• કોંગોમાં નવી વાનર પ્રજાતિ શોધાઈ

આફ્રિકા – સંક્ષિપ્ત સમાચાર

Tuesday 21st July 2026 09:53 EDT
 
 

વિજ્ઞાનીઓએ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના રેઈનફોરેસ્ટમાં વાનરની નવી પ્રજાતિઓ ઓળખી કાઢી છે, જેમના મુખ અને નાકની આસપાસ હળવાં ઓરેન્જ-ક્રીમ રંગની ત્વચાના પેચીસ છે. ફ્લોરિડા એટલાન્ટિક યુનિવર્સિટીએ જણાવ્યા અનુસાર આફ્રિકામાં ગત 75 વર્ષના ગાળામાં આ નવી પાંચમી પ્રજાતિ ઓળખવામાં આવી છે. સ્થાનિક લોકોમાં ‘લિક્વેલી’ તરીકે ઓળખાતી આ પ્રજાતિને વિજ્ઞાનીઓએ કોલમ્બસ કોન્ગોએન્સિસ નામ આપ્યું છે. આ નવી પ્રજાતિની ગર્જનામાં ખાસ પડઘા પડતા અનુભવાય છે. દરમિયાન, સંશોધકોએ ચેતવણી પણ આપી છે કે આ પ્રજાતિની ઓછી વસ્તી અને રહેવાસનો નાનો વિસ્તાર તેના અસ્તિત્વને જોખમમાં મૂકી શકે છે. વિજ્ઞાનીઓએ આ વાનર પ્રજાતિના રક્ષણ માટે ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેઝન ઓફ નેચર સમક્ષ રજૂઆત કરી તેને ખતરા હેઠળનું વર્ગીકરણ કરવા જણાવ્યું છે.

નાઈજિરિયાનો 552 મિલિયન ડોલરનો શૈક્ષણિક પ્રોગ્રામઃ

નાઈજિરિયાએ વિશ્વ બેન્ક અને ગ્લોબલ પાર્ટનરશિપ ફોર એજ્યુકેશનના સહિયારા ફાઈનાન્સિંગ થકી 552 મિલિયન ડોલરનો હેઝિક એજ્યુકેશન પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. આ HOPE-EDU પ્રોગ્રામ હેઠળ જ્ઞાનપ્રાપ્તિના પરિણામો સુધારવા, શાળાશિક્ષણની સુવિધા સુલભ બનાવવા અને શિક્ષણપદ્ધતિને મજબૂત બનાવવાની કામગીરી હાથ ધરાશે. આ પ્રોગ્રામથી આશરે 29 મિલિયન બાળકો, 500,000થી વધુ શિક્ષકો, 65,000 પબ્લિક સ્કૂલ્સ અને દેશભરના 10,000 બિનસત્તાવાર શિક્ષણકેન્દ્રોને લાભ મળશે. આ પ્રોગ્રામ ગરીબી નિવારણ, માનવમૂડી વિકાસ, કોમ્યુનિટી વિકાસ અને આરોગ્યયસંભાળને મજબૂત બનાવવાના અમલી કરાયેલા પાંચ ઈનિશિયેટિવ્ઝમાં એક છે. નાઈજિરિયાના પ્રમુખ બોલા અહેમદ ટિનુબુએ 2023માં સત્તા સંભાળ્યા પછી મોટા પાયે આર્થિક સુધારાઓ હાથ ધર્યા છે અને જાન્યુઆરીમાં ફરી ચૂંટાઈ આવવા ઉત્સુક છે.

બેસિગ્યે સામે દેશદ્રોહ ટ્રાયલનો માર્ગ મોકળોઃ

યુગાન્ડાની હાઈ કોર્ટ ક્રિમિનલ ડિવિઝને દેશદ્રોહના આરોપો ફગાવી કેસની કાર્યવાહી બંધ કરવાની ડો. કિઝા બેસિગ્યે અને હાજી ઓબૈદ લુટાલેની અરજીઓ ફગાવી દેતા તેમની સામે 13 જુલાઈ 2026થી ખટલો શરૂ કરવાનો માર્ગ મોકળો બન્યો છે. જસ્ટિસ એમાન્યુએલ બાગુમાએ કેસ કાર્યવાહી બંધ કરવાની અરજીને અક્ષમ અને ક્રિમિનલ કેસને વિલંબિત કરવાના ઈરાદાસરની હોવાનું જણાવ્યું હતું. બેસિગ્યે અને લુટાલેએ આક્ષેપ કર્યો હતો કે યુગાન્ડાના સુરક્ષા કર્મચારીઓએ તેમનું નાઈરોબીમાંથી ગેરકાયદે અપહરણ કર્યું હતું અને મિલિટરી બેરેક્સમાં ગોંધી રાખ્યા હતા. આ ચુકાદાનો અર્થ એ થાય છે કે બેસિગ્યે, લુટાલે અને UPDF કેપ્ટન ડેનિસ ઉલા વિરુદ્ધ દેશદ્રોહના આરોપસર કાર્યવાહી ચલાવાશે.

ઈયુ દ્વારા સુદાનના સોનાની આયાત પર પ્રતિબંધઃ

 યુરોપિયન યુનિયને સુદાનના આંતરવિગ્રહ માટે ચાવીરૂપ નાણાકીય આવકનો સ્રોત બંધ કરી દેવાના પગલાં તરીકે સુદાન પાસેથી સોનાની ખરીદી, આયાત અને ટ્રાન્સફર તેમજ ગોલ્ડ માઈનિંગમાં ઉપયોગમાં લેવાતી ધાતુ મરક્યુરી અને સાઈનાઈડની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે. સુદાનીઝ આર્મી અને રેપિડ સપોર્ટ ફોર્સીસ વચ્ચે એપ્રિલ 2023થી ચાલી રહેલા ભારે સંઘર્ષના કારણે 14 મિલિયનથી વધુ લોકો વિસ્થાપિત થયા છે અને 28 મિલિયનથી વધુ લોકો તીવ્ર ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. ઈયુના જણાવ્યા મુજબ સુદાનનું મોટા ભાગનું સોનુ દાણચોરીથી પડોશી દેશોમાં અને ત્યાંથી વિશ્વ વેપારકેન્દ્રોમાં પહોંચે છે. આ દાણચોરીથી યુદ્ધરત પક્ષોને નાણા મળે છે.

કેન્યા કોર્ટે ગાંજાનું ધાર્મિકવિધિમાં મહત્ત્વ નકાર્યુંઃ

કેન્યાની હાઈ કોર્ટે રાસ્તાફેરિઅન્સ લોકોની ધાર્મિક પૂજાવિધિઓના ભાગરૂપે ગાંજો-કેનાબિસ (ભાંગ) ફૂંકવા દેવાની માગણીને ફગાવી દીધી છે. રાસ્તાફારી સોસાયટી ઓફ કેન્યાના સભ્યો લગભગ છ વર્ષથી કેન્યાના અદાલતોમાં ધાર્મિક સ્વાતંત્ર્યના અધિકારોને આગળ ધરી ભાંગના ઉપયોગની માંગણીને આગળ વધારી રહ્યા છે. કેન્યામાં ભાંગ-ગાંજા પર પ્રતિબંધ છે ત્યારે રાસ્તાફેરિઅન્સ તેને કાયદેસર બનાવવાની માગણી કરતા નથી, પરંતુ ખાનગી ઘરો અને પૂજાસ્થળોમાં તેના ઉપયોગની છૂટ આપવામાં આવે તેવી દલીલ કરે છે. ભાંગ મોજમજાની ડ્રગ નથી, પરંતુ ધ્યાન અને આધ્યાત્મિક ચિંતનમાં મદદ કરવા પવિત્ર ઉપયોગની સામગ્રી હોવાની દલીલોને કોર્ટે ફગાવી દીધી છે. કેન્યાના કાયદા હેઠળ ભાંગ રાખવી ક્રિમિનલ ગુનો છે અને તે માટે 10 વર્ષની જેલ અને ભારે દંડ થઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter