જિનિવા, કમ્પાલાઃ સમયસર વધુ મદદ નહિ મળે તો યુગાન્ડામાં આવી રહેલા હજારો શરણાર્થીને મદદ કરવા ઈમર્જન્સી ભંડોળ માત્ર માત્ર સપ્ટેમ્બર મહિના સુધી ચાલી શકે તેમ છે તેવી ચેતવણી યુનાઈટેડ નેશન્સની રેફ્યુજી એજન્સી (UNHCR)એ આપી છે. યુગાન્ડામાં 1.93 મિલિયન શરણાર્થી રહે છે જેમાં એક મિલિયનથી વધુ તો 18 વર્ષથી ઓછી વયના છે.
સુદાન, સાઉથ સુદાન, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી દરરોજ સરેરાશ 600 શરણાર્થી યુગાન્ડા આવતા રહે છે. આ વર્ષના અંત સુધી યુગાન્ડામાં શરણાર્થીની કુલ સંખ્યા 2 મિલિયનનો આંકડો વટાવી જશે તેમ એજન્સીએ જણાવ્યું હતું. વિશ્વના દેશો તરફથી ભંડોળ વિના હજારો બાળકો અપોષણથી મોતને ભેટી શકે, બાળાઓ સેક્સ્યુઅલ હિંસાનો શિકાર બની શકે તેમજ અસંખ્ય પરિવારો આશ્રય અને સુરક્ષાવિહોણા બની જશે.
• બોટ્સવાનામાં હેલ્થ ઈમર્જન્સી જાહેર
ગાબોરોનઃ બોટ્સવાનામાં દવાઓના પુરવઠાની ગંભીર અછતને ધ્યાનમાં રાખી હેલ્થ ઈમર્જન્સી જાહેર કરવામાં આવી છે. દવાઓની અછતના પરિણામે હોસ્પિટલો અને ક્લિનિક્સમાં હાઈપરટેન્શનથી માંડી કેન્સર અને ડાયાબિટીસ સહિતના રોગોની સારવારમાં મુશ્કેલીઓ સર્જાઈ છે. હેલ્થ મિનિસ્ટ્રીએ કટોકટી માટે નાણાકીય પડકારોને જવાબદાર ગણાવ્યાં છે. પ્રેસિડેન્ટ ડુમો બોકોએ જણાવ્યું હતું કે ખરીદીના વધતા ખર્ચા અને બિનકાર્યક્ષમ વિતરમ સિસ્ટમ્સના કારણે ખોટ, વેડફાટ અને નુકસાન વધ્યા છે. આ ઉપરાંત, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બોટ્સવાના માટે હેલ્થ ફંડિંગમાં પણ કાપ મૂકેલો છે. જોકે, ફાઈનાન્સ મિનિસ્ટ્રીએ તબીબી પુરવઠા માટે તાકીદના ધોરમે 17.35 મિલિયન ડોલરની ફાળવણી કરી છે.
• કોંગોના પૂર્વ પ્રમુખ કાબિલાને દેહાંતદંડની માગ
કિન્હાસાઃ હોમિસાઈડ, બળાત્કાર અને અત્યાચાર સહિત યુદ્ધઅપરાધોનો ખટલો ચલાવાય છે તેવા કોંગોના પૂર્વ પ્રમુખ જોસેપ કાબિલાને દેહાંતદંડ અપાય તેવી માગણી મિલિટરી ઓડિટર જનરલ જનરલ લિકુલીઆ લ્યુસિએન રેનેએ મિલિટરી કોર્ટ સમક્ષ કરી છે. આશરે બે દાયકા સુધી સત્તા પર રહેલા કાબિલાએ 2018માં પ્રમુખપદ છોડ્યું હતું અને 2023ના ઉત્તરાર્ધથી વિદેશમાં અને મુખ્યત્વે સાઉથ આફ્રિકામાં રહે છે. મે મહિનામાં કોંગોની સેનેટે પ્રોસિક્યુશનમાંથી કાબિલાને ઈમ્યુનિટી ખારિજ કરી હતી તેમજ સરકારે તેમની પોલિટિકલ પાર્ટી પર પ્રતિબંધ લગાવી તેની સંપત્તિ જપ્ત કરેલી છે.
• રવાન્ડા યુએસના 250 માઈગ્રન્ટ્સ લેવા સંમત
કિગાલી, વોશિંગ્ટનઃ રવાન્ડા સરકારે યુએસએ સાથે કરાયેલી સમજૂતી મુજબ 250 માઈગ્રન્ટ્સ સ્વીકારવા સંમતિ દર્શાવી છે. જોકે, રવાન્ડાએ કેવા માઈગ્રન્ટ્સ હશે તે સંદર્ભે સમજૂતીની વિગતો જાહેર કરી નથી. અગાઉ અમેરિકાએ આંતરરાષ્ટ્રીય કાયદાના ઉલ્લંઘનોની ચિંતા અવગણીને સાઉથ સુદાન અને એસ્વાટિની સાથે સમજૂતી મુજબ અનુક્રમે આઠ અને પાંચ દેશનિકાલ માઈગ્રન્ટ્સ મોકલી આપ્યા છે. બ્રિટન દ્વારા રવાન્ડામાં એસાઈલમ સીકર્સ મોકલવાની કન્ઝર્વેટિવ સરકારની સમજૂતી રદ કરાયા બાદ વોશિંગ્ટન સાથે સમજૂતી કરાઈ છે. રવાન્ડામાં આવનારને તાલીમ, હેલ્થકેર અને વસવાટની સુવિધા અપાશે.