સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ સીરિલ રામફોસાએ વૈશ્વિક સંપત્તિ અસમાનતા તેમજ વિકાસ, ગરીબી અને બહુપક્ષીયતા પર તેની અસરોને ચકાસવા G20 એક્સપર્ટ્સ ટાસ્ક ફોર્સની રચના કરી છે. G20 દ્વારા આ પ્રકારની સૌપ્રથમ પહેલ છે. નોબેલ ઈકોનોમિક્સ પ્રાઈઝ વિજેતા જોસેફ સ્ટિગલિટ્ઝના વડપણ હેઠળ 6 સભ્યોનો ટાસ્ક ફોર્સ નવેમ્બરમાં જોહાનિસબર્ગ ખાતે મળનારી G20 નેતાઓની બેઠક સમક્ષ પોતાના તારણો રજૂ કરશે.
આ વર્ષે G20નું પ્રમુખપદ ધરાવતા સાઉથ આફ્રિકાએ વિશ્વમાં વધતી અસમાનતા અને રાષ્ટ્રીય દેવાંના બોજ સહિત ગરીબ દેશોને અસર કરતા મુદ્દાઓ હાઈલાઈટ કરવા નિર્ધાર કર્યો છે. વર્લ્ડ ઈનઈક્વિલિટી રિપોર્ટ અનુસાર 2021માં વિશ્વની વસ્તીમાં સૌથી ગરીબ પ્રજાનો વૈશ્વિક સંપત્તિમાં માત્ર 2 ટકાનો હિસ્સો હતો, જ્યારે સૌથી તવંગર 10 ટકા લોકો વૈશ્વિક સંપત્તિ પર 76 ટકા કબજો ધરાવતા હતા.
• કેન્યાના કર્મશીલ પ્રમુખપદના ઉમેદવારઃ
કેન્યામાં સરકારવિરોધી પ્રદર્શનોમાં અગ્રભૂમિકા ભજવનારા માનવાધિકાર કર્મશીલ બોનિફેસ મ્વાન્ગીએ 2027ની પ્રમુખપદની ચૂંટણીમાં ઉમેદવારી કરવાનવો ઈરાદો જાહેર કર્યો છે. તેમની ઉમેદવારી ગત બે વર્ષ દરમિયાન યુવા કેન્યનો દ્વારા ચલાવાતા વિરોધ પ્રદર્શનોને મળી રહેલી લોકપ્રિયતા ઈલેક્ટોરલ ચળવળમાં ફેરવાશે કે કેમ તેની કસોટી બની રહેશે. મ્વાન્ગીએ અગાઉ ભ્રષ્ટાચારવિરોધ મંચ પરથી 2017ની પાર્લામેન્ટરી ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, પરંતુ સફળતા મળી ન હતી. મ્વાન્ગીએ વર્ષો દરમિયાન કેન્યા અને વિદેશમાં માનવ અધિકારોના ઉલ્લંઘનો વિરુદ્ધ અવાજ ઉઠાવનાર તરીકે પ્રતિષ્ઠા હાંસલ કરી છે. કેન્યાની કોર્ટે જુલાઈ મહિનામાં મ્વાન્ગીના નિવાસે ટીઅરગેસ કેનિસ્ટર્સ અને રાઈફલનો કારતૂસ મળી આવ્યા બદલ આરોપ દાખલ કર્યો હતો. જોકે, મ્વાન્ગીએ પોતે દોષી નહિ હોવાનું જણાવ્યું છે.
• સમુદ્રની વધતી સપાટીથી નાઈજિરિયાની કોમ્યુનિટી તણાઈઃ
નાઈજિરિયાન તટપ્રદેશો પર ક્લાઈમેટ ચેઈન્જની ગંભીર અસરો વર્તાઈ રહી છે. જૂન મહિનામાં ઉછાળા મારતા સમુદ્રના પાણી લાગોસના 3000 લોકોની વસ્તી ધરાવતા અપાકિન ગામમાં ફરી વળ્યા હતા. આ પાણીમાં ફિશિંગ બોટ્સ, જાળીઓ અને કબરો તણાઈ ગઈ હતી. લાગોસની તટપ્રદેશની અદૃશ્ય થઈ રહેલી કોમ્યુનિટીઓમાં એક અપાકિન વસાહત માટે મકાનો અને નિર્વાહ ગુમાવવાની આ વારંવારની ઘટના છે. સદોથી સમુદ્રકાંઠા વિસ્તારમાં રહેતી કોમ્યુનિટીને તેમની પૂર્વજોની ભૂમિને દરિયો ગળી જશે તેનો ભય સતાવી રહ્યો છે. લાગોસની એક ડઝનથી વધુ તટપ્રદેશીય કોમ્યુનિટીઓ ધસમસતા સમુદ્રી ન પ્રવાહ સામે સંઘર્ષ કરી રહી છે. વાસ્તવિકતા એ છે કે જર્નલ ઓફ આફ્રિકન અર્થ સાયન્સીસના 2022ના રિપોર્ટ અનુસાર ગત પાંચ દાયકામાં લાગોસનો 80 ટકા કાંઠાવિસ્તાર ધોવાઈ ગયો છે.
• નાઈજિરિયામાં બંદૂકધારીઓ દ્વારા 100થી વધુ લોકોનું અપહરણઃ
નોર્થવેસ્ટનાઈજિરિયાના ઝામફારા સ્ટેટમાં બંદૂકધારીઓએ હુમલો કરી બે વ્યક્તિને ઠાર મારવા ઉપરાંત, બાળ—કો અને સ્ત્રીઓ સહિત 100થી વધુ લોકોનું અપહરણ કર્યું હતું. તેમણે અન્ય ગામેથી વધુ 46 લોકોનું અપહરણ કર્યું હતું. ઝામફારા સ્ટેટમાં અડાફ્કા, બુક્કુયુમના ગામડુમ માલ્લામ ગામે શનિવારે મોટરબાઈક્સ પર આવેલા સશસ્ત્ર લૂંટારા ત્રાટક્યા હતા અને અંધાધૂંધ ગોળીબારો કર્યા હતા. તેઓ ઘણાં બાળકો અને સ્ત્રીઓ તેમજ પશુધનનું અપહરણ કરી જંગલ તરફ લઈ ગયા હતા. બંદૂકધારીઓના હુમલાઓથી રાજ્યમાં ખેતી અને પ્રવાસ ભારે જોખમી બનેલ છે. જુલાઈ 2024થી જૂન 2025 સુધીના ગાળામાં ઓછામાં ઓછાં 4,722 લોકોના અપહરણ કરાયાના અહેવાલ છે.
• ટાન્ઝાનિયાના પ્રેસિડેન્ટ સામીઆ ચૂંટણી લડી શકશેઃ
ટાન્ઝાનિયાના ઈલેક્ટોરલ કમિશને પ્રેસિડેન્ટ સામીઆ સુલુહુ હાસન અને ડેપ્યુટી ઈમાન્યૂએલ ન્ચિમ્બીને 29 ઓક્ટોબરે થનારી ચૂંટણી લડવા મંજૂરી આપી છે. કમિશને બીજા ક્રમના સૌથી મોટા વિપક્ષ એલાયન્સ ફોર ચેઈન્જ એન્ડ ટ્રાન્સપરન્સી (ACT-Wazalendo)ના પ્રમુખપદના ઉમેદવાર લુહાગા મ્પિનાનું ઉમેદવારીપત્ર નહિ સ્વીકારીને ગેરલાયક ઠરાવ્યા પછી પ્રેસિડેન્ટ હાસને નાના પક્ષોના ઉમેદવારોનો જ સામનો કરવાનો રહેશે. પ્રેસિડેન્ટ સામીઆ સુલુહુ હાસને 2021માં તેમના પુરોગામી પ્રમુખ જ્હોન માગુફુલીના મોત પછી સત્તા સંભાળી હતી અને પહેલી વખત પ્રમુખપદની ચૂંટણી લડશે. અગાઉ, ઈન્ડિપેન્ડન્ટ નેશનલ ઈલેક્ટોરલ કમિશને એપ્રિલમાં પ્રથમ ક્રમના વિરોધ પક્ષ ચાડેમા-CHADEMAને ચૂંટણી આચારસંહિતાના અમલ પર હસ્તાક્ષર કરવાના ઈનકાર બદલ ગેરલાયક ઠરાવ્યો હતો. CHADEMAના ચેરમેન ટુન્ડુ લિસ્સુ સામે એપ્રિલમાં દેશદ્રોહનો આરોપ લગાવાયા બાદ જેલમાં રખાયા છે.
• યુગાન્ડામાં મુસેવેની પ્રમુખપદના સત્તાવાર ઉમેદવારઃ
યુગાન્ડાની શાસક પાર્ટી નેશનલ રેઝિસ્ટન્સ મૂવમેન્ટ (NRM) દ્વારા જાન્યુઆરીમાં યોજાનારી આગામી સામાન્ય ચૂંટણીમાં પ્રમુખપદના તેના સત્તાવાર ઉમેદવાર અને સાતમી મુદતના પ્રમુખ તરીકે પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેની હોવાની જાહેરાત કરાઈ છે. કમ્પાલામાં પક્ષની ડેલિગેટ કોન્ફરન્સમાં મુસેવેનીએ તેમનું નામાંકન સ્વીકારી પુનઃ વિશ્વાસ દર્શાવવા બદલ પાર્ટીનો આભાર માન્યો હતો. હતું. મુસેવેનીએ સૌ પહેલા બળવાખોર ફોર્સના વડા તરીકે 1986માં સત્તા હાંસલ કરી હતી. પ્રમુખપદ માટે મુદતની મર્યાદા અને વયમર્યાદા દૂર કરવાના બંધારણીય સુધારાઓના પગલે તેઓ 6 મુદત સુધી દેશના પ્રમુખ બની રહ્યા છે. મુસેવેની સામે 2021ની ચૂંટણીમાં પરાજિત યુગાન્ડાના ગાયક, રાજકારણી અને વિપક્ષ નેશનલ યુનિટી પ્લેટફોર્મના નેતા બોબી વાઈને ચૂંટણી લડવાની જાહેરાત કરેલી જ છે.