોધ કર્યો હતો.

• કેન્યામાં પ્રાઈવેટ સ્કૂલોના ૫૫,૦૦૦ વિદ્યાર્થીઓનું ભાવિ અનિશ્ચિત

તાજેતરમાં પ્રાઈવેટ સ્કૂલો ખૂલી ન શકતાં ૫૫,૦૦૦ વિદ્યાર્થીઓનું ભાવિ અનિશ્ચિત બન્યું છે. હવે ગ્રેડ 4, સ્ટાન્ડર્ડ 8 અને ફોર્મ 4ના હજારો વિદ્યાર્થીઓ પબ્લિક સ્કૂલોમાં એડમિશન મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. જોકે, તેમાં તેમનો સમાવેશ થઈ શકશે કે નહીં તેની ચિંતા છે. અત્યાર સુધીમાં ૨૦૦ જેટલી પ્રાઈવેટ પ્રાઈમરી અને સેકન્ડરી સ્કૂલોના માલિકોએ સ્કૂલોના સ્થાને બિઝનેસ પ્રિમાઈસીસ બનાવ્યા છે અથવા તેના માલિકોને પાછી સોંપી દેતા બંધ થઈ ગઈ છે. કવાંગવેર ડેંગોરેટ્ટી નોર્થની વ્હીસલિંગ થોર્ન સ્કૂલે તેના ક્લાસરૂમ્સ ભાડાના મકાનોમાં ફેરવી દીધા હોવાથી વિદ્યાર્થીઓને એડમિશન માટે બીજી સ્કૂલોમાં જવું પડ્યું છે. કેન્યા પ્રાઈવેટ સ્કૂલ એસોસિએશનના ચીફ એક્ઝિક્યુટિવ પીટર ડોરોએ જણાવ્યું કે ૨૦૭ સ્કૂલો ફરી શરૂ થઈ ન હતી. આ સંખ્યા હજુ વધુ હોઈ શકે કારણ કે બધી સ્કૂલો એસોસિએશનની સભ્ય નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter