માપુટોઃ મોઝામ્બિકના બેઈરા બંદર પાસે 14 ભારતીયોને લઈ જતી એક બોટ પલટી જવાની દુર્ઘટનામાં ત્રણના મોત થયા છે અને પાંચ લોકો ગુમ થયા છે. સ્થાનિક તંત્ર સાથે સતત સંપર્કમાં રહેલા ભારતીય હાઈ કમિશને જણાવ્યું હતું કે પરિસ્થિતિ પર નજર રખાઈ રહી છે. અત્યાર સુધીમાં પાંચ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે અને એકની સારવાર ચાલે છે. પ્રાથમિક માહિતી મુજબ તેમની હાલત સ્થિર છે. મોઝામ્બિક નૌકાદળ અને સ્થાનિક માછીમારો બચાવ કામગીરી અને લાપતા લોકોને શોધખોળમાં જોડાયા છે. અકસ્માતનું કારણ સ્પષ્ટ નથી, પરંતુ બોટ પલટાવા માટે ખરાબ હવામાન અને ઊંચા મોજાં કારણભૂત હોઈ શકે.
• આફ્રિકાને કરચોરી, મનીલોન્ડરિંગથી $88 બિલિયનનું નુકસાનઃ
ધ આફ્રિકન યુનિયન (AU)ના રિપોર્ટ અનુસાર આફ્રિકાને દર વર્ષે કરચોરી, મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારથી ગેરકાયદે નાણાપ્રવાહથી 88 બિલિયન અમેરિકી ડોલરનું નુકસાન થાય છે. આ રકમ 2015માં 50 બિલિયન અમેરિકી ડોલરની હતી. નુકસાનીની આ રકમના કારણે સરકારોને હેલ્થકેર, એજ્યુકેશન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવી જાહેર સેવાઓ પરના ખર્ચો પર કાપ મૂકવો પડે છે. ડિજિટલ કોર્પોરેશનો અને કોમોડિટી ટ્રેડર્સ તેમનો નફો ટેક્સ હેવન્સમાં મોકલે છે તેમજ ભ્રષ્ટાચારીઓ બેનામી ઓફશોર એકાઉન્ટ્સમાં નાણા છુપાવે છે.

