નાઈજીરિયાના ઉત્તરી નાઈજર રાજ્યમાં હિંસાની ભયાનક ઘટનામાં હથિયારોથી સજ્જ બંદૂકધારીઓએ 3 જાન્યુઆરી શનિવારે બોરગુ સ્થાનિક ક્ષેત્રના કસુવાન-દાજી ગામ પર હુમલો કરી ઓછામાં ઓછા 30 ગ્રામજનોને મોતને ઘાટ ઉતારી મહિલાઓ અને બાળકો સહિત અનેક લોકોનું અપહરણ કર્યું હતું. પોલીસે જણાવ્યા મુજબ હુમલાખોરો અચાનક ત્રાટક્યા હતા અને રહેવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. ગામના સ્થાનિક બજાર અને અનેક ઘરોને પણ આગ લગાડી દીધી હતી. આ વિસ્તારમાં લાંબા સમયથી ગુનાખોરી અને સશસ્ત્ર જૂથોની હિંસા ચાલે છે. નાઈજર રાજ્ય પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળો તૈનાત કરાયા સાથે અપહ્યત લોકોની શોધખોળ માટે અભિયાન શરૂ કરાયું હતું.
• ટાન્ઝાનિયામાં કિલિમાન્જારો પર્વત પર હેલિકોપ્ટર તૂટી પડતા 5ના મોત
પૂર્વ આફ્રિકન દેશ ટાન્ઝાનિયામાં માઉન્ટ કિલિમાન્જારો પર એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં પાંચ વ્યક્તિના મોત નીપજ્યા હતા. ટાન્ઝાનિયાના નાગરિક ઉડ્ડયન સત્તામંડળે ગુરુવાર, 25 ડિસેમ્બરે આપેલી જાણકારી મુજબ મેડિકલ ઈમરજન્સી સ્થિતિમાં પર્વતારોહકોને બહાર કાઢવાના મિશન પર પહોંચેલું હેલિકોપ્ટર બુધવાર 24 ડિસેમ્બરે બારાફુ કેમ્પ પાસે તૂટી પડતાં દુર્ઘટના ઘટી હતી. મૃતકોમાં પાઇલટ, ડોક્ટર, પર્વત માર્ગદર્શક અને બે વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થયો હતો.
• બ્રિટિશ સૈનિકના જામીન નકારાયા
21 વર્ષીય કેન્યન મહિલા એગ્નેસ વાન્જિરુની 2012માં કરાયેલી હત્યાના કેસમાં વોન્ટેડ પૂર્વ બ્રિટિશ સૈનિક રોબર્ટ જેમ્સ પર્કિસના જામીન લંડન હાઈ કોર્ટ દ્વારા બીજી વખત નકારાયા હતા. તેની ગત નવેમ્બરમાં ધરપકડ કરાઈ હતી અને કેન્યામાં તેનું પ્રત્યર્પણ કરવાનો કેસ ચાલી રહ્યો છે. અગાઉ વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટે 15,000 પાઉન્ડ સિક્યુરિટી ફીની ઓફર કરાવા છતાં પર્કિસના જામીન મંજૂર કર્યા ન હતા. રોબર્ટ જેમ્સ પર્કિસ 2012ની શરૂઆતમાં કેન્યામાં 6 સપ્તાહના ટ્રેનિંગ કવાયત માટે ગયો હતો. કેન્યાના નાન્યુકી ટાઉનની લાયન્સ કોર્ટ હોટેલમાં તેણે ભારે શરાબ પીધો હતો. આ પછી, વાન્જિરુનો મૃતદેહ પેટમાં છરીના સંખ્યાબંધ ઘા સાથે સેપ્ટિક ટેન્ક નજીક મળી આવ્યો હતો. પર્કિસે વાન્જિરુને કદી મળ્યાનું નકારી બૃતેની હત્યાનો ઈનકાર કર્યો હતો.

