અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટા પાયા પર વિદેશોને સહાયમાં કાપ મૂક્યા પછી પણ નાઈજિરિયાને ભૂખમરા સામે લડવા 32.5 મિલિયન ડોલરની અમેરિકી સહાય મંજૂર કરવામાં આવી છે. નાઈજિરિયામાં યુએસ મિશનના જણાવ્યા મુજબ આ સહાયથી સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં આંતરિક વિસ્થાપિત 41,569 સગર્ભા અને ધાવણ આપતી માતાઓ તેમજ 43,235 બાળકો સહિત આશરે 764,205 લોકોને અન્નસહાય અને પોષણના સપોર્ટનો લાભ મળશે.
અસુરક્ષા અને ભંડોળમાં કાપના પરિણામે ઉત્તર નાઈજિરિયાના 1.3 મિલિયનથી વધુ લોકો અભૂતપૂર્વ ભૂખમરાની કટોકટીમાં છે અને બોર્નો રાજ્યમાં 150 ન્યુટ્રિશન ક્લિનિક્સ બંધ કરવાની ફરજ પડી છે. યુએસ અને અન્ય દેશો દ્વારા ભંડોળમાં કાપ મૂકાયા પછી વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ દ્વારા જુલાઈમાં કટોકટીગ્રસ્ત વેસ્ટ અને સેન્ટ્રલ આફ્રિકન દેશોને અન્નસહાય બંધ કરી હતી. મોટા ભાગના અસરગ્રસ્ત દેશોને સપ્ટેમ્બર મહિના સુધી આપી શકાય તેટલો અનાજનો સ્ટોક રહ્યો હતો.
• યુગાન્ડાના વિપક્ષી નેતા બેસિગ્યેનો ટ્રાયલ બહિષ્કારઃ
યુગાન્ડામાં દેશદ્રોહના આરોપોનો સામનો કરી રહેલા 69 વર્ષીય વિપક્ષી નેતા ડો. કિઝા બેસિગ્યેએ ટ્રાયલ જજ એમાન્યુએલ બાગુમા પક્ષપાતી હોવાનું જણાવી તેમની સામે શરૂ થનારી ટ્રાયલનો બહિષ્કાર કર્યો છે. જજ બાગુમાએ ટ્રાયલમાંથી ખસી જવાનું નકારતા ડો. બેસિગ્યે અને તેમના સહાયક ઓબેડ લૂટાલેએ ખટલાની કાર્યવાહીમાં હાજરી નહિ આપવાનો નિર્ણય લીધો હતો. અગાઉ આ કેસ મિલિટરી કોર્ટ હસ્તક હતો જે હવે સિવિલિયન કોર્ટને સુપરત કરાયો છે. મહિનાઓના વિલંબ પછી સોમવાર 1 સપ્ટેમ્બરે ટ્રાયલ શરૂ થવાની હતી, પરંતુ તે ફરી ખોરંભે પડી છે. પ્રેસિડેન્ટ મુસેવેનીના પૂર્વ સાથી અને અંગત તબીબ ડો. કિઝા બેસિગ્યે પ્રેસિડેન્ટ વિરુદ્ધ ચાર ચૂંટણીઓ લડી પરાજિત થયા છે. તેઓ 2026ની ચૂંટણી લડશે કે નહિ તેની સ્પષ્ટતા હજુ થઈ નથી.
• સુદાનના ડારફૂરમાં જમીનો ધસવાથી પડતાં 1000ના મોતની આશંકાઃ
આંતરવિગ્રહમાં ફસાયેલા સુદાનના ડારફૂર પ્રાંતની વર્લ્ડ હેરિટેજ સાઈટ મારાહ માઉન્ટેઈન્સ વિસ્તારમાં ગત રવિવારથી 36 કલાકથી વધુ મૂશળધાર વરસાદ અને જમીનો ધસી પડવાથી અંતરિયાળ ટારાસિન ગામ તહસનહસ થઈ ગયું છે અને સુદાન લિબરેશન મૂવમેન્ટ અનુસાર 1000થી વધુ લોકોના મોતની આશંકા સેવાય છે. અત્યાર સુધી મળી આવેલા 375 મૃતદેહની દફનવિધિ કરી દેવાઈ છે. યુએનના જણાવ્યા મુજબ આફતની વ્યાપકતા હજુ સ્પષ્ટ નથી ત્યારે સમગ્ર કોમ્યુનિટી અદૃશ્ય થઈ ગઈ હોવાનો ભય ફેલાયો છે. આ ઉપરાંત, 5000થી વધુ પશુઓ ખતમ થઈ ગયા છે અને ખેતીની જમીનોને ભારે નુકસાન પહોંચ્યું છે.
• રવાન્ડામાં બાળ ગોરીલાઓનું નામકરણઃ
રવાન્ડામાં બાળ ગોરીલાઓનું નામકરણ કરવાના ક્વિટા ઈઝિના સમારંભની 20મી આવૃત્તિ ધામધૂમથી ઊજવાશે જેમાં ભાગ લેનારી ઓછામાં ઓછી 25 સેલેબ્રિટીઝમાં ટિકટોક સ્ટાર અને કન્ટેન્ટ ક્રીએટર ખાબાને લામેનો પણ સમાવેશ થશે. આ વર્ષે 2024માં જન્મેલા 18 ગોરીલા સહિત 40 બાળ માઉન્ટેઈન ગોરીલાઓનું નામકરણ કરાશે. રવાન્ડામાં મારબર્ગ વાઈરસ ફાટી નીકળવાના કારણે 2024નો સમારંભ મુલતવી રાખવાની નફરજ પડી હતી. આ નામકરણ પરંપરા 2005થી શરૂ કરાઈ છે અને અત્યાર સુધી આશરે 400 બાળ ગોરીલાઓનું નામકરણ કરાયું છે.