લાગોસઃ સાઉથ આફ્રિકાના પૂર્વ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયન ઝોલાની ટેટેની ઈસ્ટર્ન કેપ પ્રોવિન્સના એમ્ડાન્સેન ટાઉનશિપસ્થિત તેના ઘરની બહાર બે સશસ્ત્ર માણસો દ્વારા શુક્રવાર 21 ઓગસ્ટે ગોળીઓ મારી હત્યા કરવામાં આવી હતી. ટેટેની હત્યા સાથે સાઉથ આફ્રિકામાં હિંસક અપરાધો તરફ નવેસરથી ધ્યાન ખેંચાયું છે. ટેટેની સાથે પ્રવાસ કરી રહેલી 27 વર્ષીય મહિલા પર પણ ગોળીઓ ચલાવાઈ હતી અને તેને હોસ્પિટલ લઈ જવાઈ હતી. ટેટેએ 2014માં કોબે ખાતે જાપાનના ટેઈરુ કિનોશિટાને હરાવી IBF જુનિયર- બન્ટામવેઈટ વર્લ્ડ ટાઈટલ મેળવ્યું હતું. તેણે પાછળથી WBO બન્ટામવેઈટ ક્રાઉન હાંસલ કર્યો હતો. નવેમ્બર 2017માં બેલફાસ્ટ ખાતે તેણે માત્ર 11 સેકન્ડમાં સાઉથ આફ્રિકન સાથી સિબોનિસો ગોન્યાને નોકઆઉટથી પછાડ્યો હતો, જે વર્લ્ડ ટાઈટલ ફાઈટમાં સૌથી ઝડપી નોકઆઉટ ગણાય છે.
• ઝિમ્બાબ્વે બોટ અકસ્માતમાં 97ના મોત
હરારેઃ ઝિમ્બાબ્વેના વિશાળ લેક કારિબા ખાતે રુરલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એજન્સી (RIDA)ની બોટ ઉંધી વળવાની દુર્ઘટનામાં 20 ઓગસ્ટે વધુ બે મૃતદેહ મળી આવવા સાથે મૃત્યુઆંક વધીને 97 થયો છે. આ દુર્ઘટના 11 ઓગસ્ટે થઈ હતી, જ્યારે બોટ ગામવાસીઓ અને વેપારીઓને લઈ કારિબાથી ચાલાલા જઈ રહી હતી. સરકારે આ દુર્ઘટના માટે બોટના કેપ્ટનને જવાબદાર ગણાવ્યો છે જેણે હવામાન વિભાગની સરોવરમાં વહાણ નહિ ચલાવવાની સલાહને અવગણી હતી. જોકે, અકસ્માતના કારણોની તપાસ ચાલી રહી છે. RIDAની બોટમાં કેટલા લોકો પ્રવાસ કરી રહ્યા હતા તેનો ચોક્કસ આંકડો મળતો નથી.
• યુએસ દ્વારા ચાર આફ્રિકી દેશો માટે સંરક્ષિત સ્ટેટસ રદઃ
નાઈરોબીઃ યુએસ ફેડરલ કોર્ટના ચુકાદાએ ચાર આફ્રિકન દેશો કેમેરુન, ઈથિયોપિયા, સોમાલિયા અને સાઉથ સુદાનના નાગરિકોને અપાયેલા ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ (TPS) નો અંત લાવવા ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનનો માર્ગ મોકળો બનાવ્યો છે. ટ્રમ્પતંત્ર માનવતાવાદી ઈમિગ્રેશન પ્રોગ્રામનો ધીરેધીરે વીંટો વાળી રહ્યું છે. આ દેશોના નાગરિકો અન્ય કોઈ માન્ય ઈમિગ્રેશન સ્ટેટસ નહિ હોય તો ડિપોર્ટેશન સામે રક્ષણ મેળવી નહિ શકે અને રોજગારનો પણ અંત આવશે. TPS પ્રોગ્રામ અન્વયે યુએસમાં રહેલા વિદેશી નાગરિકો તેમના વતનના દેશમાં સશસ્ત્ર સંઘર્ષ, પર્યાવરણીય આફતો અથવા અસાધારણ સંજોગો સહિતની ખરાબ પરિસ્થિતિના કારણે પરત જઈ શકે તેમ ન હોય તો યુએસમાં રહેવા અને કાયદેસર રહેવાની છૂટ મેળવતા હતા.
• કેન્યામાં હેલિકોપ્ટર તૂટી પડતાં 7ના મોતઃ
નાઈરોબીઃ કેન્યાના માઉન્ટ ઓલોલોક્વે નજીક પ્રવાસી મહેમાનોને લઈ જતું સફારી હેલિકોપ્ટર સામ્બુરુ કાઉન્ટીમાં તૂટી પડવાથી પાઈલોટ સહિત સાત પ્રવાસીના મોત નીપજ્યા હતા. મૃતકોમાં ઈક્વેડોરના ઈન્ટેલિજન્સ વડા તેમજ અમેરિકાના પાંચ નાગરિક હોવાને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે સમર્થન આપ્યું હતું. કેન્યા સિવિલ એવિએશન ઓથોરિટીએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટર 20 ઓગસ્ટની સવારે લોઈસાબાની વાઈલ્ડલાઈફ સેન્ક્ચ્યુરીથી એવાસો ન્યિરો તરફ જઈ રહ્યું હતું ત્યારે તૂટી પડ્યું હતું. હેલિકોપ્ટરના કાટમાળમાં ફસાઈ ગયેલા ત્રણ મૃત પ્રવાસીના દેહોને બહાર લવાયા હતા. અકસ્માતનું કારણ જાણવા બ્લેક બોક્સની શોધખોળ કરાઈ રહી છે.
• કેન્યાના પૂર્વ ડેપ્યુટી પ્રેસિડેન્ટે ઈમ્પીચમેન્ટને પડકાર્યુંઃ
નાઈરોબીઃ કેન્યાના પૂર્વ ડેપ્યુટી પ્રેસિડેન્ટ રિગાથી ગાચાગુઆએ તેમના ઈમ્પીચમેન્ટને માન્ય ઠરાવતા હાઈ કોર્ટના ચુકાદાને કોર્ટ ઓફ અપીલમાં પડકાર્યો છે. તેમણે દલીલ કરી હતી કે તેમના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન થયું હોવાં છતાં તેમને દૂર કરવાનો નિર્ણય પાછો ખેંચી શકાય નહિ તેવા ત્રણ જજની બેન્ચ દ્વારા અપાયેલો ચુકાદો ભૂલભરેલો છે. ગાચાગુઆએ જણાવ્યું હતું કે ઈમ્પીચમેન્ટ પ્રક્રિયાએ ન્યાયી સુનાવણી અને અર્થપૂર્ણ જાહેર ભાગ લેવાના તેમના અધિકારનો ભંગ કર્યો છે. કોર્ટે ડેપ્યુટી પ્રેસિડેન્ટને દૂર કરવાની બંધારણીય પ્રક્રિયાનું ખોટું અર્થઘટન કર્યું હોવાનું જણાવવા સાથે ગાચાગુઆએ તેમના અનુગામી તરીકે કિથુરે કિન્ડકીની નિયુક્તિને પણ પડકારી છે. તેમણે ઓક્ટોબર 2024ના સેનેટના ઈમ્પીચમેન્ટ ઠરાવને ગેરબંધારણીય અને રદ ઠરાવી કોર્ટના રેકોર્ડ્સમાં સુધારો કરવાની માગણી કરી છે.
• ટાન્ઝાનિયા ઈન્વેસ્ટમેન્ટ આકર્ષવા 1000 કાયદા સુધારશેઃ
દારેસ્સલામઃ ટાન્ઝાનિયા સરકારે ઈન્વેસ્ટમેન્ટ આકર્ષવા 1000થી વધુ કાયદા સુધારવાની કવાયત હાથ ધરી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડિજિટલ કોમર્સ અને ટેકનોલોજી આધારિત ઈન્વેસ્ટને સપોર્ટ કરવાની ક્ષમતા ધરાવતું રેગ્યુલેટરી માળખું તૈયાર કરવા કાયદાઓની સમીક્ષા કરાશે. આ રિવ્યૂમાં ડિજિટલ નાણાકીય વ્યવહારો, ઈ-કોમર્સ,, કંપનીઓ અને પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ્સનું નિયંત્રણ ધરાવતા કાયદાઓને આવરી લેવાશે. બિઝનેસીસ દ્વારા તેમના કાર્યો અને સર્વિસીસ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર લઈ જવાનું સતત વધી રહ્યું છે તેને ધ્યાનમાં લઈ ઈન્વેસ્ટર્સને વધુ ચોકસાઈ સાંપડે તેમ કરવામાં આવશે. કાયદાઓ ટેકનોલોજિકલ પ્રગતિ અને બદલાતા બિઝનેસ મોડેલ્સને સુસંગત રહે તેની ચોકસાઈ માટે આ સુધારાઓ કરાઈ રહ્યા છે.
• ઝામ્બીઆના વિપક્ષી નેતા ચૂંટણી પરિણામને પડકારશેઃ
લુસાકાઃ ઝામ્બીઆના વિપક્ષી નેતા અને પ્રમુખપદની ચૂંટણીમાં ઉમેદવાર બ્રિઆન મુન્ડુબાઈલે દેશમાં 13 ઓગસ્ટની પ્રમુખપદની ચૂંટણીના પરિણામને કોર્ટમાં પડકારવાની જાહેરાત કરી છે. તેમણે મતદાનમાં છેતરપીંડી કરાઈ હોવાનો આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે તેમના કેમ્પેઈનમાં ગંભીર ગેરરીતિઓ, વિસંગતતા તેમજ ચૂંટણીના સંચાલન, મતગણતરી, ટ્રાન્સમિશન અને પરિણામોની જાહેરાત બાબતે દસ્તાવેજીકરણ કરાયું છે. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં પ્રેસિડેન્ટ હાકાઈન્ડે હિશિલેમા આશરે 60 ટકા મત સાથે બીજી મુદત માટે ચૂંટાઈ આવ્યા છે, જ્યારે બ્રિઆન મુન્ડુબાઈલને 38 ટકા મત મળ્યા હતા. યુરોપિયન યુનિયનના ઈલેક્શન ઓબ્ઝર્વરમિશને પણ ચૂંટણીની પારદર્શિતા સંદર્ભે કેટલીક ચિંતા દર્શાવી હતી..


