જોહાનિસબર્ગઃ અમેરિકા અને સાઉથ આફ્રિકા વચ્ચેના સંબંધોમાં કહેવાતા ‘રંગભેદ’ મુદ્દે ભારે તણાવ સર્જાયો છે. અમેરિકાએ તેના પ્રમુખપદ હેઠળ G20માંથી સાઉથ આફ્રિકાને બાકાત રાખવા કરેલી જાહેરાતના પગલે ફોરેન મિનિસ્ટર રોનાલ્ડ લામોલાએ સ્પષ્ટ કર્યું હતું કે સાઉથ આફ્રિકા જાતિવિષયક નીતિઓ બદલવાના અમેરિકાના દબાણ સામે ઝૂકશે નહિ.યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિઓએ સાઉથ આફ્રિકાની સરકાર શ્વેત આફ્રિકનો વિરુદ્ધ રંગભેદ આચરી રહી હોવાનો આક્ષેપ કર્યો છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પણ અવારનવાર દક્ષિણ આફ્રિકાની સરકાર દ્વારા ‘શ્વેત નરસંહાર’ના આક્ષેપો કરતા રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સાઉથ આફ્રિકામાં શ્વેત આફ્રિકનોની વસ્તી માત્ર 7 ટકા હોવાં છતાં, જમીન અને સંપત્તિનો બહુમતી હિસ્સો ધરાવે છે.
• સંસ્થાનવાદી અપરાધોમાં ન્યાય અને વળતરની માગણી
અલ્જિયર્સઃ આફ્રિકન નેતાઓ સંસ્થાનવાદ કાળના અપરાધોનો સ્વીકાર કરાય અને વળતર દ્વારા તેનું નિવારણ કરાય તે માટે દબાણભર્યા પ્રયાસો કરી રહ્યા છે. અલ્જિરિયાની રાજધાની અલ્જિયર્સમાં રાજદ્વારીઓ અને નેતાઓની કોન્ફરન્સમાં આ વર્ષના આરંભે ફેબ્રુઆરીમાં પસાર કરાયેલા આફ્રિકન યુનિયનના ઠરાવને આગળ વધારતા સંસ્થાનવાદના પીડિતો માટે ન્યાય અને વળતરની માગણી કરી હતી. અલ્જિરિયા 1954થી 1962ના ગાળામાં ફ્રેન્ચ સંસ્થાનવાદનો શિકાર હતું અને આઝાદી માટે લોહિયાળ યુદ્ધમાં હજારો લોકોના મોત થયા હતા.
• ટાન્ઝાનિયામાં પોલીસ- લશ્કરી દળોનો ચાંપતો બંદોબસ્ત
દારેસલામઃ ટાન્ઝાનિયાના 9 ડિસેમ્બરના સ્વાતંત્ર્ય દિને સરકારવિરોધી પ્રદર્શનોને અટકાવવા માટે પોલીસ અને લશ્કરી દળોએ મોટા શહેરોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. સરકારે 9 ડિસેમ્બરના વિરોધી દેખાવોને ગેરકાયદે અને બળવા સમાન જાહેર કર્યા હતા અને દેશના પ્રાઈમ મિનિસ્ટરે લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી હતી. ઓક્ટોબરની ચૂંટણીઓમાં દેખાવોને હિંસક રીતે દબાવી દેવાયા પછી ચોતરફ હિંસા ફાટી નીકળી હતી, જેમાં યુએન એજન્સીઓના જણાવ્યા અનુસાર સેંકડો લોકોના મોત નીપજ્યા હતા. આ ચૂંટણીમાં વર્તમાન પ્રમુખ શમીઆ સુલુહુ હાસન 98 ટકા મત સાથે વિજયી બન્યાં હોવાનો દાવો કરાય છે. જોકે, ચૂંટણીમાં મુખ્ય વિપક્ષી નેતાઓને ભાગ લેવા દેવાયો ન હતો.
• પ્રિટોરિયાના બારમાં અંધાધૂંધ ગોળીબારમાં 11નાં મોત
પ્રિટોરિયાઃ દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયા ખાતે શનિવાર, 6 ડિસેમ્બરે એક છાત્રાવાસમાં ચાલતા ગેરકાયદે બારમાં બંદૂકધારીઓએ વહેલી સવારે ત્રાટકીને શરાબ પી રહેલા લોકો પર અંધાધૂધ ગોળીબાર કરતાં 12 વર્ષના કિશોર અને 16 વર્ષની કિશોરી સહિત ત્રણ બાળકો સાથે 11 લોકો માર્યા ગયા હતા. પોલીસ પ્રવકતાએ જણાવ્યું હતું કે કુલ 25 લોકોને ગોળી વાગી હતી અને 10 લોકો ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા, જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. ગોળીબારમાં 14 લોકો ઘાયલ થયા હતા. વિશ્વમાં સૌથી ઉંચો હત્યાનો દર ધરાવતા દક્ષિણ આફ્રિકામાં ગોળીબારથી સામૂહિક મોતની ઘટનાઓ બનતી રહે છે.
• સુરક્ષા દળોએ મને માર્યોઃ બોબી વાઈન
કમ્પાલાઃ યુગાન્ડાના સુરક્ષા દળોએ દેશના ઉત્તર ભાગના મોટા શહેર ગુલુમાં ચૂંટણીપ્રચાર વેળાએ વિપક્ષ નેશનલ યુનિટી પ્લેટફોર્મના નેતા બોબી વાઈન અને સમર્થકોને માર મરાયો હોવાનો આક્ષેપ કરાયો છે. યુગાન્ડામાં 15 જાન્યુઆરીએ પ્રમુખપદની ચૂંટણી યોજાવાની છે ત્યારે પ્રચાર દરમિયાન સુરક્ષા દળોએ મારપીટ કરી હોવાનો આક્ષેપ 81 વર્ષીય પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેની વિરુદ્ધ બીજી વખત ચૂંટણી લડનારા પોપસ્ટાર-રાજકારણી રોબર્ટ કાગુલાન્યી(બોબી વાઈન)એ કર્યો છે. મિલિટરી પ્રવક્તાએ જણાવ્યું હતું કે બોબી અને તેમના સમર્થકોએ નિયત સમય પછી પ્રચાર માટે ગેરકાયદે સરઘસ કાઢ્યું હતું. બોબી વાઈન 2021ની ચૂંટણીમાં બીજા ક્રમે આવ્યા હતા.

