• યુગાન્ડામાં સ્વચ્છ પીવાના પાણીનો પ્રોજેક્ટ પૂર્ણ

આફ્રિકા – સંક્ષિપ્ત સમાચાર --૧

Wednesday 27th August 2025 05:20 EDT
 

કમ્પાલાઃ પશ્ચિમ અને પૂર્વ યુગાન્ડામાં સ્વચ્છ પાણી અને પર્યાવરણીય શિક્ષણને સુલભ બનાવતો આઠ મહિનાનો પ્રુડેન્શિયલ ક્લાઈમેટ એન્ડ હેલ્થ રેઝિલેન્સ ફંડ પ્રોજેક્ટ પૂર્ણ કરાયો છે. પ્રુડેન્શિયલ યુગાન્ડા અને સામાજિક સંસ્થા ટુસાફિશેની ભાગીદારીના આ પ્રોજેક્ટ થકી  કામુલી,  મ્બાલે, સિરોન્કો, ફોર્ટ પોર્ટલ, ક્યેનજોજો અને ક્યેગેગ્વા ડિસ્ટ્રિક્ટ્સની 71 શાળાઓનાં 119,562 વિદ્યાર્થી અને કોમ્યુનિટીના સભ્યોને લાભ મળશે. પ્રુડેન્સ ફાઉન્ડેશનના સપોર્ટ સાથેના આ પ્રોજેક્ટ મારફત 71 ગ્રામ્ય  શાળાઓ અને કોમ્યુનિટીઓને જળ શુદ્ધિકરણ સિસ્ટમ્સ અને 40 ડોમેસ્ટિક ફિલ્ટર્સ પૂરા પાડવામાં આવ્યાં છે. UNICEF અનુસાર  સરે 38 ટકા યુગાન્ડાવાસીઓને સુરક્ષિત પીવાનું પાણી મળતું નથી અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની અછત તીવ્ર રહે છે.

 • સુદાનમાં 1.4 મિલિયન કોલેરા વેક્સિન્સ મોકલાશે

તાવિલાઃ સુદાનના નોર્થ ડારફૂર સ્ટેટમાં 300 બાળકો સહિત 1180થી વધુ કોલેરા કેસીસ અને 20 મોતનાં પગલે UNICEF દ્વારા 1.4 મિલિયન કોલેરા વેક્સિન્સ મોકલવામાં આવનાર છે. આ રાજ્યમાં કોલેરાનો સૈપ્રથમ કેસ જૂન મહિનામાં નોંધાયો હતો. સુદાનના આંતરિક યુદ્ધના પરિણામે 500,000 જેટલા વિસ્થાપિતો તાવિલામાં આવેલા છે. જેના પરિણામે, સ્વચ્છતા, સફાઈ, મેડિકલ અને ફૂડ સપ્લાયની સ્થિતિ ખરાબ બની છે. UNICEFના અહેવાલ મુજબ 30 જુલાઈ સુધીમાં પાંચ ડારફૂર રાજ્યોમાં કુલ 80 મોત સાથે 2140 કોલેરા કેસીસ નોંધાયેલા છે. સંઘર્ષના કારણે પાંચ વર્ષથી નીચેના વયનાં 640,000 બાળકો પણ, ભૂખ, રોગ અને હિંસાનું ભારે જોખમ અનુભવી રહ્યાં છે. ખોરાક, સ્વચ્છ પાણી, દવાઓ અને સાફસફાઈના પુરવઠાને પણ ગંભીર અસર પહોંચી છે.

 • યુગાન્ડા દેશનિકાલ અમેરિકી માઈગ્રન્ટ્સ સ્વીકારશે

કમ્પાલાઃ યુગાન્ડા સરકારે અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા માઈગ્રન્ટ્સને સ્વીકારવા તૈયારી દર્શાવી છે. જોકે, શરત પણ રાખી છે કે તેમના કોઈ ક્રિમિનલ રેકોર્ડ્સ હોવા ન જોઈએ અને સગીરોની સાથે વાલી હોવાં જોઈએ. યુગાન્ડાના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે સમજૂતી તો થઈ છે, પરંતુ શરતો અને વિગતો હજુ નક્કી થઈ રહી છે. યુગાન્ડા મોકલાનારા માઈગ્રન્ટ્સ આફ્રિકન નાગરિકતા ધરાવતા હોવા જોઈએ. જોકે, દેશનિકાલ માઈગ્રન્ટ્સ સ્વીકારવાના બદલામાં યુગાન્ડાને શું મળવાનું છે તેની કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. દરમિયાન, યુગાન્ડાના ફોરેન એફેર્સ સ્ટેટ મિનિસ્ટર હેન્રી ઓકેલો ઓરીયમે ડીપોર્ટીઝ બાબતે કરાર થયાનું નકાર્યું છે. બીજી તરફ, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ માઈગ્રેશન, રેસિપ્રોકલ ટ્રેડ અને વેપારી સંબંધો વિશે પ્રેસિડેન્ટ મુસેવેની સાથે ચર્ચા કરી હોવાનું યુગાન્ડાસ્થિત યુએસ એમ્બેસીએ જણાવ્યું હતું.

• કેન્યા, સાઉથ આફ્રિકા, સેનેગાલમાં પેલેસ્ટાઈનતરફી દેખાવો

કેપટાઉન, નાઈરોબીઃ ગાઝામાં ઈઝારાયેલ દ્વારા યુદ્ધને વખોડવા અને પેલેસ્ટાઈનની તરફેણ કરવા કેન્યા, સાઉથ આફ્રિકા, સેનેગાલમાં હજારો દેખાવકારો વીકએન્ડ પર રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. નાઈરોબીમાં સેંકડો બાઈકસવારો અને મોટરિસ્ટો પેલેસ્ટાઈનના ધ્વજ અને ‘ફ્રી, ફ્રી પેલેસ્ટાઈન’ના સૂત્રોચ્ચારો સાથે વિરોધસરઘસમાં જોડાયા હતા.

સેનેગાલના ડકારમાં લોમેકર્સ, સિવિલ સોસાયટી ગ્રૂપ્સ અને જમણેરી એક્ટિવિસ્ટો ઈઝરાયેલના બહિષ્કાર અને નરસંહારના ઈનકારના સૂત્રો સાથે દેખાવોમાં સામેલ થયા હતા.  ઉપરાંત, ઈઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધો તોડવા અને દ્વિરાષ્ટ્ર થીઅરીની મંત્રણાઓ આગળ વધારવા માગણી કરી હતી. સાઉથ આફ્રિકામાં પણ દેખાવકારોએ વિરોધ રેલીઓ યોજી હતી.ગાઝાની હેલ્થ મિનિસ્ટ્રીએ જણાવ્યા અનુસાર ઓક્ટોબર 2023થી ઓછામાં ઓછાં 62,000 પેલેસ્ટિનીઓને મોતને ઘાટ ઉતારાયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter