યુએસ વાઈસ પ્રેસિડેન્ટ જેડી વાન્સ નવેમ્બરના અંત ભાગમાં કેન્યાની મુલાકાત લેવાના હતા તે પ્રવાસ રદ કરાયો હોવાનું કેન્યા સરકારે જણાવ્યું છે. સાઉથ આફ્રિકામાં G20 બેઠકમાં વાન્સ હાજરી આપવાના હતા, પરંતુ પ્રેસિડેન્ટ ટ્રમ્પે G20 શિખર પરિષદમાં અમેરિકા હાજરી નહિ આપે તેવી જાહેરાત કર્યા પછી વાન્સનો પ્રવાસ રદ થયો છે. વાન્સ 22-23 નવેમ્બરે G20માં હાજરી આપ્યા પછી 24થી 27 નવેમ્બર સુધી કેન્યાની મુલાકાત લેવાના હતા. કેન્યા આ વર્ષના અંત સુધીમાં યુએસ સાથે વેપાર સમજૂતી કરી લેવાય તેમ ઈચ્છે છે. યુએસ દ્વારા કેન્યાને 2024માં મહત્ત્વના બિન-નાટો સાથીદેશનો દરજ્જો અપાયો હતો, પરંતુ કેન્યાએ ચીન સાથે ગાઢ સંબંધો વધાર્યા પછી અમેરિકી અધિકારીઓમાં નારાજગી વધી છે.
• આફ્રિકામાં ડેંગ્યુ અને કોલેરાનો રોગચાળો ફેલાયોઃ
આફ્રિકા ખંડમાં 25 વર્ષ પછી કોલેરાનો રોગચાળો સૌથી ખરાબ પ્રમાણમાં ફેલાયો હોવાનું આફ્રિકા CDCએ જણાવ્યું છે. કોલેરાના 300,000 શંકાસ્પદ કેસ અને 7000ના મોત થયાં છે જે ગત વર્ષ કરતાં 30 ટકાથી વધુ હોવાનું જણાવી CDCએ આ માટે પીવાનાં શુદ્ધ પાણીની નબળી વોટર સિસ્ટમ્સ અને સંઘર્ષોને જવાબદાર ઠેરવ્યાં છે. સુદાનમાં ડેંગ્યુ અને કોલેરાનો પ્રકોપ વધ્યો છે. અંગોલા અને બુરુન્ડીમાં પણ કોલેરાના કેસીસ વધ્યા છે જ્યારે કોંગો, સાઉથ સુદાન અને સોમાલિયામાં કોલેરાનું જોર ઘટ્યું છે. આ ઉપરાંત, કેન્યા, ગિની, લાઈબેરિયા અને ઘાના સહિતના દેશોમાં Mpox રોગચાળાનું પ્રમાણ ચિંતાજનક છે. ઈથિયોપિયાના ઓમો વિસ્તારમાં મારબર્ગ વાઈરસના નવ કેસને સરકારે સમર્થન આપ્યું છે.
• સાઉથ આફ્રિકા યુએસની ‘ખાલી ખુરશી’ને અધ્યક્ષપદ સોંપશેઃ
યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉથ આફ્રિકામાં 22-23 નવેમ્બરે યોજાનારી G20 શિખર પરિષદમાં પ્રતિનિધિ મોકલવાનું નકાર્યા પછી વર્તમાન અધ્યક્ષ સાઉથ આફ્રિકા G20નું આગામી અધ્યક્ષપદ પ્રતીકાત્મક રૂપે યુએસની ‘ખાલી ખુરશી’ને સોંપશે. સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ સીરિલ રામફોસાએ આની જાહેરાત કરી યુએસ સાથે વેપારી સંબંધો સુધારવા પર ભાર મૂક્યો હતો. સાઉથ આફ્રિકામાં વ્હાઈટ આફ્રિકન્સ સામે અત્યાચાર અને જમીનો જપ્ત કરવા ઉપરાંત, તેમના માનવ અધિકારોનું ઉલ્લંઘન કરાતું હોવાના આક્ષેપો સાથે ટ્રમ્પે G20 શિખર પરિષદમાં ભાગ નહિ લેવાની જાહેરાત કરી હતી. જોકે, રામફોસાએ આક્ષેપો ફગાવી દીધા છે અને શ્વેત આફ્રિકનોએ પણ તેમની સાથે ભેદભાવ કરાતો હોવાનું નકાર્યું છે.
• ટાન્ઝાનિયા ચૂંટણીહિંસાની તપાસ કરાવશેઃ
ટાન્ઝાનિયાના નવા ચૂંટાયેલા પ્રેસિડેન્ટ સામીઆ સુલુહુ હાસને 29 ઓક્ટોબરની ચૂંટણી દરમિયાન હિંસામાં તપાસ કમિશન નીમવાની ખાતરી ઉચ્ચારી છે. ચૂંટણી સામે વિરોધ પ્રદર્શનોમાં 1000થી વધુ લોકોના મોત થયાના મુખ્ય વિપક્ષ ચાડેમાના આક્ષેપો નકારતાં હાસને કેટલાકના મોત થયાનું સ્વીકાર્યું હતું તેમજ શાંતિ અને સમાધાન માટે સરકાર ઈન્ક્વાયરી કમિશન નીમશે તેમ જણાવ્યું હતું. તેમણે પાર્લામેન્ટમાં પ્રથમ સંબોધનમાં શોકગ્રસ્ત પરિવારો પ્રતિ દિલસોજી વ્યક્ત કરી હતી. ચૂંટણીમાં બે મુખ્ય વિપક્ષના ઉમેદવારોને ભાગ નહિ લેવા દેવાયા પછી સમર્થકોએ વિરોધપ્રદર્શનો યોજ્યા હતા. યુએન દ્વારા પણ સેંકડો લોકોના મોત થયાનું જણાવાયું હતું.
• ઝૂમાની પુત્રીએ રમખાણોમાં ભૂમિકા નકારીઃ
સાઉથ આફ્રિકાના પૂર્વ પ્રેસિડેન્ટ જેકોબ ઝૂમાની પુત્રી ડુડુઝિલે ઝૂમા-સામ્બુડ્લાએ 2021ના વિનાશક રમખાણોની ઉશ્કેરણીમાં પોતાની કોઈ ભૂમિકા હોવાનું ડર્બન હાઈ કોર્ટ સમક્ષ નકાર્યું હતું. ડુડુઝિલે ઝૂમા-સામ્બુડ્લાએ સોશિયલ મીડિયા પર હિંસા આચરવાની ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકી હોવાનું પ્રોસિક્યુટર્સે કોર્ટને જણાવ્યું હતું. આ રમખાણોમાં 300થી વધુ લોકોના મોત થયા હતા. ભ્રષ્ટાચાર કમિશન સમક્ષ જુબાની આપવાના કોર્ટ આદેશનો અનાદર કર્યા પછી જેકોબ ઝૂમાની ધરપકડ કરાઈ તેના વિરોધમાં દેશભરમાં રમખાણો અને લૂંટફાટ ફાટી નીકળ્યા હતા. રમખાણોના કારણે આશરે 50 બિલિયન રેન્ડનું આર્થિક નુકસાન થયાનો અંદાજ છે.
• ઝિમ્બાબ્વેમાં પ્રમુખની મુદત 2030 સુધી લંબાવાશેઃ
ઝિમ્બાબ્વેના શાસક પક્ષ ZANU-PF પ્રમુખ એમર્સન એમનાન્ગાગ્વાની મુદત બે વર્ષ વધારી 2030 સુધી લંબાવવા બંધારણમાં સુધારો કરવાનું વિચારી રહેલ છે. જોકે, વિરોધપક્ષના રાજકારણીઓએ આ પગલું ગેરબંધારણીય ગણાવી વખોડી કાઢ્યું છે. પાર્ટીના અધિવેશનમાં આ દરખાસ્ત પસાર કરવામાં આવી છે. 83 વર્ષીય પ્રેસિડેન્ટ એમનાન્ગાગ્વાની પાંચ વર્ષની બીજી મુદત 2028માં પૂર્ણ થાય છે. ZANU-PF પાર્ટીમાં વારસાઈની લડાઈ ચાલે છે. દેશમાં સ્થિરતા, સાતત્યતા અને ટકાઉ પરિવર્તન ચાલુ રાખી શકાય તે માટે આ પગલું વિચારાયું છે. 1980માં બ્રિટિશ શાસનથી આઝાદ થયેલા ઝિમ્બાબ્વેમાં સ્થાપક નેતા રોબર્ટ મુગાબે સામે 2017ના લશ્કરી બળવાના પગલે એમર્સન એમનાન્ગાગ્વાએ સત્તા સંભાળી હતી.

