યુગાન્ડા સિંહોની મોટા પ્રમાણમાં વસ્તી ધરાવતો દેશ હતો પરંતું, હાલ તેમાં સિંહોની વસ્તી 40 ટકા ઘટાડો નોંધાયો છે. 100થી વધુ યુગાન્ડા અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા કિડેપો વેલી નેશનલ પાર્ક, પિઆન ઉપે વાઈલ્ડલાઈફ રિઝર્વ, મુર્ચિસોન ફોલ્સ નેશનલ પાર્ક, ટોરો સેમલિકી વાઈલ્ડલાઈફ રિઝર્વ, ક્વીન એલિઝાબેથ કન્ઝર્વેશન એરિયા અને લેક મ્બુરો નેશનલ પાર્કમાં જાન્યુઆરી 2022થી જાન્યુઆરી 2023માં કરાયેલા સરવેમાં આ વિગતો બહાર આવી છે. ક્વીન એલિઝાબેથ નેશનલ પાર્કમાં વૃક્ષો પર ચડી શકે તેવી પ્રજાતિના સિંહની સંખ્યા માત્ર 39 રહી છે. કિડેપો વેલી નેશનલ પાર્ક (12), મુર્ચિસોન ફોલ્સ નેશનલ પાર્ક (અંદાજે 240)માં સિંહ રહ્યા છે.
• અમેરિકી માઈગ્રન્ટ્સને લેવા રવાન્ડાની તૈયારી
રવાન્ડાના ફોરેન મિનિસ્ટર ઓલિવર ન્ડુહુનગિરેએ જણાવ્યું હતું કે અમેરિકા દ્વારા ડિપોર્ટ કરાયેલા માઈગ્રન્ટ્સને સ્વીકારવા ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે વાતચીત થઈ રહી છે. રવાન્ડા આવા માઈગ્રન્ટ્સને વધુ વએક તક આપવામાં માને છે. અગાઉ, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિઓએ જણાવ્યું હતું કે વોશિંગ્ટન કેટલાક તિરસ્કારપાત્ર માનવીઓને સ્વીકારે તેવા દેશોની સક્રિય શોધ ચલાવી રહેલ છે. અગાઉ, યુકેએ દેશનિકાલ કરવા માઈગ્રન્ટ્સને સ્વીકારવા સંમતિ દર્શાવી હતી પરંતુ, પાછળથી યુકેની સ્ટાર્મર સરકારે આ યોજના પડતી મૂકી હતી. ફેબ્રુઆરીમાં અલ સાલ્વાડોરે અમેરિકી નાગરિકતા સહિત દેશનિકાલ કરાતા અમેરિકી ક્રિમિનલ્સને સ્વીકારી પોતાની મહાકાય જેલોમાં રાખવાની ઓફર કરી હતી.
• કેન્યાના પ્રમુખ રુટો પર જૂતું ફેંકાયું
કેન્યાના પ્રમુખ વિલિયમ રુટો રવિવારે મિગોરી કાઉન્ટીમાં જાહેર સભાને સંબોધી રહ્યા હતા ત્યારે તેમના પર જૂતું ફેંકાયું હતું. જોકે, રુટોએ ઘા ચૂકાવી દીધો હતો. જોકે, સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે જૂતું અકસ્માતે પ્રમુખ પર ફેંકાયું હતું. રુટો પ્રજામાં ભારે રોષ છે તે જીવનનિર્વાહ ખર્ચ વિશે બોલી રહ્યા હતા. પોલીસે આ બાબતે ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હોવાના અહેવાલ છે.
• કેન્યન કોર્ટે બાળકીની હત્યા મુદ્દે પોલીસ સામે આરોપો લગાવ્યા
કેન્યાની કોર્ટે 2017ની વિવાદી ચૂંટણી પછી દેખાવો પર તૂટી પડવા દરમિયાન બાળકીની હત્યા મુદ્દે ચાર પોલીસ અધિકારીઓ વિરુદ્ધ આરોપો લગાવ્યા છે.કોર્ટે આ હત્યાને માનવતા વિરુદ્ધનો અપરાધ ગણાવી હતી. જ્યારે પુરાવાના અભાવે અન્ય 8 અધિકારી સામેના આરોપ પડતા મૂકાયા હતા. આ નિર્ણયને માનવાધિકાર જૂથોએ વખોડી કાઢ્યો હતો. ચાર્જ લગાવાયેલા ચાર પોલીસ અધિકારીએ પોતે નિર્દોષ હોવાનું રટણ કર્યું હતું. ઓગસ્ટ 2017માં કિસુમુ શહેરના એક ઘરમાં ટીઅસ ગેસ ફેંકાયા પછી છ મહિનાની બાળકી સામન્થા પેન્ડોનું મોત થયું હતું. દેશભરમાં વિરોધોમાં અન્ય 39 દેખાવકારોના મોત નીપજ્યાં હતાં.
• કેન્યાના ફ્રેડ માટિઆંગી પ્રમુખપદની સ્પર્ધામાં
કેન્યાના પૂર્વ કેબિનેટ સેક્રેટરી ફ્રેડ માટિઆંગીએ 2027ની પ્રમુખપદની સ્પર્ધામાં ઝંપલાવવાનો નિર્ણય જાહેર કર્યો છે. માટિઆંગીએ પૂર્વ પ્રમુખ ઉહુરુ કેન્યાટાના શાસનમાં 10 વર્ષ સેવા આપી હતી. આ પછી તેઓ વિદેશ ચાલ્યા ગયા હતા. હવે પરત આવીને તેમણે જાહેર સભામાં પ્રમુખપદે ચૂંટણી લડી કેન્યનોની સેવા કરવાનું જાહેર કરી લોકો પાસે મત માગવાની શરૂઆત કરી છે.
• સોમાલિયાની સંસદમાં સભ્યોની મારામારી
સોમાલિયાની પાર્લામેન્ટના નીચલા ગૃહમાં 29 એપ્રિલે સંસદસભ્યો રીતસરની મારામારી પર આવી ગયા હતા અને અરાજકતા ફેલાઈ હતી. વિપક્ષી સભ્યોએ કાર્યવાહી અટકાવી સ્પીકર સામે રોષ પ્રગટ કરી તેમના ઈમ્પીચમેન્ટની માગણી કરી હતી. તંગદિલી વધતા પાર્લામેન્ટરી ચેમ્બરમાં સશસ્ત્ર સુરક્ષા દળો ગોઠવી દેવાયા હતા. સુરક્ષાની ચિંતાના પગલે 20 સાંસદોને પાર્લામેન્ટ સેશન્સ માટે સસ્પેન્ડ કરાયા હતા. સસ્પેન્શન ક્યાં સુધી અમલી રહેશે તે જાહેર કરાયું ન હતું.