કેન્યાના પૂર્વ ડેપ્યુટી પ્રેસિડેન્ટ અને વિપક્ષી નેતા રિગાથી ગાચાગુઆએ રવિવાર, 25 જાન્યુઆરીની ચર્ચ સર્વિસમાં તેમની હત્યાનો પ્રયાસ કરાયાનો આક્ષેપ લગાવ્યો છે.ગાચાગુઆની 2024માં ઈમ્પીચમેન્ટ ટ્રાયલ પછી ડેપ્યુટી પ્રેસિડેન્ટ તરીકે હકાલપટ્ટી થઈ હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે ન્યેરીની સેન્ટ્રલ કાઉન્ટીના ઓથાયાના સેન્ટ પીટર્સ એંગ્લિકન ચર્ચમાં બંડખોર પોલીસ ઓફિસરોની ગેંગે બૂલેટ્સ અને ટીઅર ગેસના ઉપયોગ સાથે હુમલો કર્યો હતો. તેમણે તેમના પૂર્વ સાથી અને વર્તમાન પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ હુમલો કરાવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો, પરંતુ કોઈ પુરાવા આપ્યા ન હતા. પ્રેસિડેન્ટ રુટોએ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. કેન્યાના બંધારણ હેઠળ સેનેટ દ્વારા દોષી ઠરાલાયેલા ગાચાગુઆ ફરી જાહેર હોદ્દો મેળવી શકે તેમ નથી.
• યુગાન્ડામાં 2000 વિપક્ષી સમર્થકોની અટકાયતઃ
યુગાન્ડાના પ્રેસિડેન્ટ મુસેવેનીના પુત્ર અને મિલિટરી વડા મુહૂઝી કાઈનેરુગાબાએ જણાવ્યું છે કે ચૂંટણી પછી સત્તાવાળાઓએ 2000 વિપક્ષી સમર્થકોની અટકાયત કરી હતી અને 30ના મોત થયા હતા તેમજ વધુ તોફાનીઓની તલાશ જારી છે. સરકારે વિપક્ષી નેતા બોબી વાઈનના સમર્થકોએ ચૂંટણીઓ દરમિયાન હિંસા આચરી હોવાનો આક્ષેપ કર્યો છે જ્યારે વિરોધપક્ષોએ સુરક્ષા દળો દ્વારા તેમના સમર્થકો પર હુમલા કરાતા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. ચૂંટણીમા મુસેવેની સાતમી વખત વિજેતા નીવડ્યા છે ત્યારે બોબી વાઈને પરિણામો ફગાવી દીધા છે. વાઈને તેમના સેંકડો સમર્થકોની ગેરકાયદે અટકાયત કરાઈ હોવા ઉપરાંત, ધાકધમકી આચરવાનો પણ આક્ષેપ લગાવ્યો છે. એમ કહેવાય છે કે પ્રેસિડેન્ટ મુસેવેની તેમના પુત્ર મુહૂઝી કાઈનેરુગાબાને રાજકીય વારસદાર તરીકે તૈયાર કરી રહ્યા છે.
• કેન્યાની ચીનને નિકાસોમાં ઝીરો ડ્યૂટી સુવિધાઃ
કેન્યાએ ચીન સાથે પ્રાથમિક વેપાર સોદામાં ચીનને તેની લગભગ નિકાસો માટે ઝીરો ડ્યૂટી સુવિધા હાંસલ કરી છે. ઊંચા યુએસ ટેરિફ્સની અસરને સરભર કરવા સાથે કેન્યા-ચીનની વેપાર સમજૂતી ઈસ્ટ આફ્રિકન દેશના મબજારોને વૈવિધ્યપૂર્ણ બનાવશે તેમ ટ્રેડ મિનિસ્ટર લી કિન્યાન્જુઈએ જણાવ્યું છે. આ સમજૂતી હેઠળ કેન્યાના 98.2 ટકા માલસામાન ઈમ્પોર્ટ ટેક્સીસ વિના જ ચીનના બજારોમાં પ્રવેશ મેળવશે. મહત્ત્વપૂર્ણ કૃષિપેદાશો પર પણ ટેરિફ્સ નાબૂદ કરાયા છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પ દ્વારા ગત વર્ષે સમગ્ર વિશ્વના દેશો પર લદાયેલા ભારે ટેરિફ્સના પગલે ઘણા આફ્રિકન દેશોએ ચીન અને અન્ય દેશો તરફ વેપારી સંબંધો માટે નજર દોડાવી છે. સપ્ટેમ્બરમા આફ્રિકન એન્ડ ઓપોર્ચ્યુનિટી એક્ટ (AGOA) સમાપ્ત થયા પછી 32 આફ્રિકન દેશો માટે કાર, ક્લોધ્સ અને અન્ય આઈટમ્સ પર યુએસમાં ડ્યૂટી ફ્રી સુવિધા બંધ થઈ ગઈ છે.
• આફ્રિકન દેશોમાં ભારે વરસાદ અને પૂરથી સર્જાયેલી તારાજીઃ 200ના મોત
હરારે, માપુટો, જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકા, મોઝામ્બિક અને ઝિમ્બાબ્વેમાં મૂશળધાર વરસાદ અને ભારે પૂરના કારણે તારાજી ફેલાઈ છે. મોઝામ્બિકમાં સૌથી ખરાબ અસર થઈ છે અને 103 લોકોના મોત ઉપરાંત, 200,000થી વધુ લોકોના સ્થળાંતરની ફરજ પડી હતી. હજારો મકાનોને નુકસાન થયું છે તેમજ 173,000 એકર જમીનમાં મકાઈ અને ચોખા સહિતના પાકનો નાશ થયો હોવાનું વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના અહેવાલે જણાવ્યું હતું. માલાવી, ઝામ્બીઆ અને માડાગાસ્કરમાં પણ ભારે વરસાદથી તારાજી અને જાનહાનિના અહેવાલો છે.ઝિમ્બાબ્વેમાં ઓછામાં ઓછાં 70 લોકોના મોત નીપજ્યા હતા તેમજ 1,000થી વધુ ઘરને ભારે નુકસાન થયું હોવાનું સત્તાવાળાઓએ જણાવ્યું છે. શાળાઓ, માર્ગો અને પૂલ સહિતના ઈન્ફ્રાસ્ટક્ચર તૂટી પડ્યાં હતાં.સાઉથ આફ્રિકાના ઉત્તરમાં લિમ્પોપો અને મ્પુમાલાન્ગા પ્રાંતોમાં ભારે વરસાદ અઆને પૂરના કારણે 19 લોકોના મોત થયા હતા. લિમ્પોપોમાં થોડાં જ દિવસમાં 15 ઈંચથી વધુ વરસાદ પડવાથી 36થી વધુ ઘર નાશ પામ્યા હતા. સાઉથ આફ્રિકાના ક્રુગર નેશનલ પાર્કમાં આશરે 600 પર્યટકો અને કર્મચારીઓનું હેલિકોપ્ટર દ્વારા સ્થળાંતર કરાવાયું હતું. યુએસ ફેમિન અર્લી વોર્નિંગ સિસ્ટમ દ્વારા સાત આફ્રિકન દેશોમાં ભારે પૂરની ચેતવણી અપાઈ હતી.

